૩૮૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જ્ઞાની અતત્ને અતત્ માને છે. જ્યારે અજ્ઞાની અતત્ને તત્ માને છે. જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવથી પણ હું ભિન્ન-જુદો છું એમ જ્ઞાની માને છે, જ્યારે અજ્ઞાની તીર્થંકર ગોત્ર બાંધે એને લઈને કેવળજ્ઞાન થાય એમ માને છે. જો કે અજ્ઞાનીને તીર્થંકર ગોત્ર બંધાતું નથી, અને જેને તીર્થંકર ગોત્ર બંધાય છે તે જ્ઞાની તેને પોતાનું માનતા નથી. જેમકે-શ્રેણીક રાજા સમ્યગ્દ્રષ્ટિ હતા, ભગવાનના (મહાવીર સ્વામીના) સમોસરણમાં તેમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું, પણ તે તીર્થંકર ગોત્ર, અને જે ભાવથી તે બંધાયું તે ભાવ મારી ચીજ છે એમ તે માનતા ન હતા; કેમકે જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય એ તો શુભરાગ છે, તે રાગથી શું કેવલજ્ઞાન થાય? ન થાય.
પ્રશ્નઃ– ‘પુણ્યફલા અરહંતા....’ અરિહંતપણું પુણ્યનું ફળ છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– એ તો બાહ્ય સામગ્રીની વાત છે ભાઈ! અરિહંત પરમાત્માને બહારમાં સમોસરણની રચના થાય, દિવ્યધ્વનિ છૂટે ઈત્યાદિ પુણ્યના ફળરૂપ છે. બાકી કેવળજ્ઞાન થયું એ કાંઈ પુણ્યનું ફળ નથી. પુણ્ય ને પર પદાર્થથી આત્માને લાભ થાય એમ જે માને છે તે અતત્ને તત્ માને છે. ધર્મી પુરુષ અતત્ એવા નિમિત્તથી કે વ્યવહારથી -રાગથી પોતાને આત્મલાભ થાય એમ કદી માનતા નથી. આ પ્રમાણે, કહે છે, પોતાના આત્માને વિશ્વથી ભિન્ન દેખાડતો અર્થાત્ અંર્તદ્રષ્ટિ વડે પોતાને વિશ્વથી ભિન્ન રાખતો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતું નથી, જિવિત રાખે છે.
આથી વિરુદ્ધ જે શુભભાવથી પરંપરા મુક્તિ થવી માને છે, શરીરની ક્રિયાથી ધર્મ થવાનું માને છે, કર્મથી વિકાર થાય એમ માને છે તે પરથી હું અતત્ છું એમ માનતો નથી અને એ રીતે તે પોતાનો નાશ કરે છે. આ તત્-અતત્ના બે બોલ પૂરા થયા.
હવે એક-અનેકના બોલ.... ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક જ્ઞેયાકારો વડે (- જ્ઞેયોના આકારો વડે) પોતાનો સફળ (-આખો અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (- ખંડ-ખંડરૂપ થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’
સૂક્ષ્મ વાત છે જરી. શ્રી સમંતભદ્રાચાર્ય કહે છે ને કે-હે પ્રભુ! એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં-એક સમયમાં આપે ઉત્પાદ-વ્યય ને ધ્રુવ જાણ્યાં તે આપના સર્વજ્ઞપણાનું ચિહ્ન છે. એક સમયમાં વસ્તુ પૂર્વ અવસ્થાથી વ્યય થાય, ઉત્તર-નવી અવસ્થાથી ઉત્પન્ન થાય અને વસ્તુપણે ધ્રુવ કાયમ રહે એ આપે જાણ્યું તેથી મેં નક્કી કર્યું કે આપ સર્વજ્ઞ છો. અહા! એ સર્વજ્ઞની વાણીમાં આવેલી આ વાત છે.
કહે છે- આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય