ભિન્ન પોતાની ચીજનો જે સ્વીકાર કરતો નથી તે બીજે પોતાપણું કરીને, જગતને પોતારૂપ માનીને પોતાનો નાશ કરે છે.
ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું પરરૂપથી અતત્પણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન પોતાને માનતો થકો જ્ઞાની પોતાનો નાશ થવા દેતો નથી. હું સ્વરૂપથી જ જ્ઞાનાનંદસ્વભાવપણે તત્ છું એમ પોતાથી તત્ ને પુણ્ય-પાપ આદિ ને શરીર આદિ અનંતા પરજ્ઞેયોથી અતત્ છું એવી ભેદજ્ઞાનની દ્રષ્ટિ ધર્મીને ખીલી ગઈ હોય છે. આ રીતે ધર્મી સત્યાર્થ દ્રષ્ટિ વડે પોતાને જીવતો રાખે છે અર્થાત્ આનંદમય જીવન જીવે છે. અહા! ચાહે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવરૂપ પ્રશસ્ત રાગ હો કે ચાહે બહારમાં અનુકૂળ ધન, પરિજન, મકાન આદિ ઈષ્ટ સંયોગ હો-એ બધું હું નહિ, એનાથી મારાં અનુકૂળ ધન, પરિજન, મકાન આદિ ઈષ્ટ સંયોગ હો- એ બધું હું નહિ, એનાથી મારાં જ્ઞાન, આનંદ ને શાન્તિ નહિ - એમ પરથી અતત્પણું પ્રકાશતો, વિશ્વથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જ પોતાપણે અનુભવતો ધર્મી જીવ પોતાનો નાશ થવા દેતો નથી, આવી વાત!
‘જ્ઞાનમાત્રભાવનું પરથી અતત્પણું પ્રકાશીને’ ..... , લ્યો, હવે આવું છે ત્યાં ઓલા (એક શ્વેતાંબર સાધુ) કહે -ચશ્માં વિના જ્ઞાન ન થાય. અરે, આ શું કહે છે બાપુ? ચશ્માં હોય તો જ્ઞાન થાય- આ શું (અજ્ઞાન) છે? લીંબડીમાં એક ફેરી ચર્ચા થયેલી શ્વેતાંબર સાધુ સાથે. એ આવ્યા’ તા ત્યાં ચર્ચા કરવા. ત્યારે કહ્યું’ તું કે-ભાઈ! અમે કોઈ સાથે ચર્ચા-વાદ કરતા નથી. તો એ કહે-
તમે નહિ કરો તો તમારી કિંમત નહિ રહે. (એમ કે તમે ચર્ચાથી ડરી ગયા) વળી કહે -તમે સિંહ છો તો હુંય સિંહનું બચ્ચું છું. ત્યારે કહ્યું-
ભાઈ! અમે સિંહેય નથી, બચ્ચુંય નથી. અમારે વાદથી-ચર્ચાથી કામ નથી. પછી થોડીવાર પછી એ કહે-
ચશ્માં હોય તો દેખાય ને? ચશ્માં વિના દેખાય? મે કહ્યું- થઈ ગઈ ચર્ચા. હવે પોતાની જ્ઞાનની પર્યાય આંખથી ને ચશ્માંથી થાય એમ માની, ને પોતાથી થાય છે એમ માની નહિ એ તો એકલું અજ્ઞાન છે. શું પોતાની જ્ઞાનની દશા આંખથી ને ચશ્માંથી-જડથી થાય છે? આ આંખ ને ચશ્માં તો માટી-જડ છે; એમાં શું જ્ઞાન છે? પણ અજ્ઞાની એવું માને છે કે નિમિત્તથી ને જ્ઞેયથી જ્ઞાન થાય છે. અહીં કહે છે-જ્ઞાની, પોતાના જ્ઞાનમાત્રભાવનું પરથી અતત્પણું અર્થાત્ પરરૂપે નહિ હોવાપણું પ્રકાશીને, વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાનપણે પ્રગટ કરીને, પોતાને જિવિત રાખે છે, નષ્ટ-ભ્રષ્ટ થવા દેતો નથી. જુઓ આ અનેકાન્તનો મહિમા! હું પૂર્ણાનંદ પ્રભુ સ્વરૂપથી તત્ છું ને પરથી અતત્ છું એવો અનેકાન્ત જીવને જિવાડે છે, આત્માનુભૂતિ પમાડે છે. સમજાણું કાંઈ....?