૪૪૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
‘એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે;........’
જુઓ, પશુનો અર્થ જ એકાંતવાદી કર્યો છે. અહા! પશુ અર્થાત્ એકાંતવાદી જીવ પરભાવોથી પોતાનું સત્પણું-હોવાપણું માને છે, અને એમ માનતો થકો બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરે છે. નિમિત્ત આવે તો મારામાં કામ થાય એવી માન્યતા વડે તે નિમિત્તોને તાકીને બેસે છે. અહર્નિશ નિમિત્તો મેળવવામાં જ ઉદ્યમશીલ તે અંતઃપુરુષાર્થ -સ્વભાવના પુરુષાર્થને ખોઈ બેસે છે, અર્થાત્ તેને અંતઃ પુરુષાર્થ જાગૃત થઈ શકતો નથી. નિમિત્તવાદીને અંતઃપુરુષાર્થ સંભવિત નથી. કેમકે તેનું ચિત સદા બહારમાં જ રોકાએલું રહે છે.
શાસ્ત્રમાં અકાળનયની વાત આવે છે. ત્યાં તો કાળની મુખ્યતા ન કરતાં, કાળની સાથે સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત ઈત્યાદિ જે બીજાં સમયવાય કારણો હોય છે તેની અપેક્ષાએ અકાળનય કહ્યો છે. અકાળ એટલે કાળ નહિ, કાળ સિવાયનાં બીજાં-એમ બીજાં સમવાય કારણોની અપેક્ષા લઈને અકાળનય કહ્યો છે. બાકી પ્રત્યેક દ્રવ્યની સમય સમયની અવસ્થા તો જે સમયે જે થવાની હોય તે જ થાય છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન-ત્રણે કાળની જેટલી પર્યાયો છે એ બધી પર્યાયોના સમુદાયને દ્રવ્ય કહે છે; અને જે કાળે જે ભાવમાંથી જે પર્યાય આવવાની હોય તે જ આવે છે. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ ભાસ્યું છે કે પ્રગટ થવાના સામર્થ્યરૂપ જે શક્તિ છે તે શક્તિમાંથી વ્યક્તિ-પર્યાય સમયે સમયે પ્રગટે છે. અજ્ઞાનીને આનો વિશ્વાસ નથી તેથી પરવસ્તુઓમાં વિશ્રામ કરતો થકો નાશ પામે છે અર્થાત્ ચતુર્ગતિમાં ખોવાઈ જાય છે.
‘અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.’
અહાહા...! જોયું? જ્ઞેયાકાર-જ્ઞેય જણાતાં જે આકાર થાય તે, જ્ઞાની જાણે છે કે મારા જ્ઞાનનો આકાર છે, જ્ઞેયનો નહિ ને જ્ઞેયને લઈને પણ નહિ. જ્ઞાનભાવનું થવું તે મારો સહજ સ્વભાવ છે એમ જાણતો અને સ્વભાવથી જ પરિણમતો જ્ઞાની પોતાને નાશ પામવા દેતો નથી, જિવિત રાખે છે. અહા! આ ચૌદ બોલમાં તો આચાર્યદેવે ચૌદ ગુણસ્થાનના ભાવો પ્રગટ કર્યા છે. આચાર્યદેવની કોઈ અદ્ભુત શૈલી છે.
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-