છે તે જીવ પોતાના ભાવના સામર્થ્યથી રહિત થયો થકો અત્યંત જડ થઈ ગયો છે. જેવું નિમિત્ત આવે એવું પરિણમન કરવું પડે એમ માનનાર અત્યંત જડ થઈ ગયો છે. ભાઈ! (દ્રવ્યની) એક સમયની પર્યાયની યોગ્યતા પોતાના ભાવના સામર્થ્યથી પોતાના કારણે છે; એનો ભાવ જે પડયો છે એમાંથી એ આવશે, કાંઈ પરભાવથી-નિમિત્તથી એ પ્રગટશે એમ છે નહિ. બાપુ! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. વળી આમાં તો હું આમ કરું ને તેમ કરું-એમ પરનું કરવાનાં બધાં અભિમાન ને બધો બોજો ઉતરી જાય છે. ભાઈ! તને જે બોજો છે તે કાંઈ પરવસ્તુને લઈને નથી, તારી વિપરીત માન્યતાનો બોજો છે. તારી દશાની મર્યાદા તારી સત્તામાં રહી છે, બહારમાં નહિ; તો પછી બહારની ચીજ તને શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ.....? પણ અરે! પરચીજથી મારો ભાવ ઉઘડે છે એમ માનીને અત્યંત નિશ્ચેતન-જડ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે, અર્થાત્ અનંતા જન્મ-મરણ કર્યા કરે છે.
सर्वस्मात् विभक्तः भवन्’ (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (-સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, ‘सहज–स्पष्टीकृत–प्रत्ययः’ જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, ‘नाशम् एति न’ નાશ પામતો નથી.
અહાહા...! સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તના સ્વરૂપને જાણનાર, પોતાનો ત્રિકાળ નિયત જે સ્વભાવ છે તેને અનુસરીને થવારૂપ જ્ઞાનને લીધે, પોતાનું વર્તમાન થવું- પરિણમવું છે તે પોતાના કારણે છે એમ જાણતો થકો પરથી ભિન્ન વર્તે છે. આ વાંચન- શ્રવણ-ચિંતવન (વિકલ્પ) થી મારા જ્ઞાનનું પરિણમન આવે છે એમ જ્ઞાની માનતો નથી. એ તો સર્વ પરભાવોથી ભિન્ન નિર્મળ જ્ઞાનની દશાએ વર્તે છે. એના જ્ઞાનના પરિણમનની દશામાં પરથી વિભક્તપણું છે. મારા દ્રવ્યના લક્ષે મારો જે સ્વભાવ છે એનું એ પરિણમન છે એમ ધર્મી માને છે. ભાઈ! બહુ અંતર બાપા! જ્ઞાની-અજ્ઞાનીની માન્યતા ને પ્રવર્તનામાં આભ-જમીનનું અંતર છે.
અહા! જ્ઞાની જાણે છે કે -મારો આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, કર્તા, કર્મ, સાધન ઇત્યાદિ અનંત સ્વભાવોથી પૂરણ ભરેલો ભગવાન છે. પર કર્તા થાય, પર સાધન થાય ને પરનો આધાર મળે તો મારી પર્યાય ઉઘડે એમ છે નહિ. અહાહા....! મારો સ્વભાવ જ કર્તાગુણથી, સાધનગુણથી ને આધારગુણથી પૂરણ ભરેલો છે તો મને પરની શું અપેક્ષા છે? અહા! આમ જેણે પોતાના સહજ સ્વભાવનું -એક જ્ઞાયકભાવનું પ્રતીતિ- વિશ્વાસરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે તે જ્ઞાની, અહીં કહે છે, જિવિત રહે છે, અર્થાત્ પરમ આનંદને અનુભવે છે; નાશ પામતો નથી.