૩૮૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આદિ, તથા આ આરસજડિત મહેલ ને મનોહર વસ્ત્રાદિ વિષયો એ સઘળુંય ધૂળ માટી છે બાપુ! એ તારું રૂપ-સ્વરૂપ નહિ. તું તો પ્રભુતા ને આનંદના સ્વભાવથી ભરેલું એકલા ચૈતન્યનું બિંબ પ્રભુ છો. એકવાર સાંભળ નાથ! તારી પ્રભુતા ને તારો આનંદ તારા અંતરમાં પૂરણ ભર્યાં પડયાં છે, છતાં પરથી મારી પ્રભુતા છે, ને પરમાં મારો આનંદ છે એમ તું ક્યાં ભરમાયો? પરથી મારી પ્રભુતા છે, પરમાં મારો આનંદ છે એમ માનવાવાળો તો પોતાને જ ભૂલી ગયો છે, પોતાને પોતારૂપ માનતો નથી. આ તે કેવું અજ્ઞાન! પરજ્ઞેયને લઈને મારું જ્ઞાન થાય, વજ્રવૃષભનારાચ સંહનન હોય તો કેવળજ્ઞાન થાય, પરમાંથી વિષયોમાંથી મને આનંદ આવે ઈત્યાદિ પરને પોતારૂપ માનનાર અજ્ઞાની જીવ અરેરે! પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને તેનો અનાદર અને નાશ કરે છે, પોતાના આનંદમય જીવનનો નાશ કરે છે.
વળી કોઈ વેદાંતવાળા એમ માને છે કે જ્ઞાનમાં કપાસાદિ (પરજ્ઞેયો) જણાય છે માટે તે (કપાસાદિ) જ્ઞાનની જાત છે, કારણ કે જ્ઞાનની જાત હોય તે જણાય; પણ આ માન્યતા અજ્ઞાન છે. સર્વને (પરજ્ઞેયોને) જ્ઞાનસ્વરૂપ-આત્મસ્વરૂપ માનવા એ અજ્ઞાન છે, કેમકે વસ્તુ એમ નથી. પોતે (-આત્મા) એક જ્ઞાનસ્વરૂપ છે, ને તે સિવાયનું બધું જ પરજ્ઞેય છે. સમજાણું કાંઈ.....?
આ માણસો ધ્યાન નથી કરતાં? ધ્યાન કરે છે ત્યારે તે પોતાની સન્મુખ થાય છે; એટલે કે પોતે જેટલા ક્ષેત્રમાં વ્યાપક છે તેની સન્મુખ થાય છે. મતલબ કે પોતાના ક્ષેત્રમાં જ એનું હોવાપણું છે. છતાં વિશ્વની જે અનંત ચીજો છે તે સર્વમાં હું વ્યાપક છું -મારો આત્મા વિશ્વના બધા ક્ષેત્રમાં વ્યાપક છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે, તે પોતાની જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુનો અનાદર કરીને પોતાનો ઘાત-હિંસા કરે છે. અહા! વિશ્વનાં બધાં (અનંતા) દ્રવ્યોને પોતારૂપ-સ્વરૂપ માની-કરીને તે જગતથી ભિન્ન એવા નિજ આત્મસ્વરૂપનો-જ્ઞાનાનંદસ્વરૂપનો નાશ કરે છે. બધી ચીજોથી (પરજ્ઞેયોથી) પોતે ભિન્ન છે એમ જે માનતો ને અનુભવતો નથી તે પોતાનો નાશ કરે છે.
વળી કોઈને પાંચ-પચાસ હજારનું મકાન નવું થયું હોય એટલે વાત-વાતમાં કહે - એમ કે ભૂખ્યા-તરસ્યા તો થોડા દિ’ રહેવાય પણ શું મકાન વિના રહેવાય? રોટલા વિના થોડા દિ’ ચાલે, પણ ઓટલા (મકાન) વિના કેમ ચાલે? આ બધાય મૂઢેમૂઢ ભેગા થયા છે. ખબર ન મળે કે રોટલા ને ઓટલા બધીય પરવસ્તુ છે. શું આત્મા ઓટલામાં- મકાનમાં રહી શકે છે? એ તો પરવસ્તુ છે; એમાં એ કેમ રહે? એમાં એની રક્ષા કેમ થાય? લોકોને આ તત્ત્વની વાત કઠણ પડે છે. એટલે ધર્મને નામે બહારની ક્રિયાઓ-વ્રત, તપ, દાન, ભક્તિ આદિ અનંતકાળથી કર્યા કરે, પણ ભાઈ! એ તો બધો શુભરાગ છે બાપુ! એ કાંઈ ધર્મ નથી, ને ધર્મનું કારણેય નથી. પણ શું થાય? રાગથી ને પરથી