હું એક પૂર્ણ શુદ્ધજ્ઞાનઘન ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા જ છું એમ વર્તતો થકો સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. લ્યો, આનું નામ ધર્મ છે.
ત્યારે કોઈ વળી કહે છે- દિગંબરમાં જન્મ્યા એટલે જૈન તો થઈ ગયા, હવે ચારિત્ર કરવાનું રહ્યું. અરે ભગવાન! આ તું શું કહે છે? જૈન ધર્મના વાડામાં જન્મ્યો એટલે સમકિત છે એમ ક્યાં છે? હવે નિમિત્તથી-પરદ્રવ્યથી લાભ થાય ને દયા, દાન આદિ શુભભાવથી ધર્મ થાય એમ માને ત્યાં સુધી તો નર્યું અજ્ઞાન ભર્યું છે બાપુ! પરદ્રવ્ય અને પરભાવથી ભેદજ્ઞાન કર્યા વિના સમકિત નહિ, અને વિના સમકિત ચારિત્ર-ધર્મ પણ નહિ. ધર્માત્મા પરદ્રવ્યથી ને શુભરાગથી લાભ-ધર્મ થાય એમ કદી માનતા નથી. એ તો પરદ્રવ્યથી પોતાનું નાસ્તિત્વ માનીને એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. સમજાણું કાંઈ....?
‘એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય-અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે;......’
વેદાંત આદિ જે બધાને (બધું થઈને) એક માને છે, વા જે પરદ્રવ્યથી સ્વદ્રવ્યને લાભ માને છે તે બધા પરદ્રવ્યને જ આત્મા (સ્વદ્રવ્ય) માને છે. તેવા જીવો, આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષા નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે, તેઓ ઊંડે ઊંડે પણ પરદ્રવ્યને સાધન માની પોતાના સત્ને ખોઈ બેસે છે.
‘અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય-અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.’
જુઓ, ધર્મી-સ્યાદ્વાદી તો મારી પુંજી-મારી સંપદા-લક્ષ્મી ને મારું સાધન સંપૂર્ણ મારી પાસે છે અને તે હું જ છું, પર સાધનની-પરની મને કાંઈ જ જરૂર-અપેક્ષા નથી, પરથી તો હું નાસ્તિસ્વરૂપ જ છું એમ માનતો થકો સ્વદ્રવ્યમાં જ રમે છે.
પ્રશ્નઃ– જો એમ છે તો, જો દેવ-ગુરુ આદિ આત્માને તારી દેતા નથી તો નાહક તેમને શા માટે માનો છો? (એમ કે એમની ભક્તિ-પૂજા-સ્તુતિ-વિનય શા સારુ કરો છો?)
ઉત્તરઃ– ભાઈ! એ તારી દેશે એમ તો કોણ માને? અજ્ઞાની માને. જ્ઞાનીને તો પરમ વીતરાગતા-પરમ શુદ્ધતા જ ઈષ્ટ છે. પણ શું થાય? જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી, કાંઈક અસ્થિરતા છે, ત્યાંસુધી ધર્મીને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિ