૪૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ- ૧૦ વાત પણ ક્યાં રહી? અહા! હું પરનું કરી શકું છું, શરીરાદિને હલાવી શકું છું એમ જેણે માન્યું તે (માન્યતાથી) પરરૂપ થઈ ગયો. વળી પરથી મને જ્ઞાન ને સુખ થાય એમ માન્યું એણે પરને જ આત્મા માન્યો, તેણે પોતાને માન્યો જ નહિ તે પણ પરમાં મૂઢ થઈ ગયો, ખોવાઈ ગયો, અટવાઈ ગયો. અનેકાન્ત તેને યથાર્થ વસ્તુસ્વરૂપ દેખાડી જિવાડે છે.
અહો! અનેકાન્ત તો વસ્તુના સ્વરૂપને યથાર્થપણે બતાવનારો મહાસિદ્ધાંત છે, કહો કે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. આ તો એકલું સંજીવક અમૃત છે ભાઈ! ઓહો...! આચાર્ય પરમેષ્ઠી ભગવાન અમૃતચંદ્રદેવે અનેકાન્તની વ્યાખ્યા દઈને એકલું અમૃત પીરસ્યું છે. નિત્ય-અનિત્ય; એક-અનેક, સત્-અસત્ આદિ ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં તેઓ વસ્તુને અવિરોધપણે સાધે છે, સિદ્ધ કરે છે. આ સિવાય કોઈ બીજી રીતે માને કે- નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી પણ થાય, ઉપાદાનથી પણ થાય ને નિમિત્તથી પણ થાય તે અનેકાન્તના સ્વરૂપને સમજ્યો જ નથી. એક તત્ત્વ છે તે પોતાની વ્યવસ્થા કરવામાં પોતે જ વ્યવસ્થિત છે. એની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા (પર્યાય) કરવાવાળું બીજું દ્રવ્ય હોય એવું જૈનશાસનમાં વસ્તુસ્વરૂપ નથી.
કળશ ટીકાકારે અનેકાન્તનું સ્વરૂપ સમજાવતાં નીચે મુજબ કહ્યું છે; અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, તે જ જેનું સ્વરૂપ છે એવી સર્વજ્ઞવાણી અર્થાત્ દિવ્યધ્વનિ છે. અહીં કોઈને આહી શંકા થાય કે અનેકાન્ત તે સંશય છે (અને) સંશય તે મિથ્યા છે. તેના પ્રતિ સમાધાન એમ છે કે અનેકાન્ત તો સંશયનું દૂરકરણશીલ છે તથા વસ્તુના સ્વરૂપનું સાધનશીલ છે. એનું વિવરણ-જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય-ગુણાત્મક છે. એમાં જે સત્તા અભેદરૂપથી દ્રવ્ય કહેવાય છે તે જ સત્તા ભેદરૂપે ગુણરૂપે કહેવાય છે. એનું નામ અનેકાન્ત છે.
હવે કહે છે- ‘તે અનેકાન્ત જ નિર્બાધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હે નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જુઓ.’
જુઓ, આ જિનમત કહ્યો. અનેકાન્ત જ નિર્બાધ જિનમત છે. ગાથામાં અલંઘ્ય પદ છે ને! તેનો આ અર્થ કહ્યો. કોઈ બાધા ન કરી શકે એવો અનેકાન્ત જ નિર્બાધ જિનમત છે કેમકે તે જેવી વસ્તુસ્થિતિ છે તેવી કહે છે, વસ્તુને તેવી સ્થાપે છે. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની વાણી બાપા! આમાં અસત્ કલ્પનાનો સંભવ જ ક્યાં છે? અહાહા.....! વસ્તુ જેવી છે તેવી કેવલજ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ અને તે ભગવાન કેવળીની વાણીમાં આવી ત્યાં અસત્ કલ્પના કેવી? ભગવાનની વાણીમાં તો યથાતથ્ય વસ્તુના સ્વરૂપનું નિરૂપણ આવ્યું છે. એટલે તો અનેકાન્તને જિનદેવનું અલંઘ્ય શાસન કહ્યું છે. સમજાણું કાંઈ......?
માટે, કહે છે, હે નિપુણ પુરુષો! ........ વિચારવાન સમનસ્ક છે ને! એટલે કહે છે- હે નિપુણ પુરુષો-ડાહ્યા પુરુષો! તમે વસ્તુ જેવી છે તેવી ખ્યાલમાં લાવીને-વિચારમાં