અહો! સમયસારની ટીકાના પ્રારંભમાં જ ઉપરથી સાક્ષાત્ કેવળી ઉતાર્યા છે. પરમેષ્ઠીપદમાં સ્થિત મુનિરાજની વાણી પરમાંથી સુખબુદ્ધિની કલ્પનાનું વિરેચન કરાવનાર ઔષધ છે. શ્રીમદે કહ્યું છે ને કેઃ-
અહાહા...! જિનવચન એ તો સ્વપરનું ભેદ-વિજ્ઞાન કરાવી પરમ શાંતિ પમાડનારાં ઐાષધ છે. મિથ્યાવાસનાઓથી ઉત્પન્ન થતા ભવરોગને મટાડનારાં છે. પણ અરેરે! તે કાયર કહેતાં વિષયવાસનાના કલ્પિત સુખમાં રાચતા એવા નપુંસકોને સુહાતાં નથી- અનુકૂળ લાગતાં નથી.
આ રીતે પર્યાયમાં સિદ્ધોને સ્થાપીને ‘સમય’ નામના પ્રાભૃતનું ભાવવચન એટલે નિર્મળ દશા અને દ્રવ્યવચન એટલે વિકલ્પથી પરિભાષણ શરૂ કરીએ છીએ. એમ કુંદકુંદાચાર્યદેવ કહે છે.
અહીં જે કહ્યું કે અમે સિદ્ધને નમસ્કાર કરીએ છીએ એ વ્યવહારથી વાત ઉપાડી છે. સિદ્ધ, સાધ્ય છે ને? એટલે પર્યાયમાં જે સિદ્ધ સ્થાપ્યા એ જાણવા માટે છે, આશ્રય માટે નહીં. આશ્રય યોગ્ય ધ્યેય તો ત્રિકાળ, ધ્રુવ, સ્વભાવે સિદ્ધ એવો નિજ શુદ્ધાત્મા છે.
આગળ ૧૬ મી ગાથામાં આવશે કે ‘સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્રને સદા સેવવાં’ લોકો પર્યાયના ભેદથી જાણે છે માટે પર્યાયથી કથન છે. સેવવો છે તો એક આત્મા, ત્રણ ભેદ નહીં. ત્રણ ભેદ તો પર્યાય છે, તેથી તે વ્યવહાર છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન જે એક સ્વરૂપે છે એને એકને જ સેવવો છે, પણ લોકો પર્યાયથી-વ્યવહારથી સમજે છે માટે ભેદથી કથન કર્યું છે; આદરવા માટે નહીં. તેમ અહીં અનંત સિદ્ધોને પર્યાયમાં તેનું જ્ઞાન કરાવવા માટે સ્થાપ્યા છે; કે સાધ્ય જે સિદ્ધપદ એનું આવું પૂર્ણ સ્વરૂપ છે. ધ્યેય (ધ્યાન કરવા યોગ્ય) તો દ્રવ્ય છે. ભેદ પાડવો તે વસ્તુનું જ્ઞાન કરાવવા માટે બરાબર છે, પણ ધ્યેય તો ‘એક’ દ્રવ્ય જ છે.
મોક્ષમાર્ગપ્રકાશકની પાછળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્યાં સવિકલ્પથી નિર્વિકલ્પનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે ‘ચિન્મય આત્મા એકસ્વરૂપે છે., એમાં સર્વ પરિણામ એકાગ્ર થાય છે.’ માટે દ્રવ્ય અને પરિણામ એક થઈ ગયા એમ નહીં. (અને દ્રવ્ય અને પરિણામ બે થઈને દ્રષ્ટિનો વિષય બને છે એમ પણ નહીં.) ચિન્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિકનયનો-નિશ્ચયનયનો અને સમ્યક્દર્શનનો વિષય છે તે તો એકસ્વરૂપે જ છે, ત્રણ રૂપે નહીં. ત્રણ