બતાવ્યો અને ‘શુદ્ધ આત્મા એક જ છે’ એવું કહેનાર અન્યમતીઓના વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.
આ ગ્રંથના અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
પ્રવચન નંબર પ–૬ તારીખ ૩–૧૨–૭પ, ૪–૧૨–૭પ
આચાર્ય કહે છે કે હું ધ્રુવ, (અહીં ધ્રુવ પર્યાયની-સિદ્ધ ગતિની વાત છે) અચલ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ સર્વ સિદ્ધોને - બધા સિદ્ધોને નમસ્કાર કરીને ‘શ્રુતકેવલી ભણિતમ્’ કહેતાં ભગવાન શ્રુતકેવળી અને કેવળી બન્નેના કહેલા આ સમયસાર નામના પ્રાભૃતને કહીશ.
અહીં સંસ્કૃત ટીકામાં ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. અનાદિનો જે અજ્ઞાનભાવ તેનો દ્રવ્યના આશ્રયે નાશ કરી સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યું ત્યાં સાધકભાવની શરૂઆત થઈ ત્યાંથી માંગળિક અને ધર્મની શરૂઆત થાય છે. અનંત કાળથી દ્રવ્યના આશ્રયે જે સાધકભાવની શરૂઆત થઈ ન હતી તે થઈ એનું નામ માંગળિક છે. अथ प्रथमतः આ બે શબ્દોથી શાસ્ત્રની શરૂઆત કરી છે.
અમૃતચંદ્રાચાર્ય મહામુનિ હતા. સમયસારની જે આ ટીકા છે એવી ટીકા ભરતક્ષેત્રમાં દિગંબર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. અન્ય મતમાં તો હોય જ શાની? મુનિ કોને કહેવા એની લોકોને ખબર નથી. મુનિ તો પરમેશ્વર છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે; બાપુ, એ શું ચીજ છે! સમ્યક્દર્શન પણ એક અલૌકિક ચીજ છે. તો પણ ચારિત્ર તો એથી ય વિશેષ અલૌકિક છે. આવા ચારિત્રવંત સંતની આ ટીકા છે. અમૃતચંદ્રનાં આ અમૃત વચનો છે, એકલાં અમૃત વરસાવ્યાં છે. સંતો તો તીર્થંકર પરમેશ્વરના કેડાયતો છે. એમની ટીકામાં શું કહેવાનું હોય?