ગ્રંથની આદિમાં આચાર્ય સર્વ સિદ્ધોને એટલે અનંત સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર કરે છે. જોયું? અંદર ભાવથી એટલે જ્ઞાયકની સન્મુખ થઈને - એમાં એકાકાર થઈને સ્તુતિ કરે છે; તથા દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરે છે. ‘વંદિત્તું’ છે ને? એટલે ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર. અંદરમાં પોતામાં શુદ્ધચૈતન્યઘન તરફનું પરિણમન થયું એ ભાવ નમસ્કાર છે અને સિદ્ધ ભગવાન આવા છે એવો (તેમના સ્વરૂપનો વિચાર) વિકલ્પ ઊઠવો એ દ્રવ્યનમસ્કાર છે.
સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના અને પરના આત્મામાં સ્થાપીને- એટલે કે મારા આત્મામાં અને સાંભળનાર શ્રોતાઓના આત્મામાં, બન્નેમાં હું સિદ્ધોને સ્થાપું છુ.ં અહાહા..! જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં અનંત અનંત સિદ્ધોનો સત્કાર કરે છે. અનંતજ્ઞાનને પ્રાપ્ત પરમાત્માને એક સમયમાં (પર્યાયમાં) સ્થાપન કરે છે. આ જ એનું વંદન છે. અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપે તે ‘વંદિત્તુ’ છે. વંદિત્તુનો અર્થ સ્થાપે. સ્થાપે એટલે જ્ઞાનની પર્યાયમાં રાખે. રાખે એટલે? આત્માનું સાધ્ય સિદ્ધદશા છે ને? એટલે સાધ્યને પર્યાયમાં સ્થાપે છે.-રાખે છે. આમ સાંભળનાર અને કહેનાર બન્નેમાં સિદ્ધ પર્યાયનું સ્થાપન કરી સંભળાવવાની વાત કરે છે.
અહાહા...! અહીં કહે છે કે અમે અનંત સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. જેણે અનંત સિદ્ધો અને કેવળીઓને મતિજ્ઞાનની પર્યાયમાં સ્વીકાર્યા એની પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળી જશે. પર્યાયમાં આટલું જોર આવે-અનંત સિદ્ધ અને કેવળીઓને સ્થાપે-ત્યાં લક્ષ દ્રવ્ય તરફ જતું રહે છે. આ એનો લાભ છે.
આચાર્ય કહે છે કે આગળ મારે પણ સિદ્ધ થવું છે અને શ્રોતાઓને પણ સિદ્ધ થવું છે એટલે પોતાના આત્મામાં તથા શ્રોતાઓના આત્મામાં અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. કારણ કે સિદ્ધ થવાનો કાળ મારે હજુ નથી અને શ્રોતાને પણ નથી, માટે સિદ્ધનું પર્યાયમાં પસ્તાનું (પ્રસ્થાનું) મૂકું છું. લૌકિકમાં પણ પસ્તાનું કરે છે ને? જેમ વાર-કવાર હોય અને કોઈ પ્રસંગે બહાર જવાનું થાય તો શેરીમાં બીજાને ત્યાં પસ્તાનું મૂકી આવે, પછી બીજે દિવસે ત્યાંથી લઈને નીકળે. તેમ અહીં પર્યાયમાં અનંત સિદ્ધોને પસ્તાનામાં મૂકે છે (સ્થાપના કરે છે). હવે હું સિદ્ધમાં જવાનો છું, તેનું આ મંગળ પ્રસ્થાન છે. અહા! શ્રોતાને પણ એમ કહે છે. પાંચમી ગાથામાં આવ્યું ને? ‘જો હું (શુદ્ધાત્માનું સ્વરૂપ) દેખાડું તો પ્રમાણ કરજે’ દ્રવ્યનો આશ્રય-કરીને અનુભવ કરીને પ્રમાણ કરજે. હા પાડવાના વિકલ્પથી -એમ નહી; પર્યાયને દ્રવ્ય તરફ વાળીને અનુભવથી પ્રમાણ કરજે.