છે; તો અજ્ઞાની માને છે કે હું ખંડખંડ થઈ ગયો. જે અનેક જ્ઞેયોનું જાણપણું થયું એ તો પર્યાયનો સ્વભાવ-ધર્મ છે, પણ એને તે માનતો નથી. તેથી હું એક જ્ઞાન-આકાર ન રહ્યો, અનેકરૂપ થઈ ગયો, ખંડિત થઈ ગયો એમ માનીને અજ્ઞાની નાશ પામે છે. તે પોતાને (સર્વથા) એકરૂપ જ જાણતો હોવાથી પર્યાયમાં અનેકપણું થાય છે તેનો નિષેધ કરી પોતાનો (અભિપ્રાયમાં) નાશ કરે છે. હું અખંડ એક જ્ઞાનાકાર છું, ને જાણવામાં પણ એકપણું જ હોવું જોઈએ એમ એકાંતે માનતો તે, અનેક જ્ઞેયો જાણવામાં આવતાં હું ખંડખંડ થઈ ગયો એમ માની પોતાનો નાશ કરે છે. સમજાય છે કાંઈ....?
પરને લઈને અનેકપણું થાય છે એમ માને છે એ અહીં વાત નથી. પરંતુ પોતાની પર્યાયમાં અનેકપણું થવું તે આત્માનો પર્યાય-સ્વભાવ છે, અહા! અનેક જ્ઞેયોને જાણે એ એની જ્ઞાન-પર્યાયનો સ્વભાવ છે. છતાં એકાંતે મારો તો એકરૂપ રહેવાનો સ્વભાવ છે એમ માનતો થકો અજ્ઞાની, અરે, આ અનેકપણું કેમ થયું? અનેકપણું થયું માટે હું ખંડખંડ થઈ ગયો-એમ પર્યાયધર્મનો નિષેધ કરી તે પોતાનો નાશ કરે છે. બીજી રીતે કહીએ તો આ જ્ઞાનમાત્રભાવ અનેક જ્ઞેયાકારો દ્વારા પોતાનો એક અખંડ જ્ઞાનાકાર ખંડિત થયો માની પોતાનો નાશ કરે છે.
ત્યારે જ્ઞાનમાત્રભાવનું દ્રવ્યથી એકપણું પ્રગટ કરતો થકો અર્થાત્ પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્યસ્વભાવે હું અખંડ એક છું એમ પ્રકાશિત કરતો થકો અનેકાન્ત જ તેને જિવિત રાખે છે. દ્રવ્યે હું એક જ છું, અનેક થયો નથી; તથા પર્યાયથી હું અનેક છું એમ દ્રવ્યે એક ને પર્યાયથી અનેક -એવું જે અનેકાન્ત તે એને જિવાડે છે, બચાવે છે, નષ્ટ થવા દેતું નથી. અહા! ધર્મી જીવ હું દ્રવ્યથી એક જ છું, પર્યાયથી ભલે અનેક હો- એવા અનેકાન્તપણે પોતાને જાણતો થકો પોતાને જિવિત રાખે છે.
જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર જણાય છે એનો અભાવ-ત્યાગ કરી અજ્ઞાની પોતાનો નાશ કરે છે, ત્યારે ધર્મી દ્રવ્યથી જ્ઞાનમાત્ર ભાવનું એકત્વ પ્રકાશતો, પર્યાયમાં અનેકપણું હોવા છતાં વસ્તુપણે હું એક જ છું એમ દ્રવ્યથી એકત્વ પ્રકાશિત કરતો અનેકાન્ત વડે પોતાને જિવિત રાખે છે. આવી ઝીણી વાત! હવે કહે છે-
‘વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.’
જરી ઝીણી વાત છે ભાઈ! શું કહે છે -કે પોતાના એક જ્ઞાનાકારને ગ્રહણ કરવા માટે અજ્ઞાની અનેક જ્ઞેયોને જાણવાનું છોડી દે છે, પરંતુ પર્યાયમાં અનેકનું જાણપણું