અરે ભાઈ! પુણ્ય-પાપ આદિ ભાવ અને આ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-પરિવાર, ધન આદિ અનાત્મરૂપ ચીજો તારી ક્યાંથી આવી? એ તારા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે જ નહિ. મારી છે, એ તો તારી અનાદિકાલીન ભ્રમણા છે બાપુ! ભ્રમણામાં ને ભ્રમણામાં તેં આ સર્વ અજ્ઞાનતત્ત્વને તારા જ્ઞાનતત્ત્વ સાથે ભેળવીને એકમેક કરી દીધાં છે. અરે, તારા આત્માની અપેક્ષાએ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા, પંચ પરમેષ્ઠી અને શાસ્ત્ર ઈત્યાદિ બધુંય અજ્ઞાનતત્ત્વ છે, કેમકે તે આ આત્માના જ્ઞાનરૂપ નથી, પરજ્ઞેયરૂપ છે. આ ભેદજ્ઞાન છે. પોતાની ભિન્ન ચીજ છે એને ભિન્ન નહિ માનતાં બીજી ચીજ (અજ્ઞાનતત્ત્વ) હું છું એમ તું માને એ તો નર્યું અજ્ઞાન છે; એ વડે તો તારા આત્માનો- તારા વાસ્તવિક જીવનનો-નાશ જ થઈ રહ્યો છે. સમજાણું કાંઈ......? અહો! આ અનેકાન્તમાં તો આચાર્યદેવે આખું ભેદવિજ્ઞાન સમાવી દીધું છે!
જુઓને! એક બાજુ રામ ને એક બાજુ ગામ મૂકી દીધાં છે. એક બાજુ અનંત ગુણસ્વરૂપ જ્ઞાનપુંજ પ્રભુ આત્મા તે રામ, અને બીજી બાજુ પુણ્ય-પાપના વિકલ્પથી માંડીને શરીર, મન, વાણી, ધન, પરિજન, દેવ, ગુરુ ઇત્યાદિ વિશ્વની સઘળી પર ચીજ તે ગામ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વિશ્વની આ સઘળી પરચીજને જાણવાવાળો છે, પણ એ બધી પરચીજ પોતાની છે એમ એમાં ક્યાં છે? નથી. છતાં અજ્ઞાની જીવ જેમાં પોતાનો જ્ઞાનસ્વભાવ નથી એવી આ પરચીજ-અજ્ઞાનતત્ત્વ હું છું એમ અજ્ઞાન-તત્ત્વને - પરચીજને સ્વપણે માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે અર્થાત્ પોતાના સિવાય અનંત પર પદાર્થોના ગ્રહણ વડે પોતાના જ્ઞાનતત્ત્વનો-જ્ઞાનસ્વરૂપનો અનાદર કરે છે, પોતાની શુદ્ધ ચૈતન્યમય જીવનશક્તિનો નાશ કરે છે. આવો આત્મઘાત એ જ હિંસા છે, અધર્મ છે. ભાઈ! ધર્મ ને અધર્મ એ તો અંતરંગ માન્યતા ને આચરણના આધારે છે, બાહ્યથી એનું માપ નીકળે એમ નથી.
અહા! ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. ક્યાંય બીજે (ઇન્દ્રિય કે ઇન્દ્રિયના વિષયોમાં) એનો આનંદ નથી; આનંદનું ઢીમ છે ને પોતે! છતાં મારો આનંદ પરમાંથી (વિષયોમાંથી) આવે છે, પરથી મને સુખ થાય છે એમ જે માને છે તે પરને પોતારૂપ-સ્વરૂપ માને છે. આ પૈસાથી મને સુખ મળે છે, આ મનોહર બાગ-બંગલામાં મને આરામ છે, ચૈન છે, મઝા છે, આ રૂપાળા વસ્ત્રોથી મારી શોભા છે એમ જે માને છે તે પૈસાને, બાગ-બંગલાને ને વસ્ત્રાદિને જ આત્મરૂપ કરે છે, આત્મા માને છે; અને એ રીતે તે પોતાના આનંદસ્વભાવનો, આ આનંદસ્વભાવી આત્મા હું નહિ, આ પૈસા આદિ પરચીજ હું છું; એમ પરચીજને અંગીકાર કરીને, નાશ કરે છે. સમજાણું કાંઈ......?
આ દેહ તો માટી-ધૂળ છે ભાઈ! અને આ મીઠાં ભોજન-લાડવા ને પાંતરાં