૨૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એ તો ત્રિકાળ જીવતા-જાગતા જીવની જાહેરાત કરે છે. ભાઈ! આ શક્તિઓ છે એ તો અંદર ભગવાનના દરબારનો અનુપમ અણમોલ ખજાનો છે; અંતઃસન્મુખ દ્રષ્ટિ વડે તેને ખોલી દે. અહાહા...! ચૈતન્યનું નિધાન ધ્રુવધામ પ્રભુ આત્મા છે, અહાહા...! આવા પોતાના ધ્રુવધામને ધ્યેય બનાવી, ધીરજથી ધ્યાનની ધધકતી ધૂણી ધખાવી ધર્મી જીવ જીવન જીવે તેને ધન્ય છે. સૌ જીવો આવું જીવન જીવો એવો ભગવાન મહાવીરનો સંદેશ છે.
‘અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ. (જેમાં જ્ઞેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી- સત્તામાત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી-દ્રશિશક્તિ અર્થાત્ દર્શનક્રિયારૂપ શક્તિ.)’
જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે. તેમાં જીવત્વ અને ચિતિશક્તિનું આચાર્યદેવે પહેલાં વર્ણન કર્યું. આ તો વર્ણનમાં ક્રમ પડયો, બાકી વસ્તુમાં તો શક્તિઓ અક્રમે છે. હવે અહીં ત્રીજી દ્રશિશક્તિ કહે છે. કેવી છે દ્રશિશક્તિ? તો કહે છે-‘અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ’ છે. દ્રશિ નામ દર્શન-દેખવારૂપ આ શક્તિ છે. તે આત્મદ્રવ્યને દેખે છે, પોતાને દેખે છે, પરને દેખે છે; ગુણને દેખે છે, પર્યાયને દેખે છે; અને તે બધાને ભેદ પાડયા વિના દેખે છે. આ સ્વદ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે; આ ચેતન છે, આ અચેતન છે એમ ભેદ પાડીને દેખતી નથી, સામાન્ય સત્તામાત્ર વસ્તુને ગ્રહણ કરે છે, દેખે છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ!
પ્રશ્નઃ– તો શું દર્શન-ઉપયોગ જીવ-અજીવ બધાને એકમેક કરી દેખે છે? ઉત્તરઃ– ના, એમ નથી; તે સત્તામાત્ર જ દેખે છે, ‘આ સત્ છે’ બસ એટલું જ દેખવાપણું છે, પણ આ સ્વ છે આ પર છે ઇત્યાદિ એમાં વિશેષ ગ્રહણ કરવાપણું નથી. વિશેષ-ભેદ પાડીને ગ્રહણ કરવાનું તો જ્ઞાનનું કાર્ય છે.
અહાહા...! અનાકાર ઉપયોગમયી દર્શનશક્તિ છે. અનાકાર અર્થાત્ આકાર નહિ. એટલે શું? શું તેનો આકાર નામ ક્ષેત્ર નથી? એમ નથી. ભગવાન આત્માનું જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ એનું ક્ષેત્ર છે. સર્વ અનંત ગુણનું આ એક જ ક્ષેત્ર છે. જો ક્ષેત્ર ન હોય તો શક્તિ જ ન હોય, શક્તિનું હોવાપણું જ સિદ્ધ ન થાય, અને તો વસ્તુ જ સિદ્ધ ન થાય. દર્શનને અનાકાર કહ્યું એ તો એનો વિષય સામાન્ય સત્તામાત્ર જ છે એ અપેક્ષાએ વાત છે. આ ચીજ આત્મા છે, આ ચીજ જડ છે; આ સ્વ છે, આ પર છે; આ જીવ છે, આ જ્ઞાન છે-એમ ભેદરૂપ આકારનું ગ્રહણ દર્શનશક્તિમાં નથી, બધું સામાન્ય સત્પણે ગ્રહણ હોય છે બસ. ભાઈ! આ શક્તિનું સામર્થ્ય તો જો. અહાહા...! તેનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશી જ છે, પણ આખા લોકાલોકને દેખી લેનારા કેવળદર્શનરૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે. ઓહો! આ તો અલૌકિક વસ્તુ છે.
ભાઈ! તારી વસ્તુ આવી અપાર-અનંત સમૃદ્ધિથી ભરી છે. પણ અરે! તેં તારા ચૈતન્યનિધાનમાં નજર કરી નહિ! ભાઈ! તું માન કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભ-અનુષ્ઠાન વડે ધર્મ થઈ જશે પણ એવી તારી ચીજ નથી બાપુ! ને એવું ધર્મનું સ્વરૂપ પણ નથી. વિચાર તો કર; અનાદિ કાળથી ક્રિયાકાંડના રાગનું સેવન કરીને મરી ગયો પણ ધર્મ પ્રગટ થયો નહિ. અરે! તારો ચૈતન્ય મહાપ્રભુ ભગવાનસ્વરૂપે અંદર વિરાજે છે તેનો તેં અનાદર કર્યો છે; અને દેહ અને રાગનો આદર કર્યો છે. દેખવાની શક્તિવાળો જે દેખનાર મહાપ્રભુ છે તેને તેં દેખ્યો નહિ! અહા! દેખનારને દેખવાની દરકાર સુદ્ધાં કરી નહિ! પણ ભાઈ! અંદર દેખનારો દૃષ્ટા છે તેમાં દ્રષ્ટિ કરે ત્યારે જ ધર્મ પ્રગટ થાય. આવી વાત!
અહાહા-! આ આત્મા કારણપરમાત્મા છે. ત્રિકાળી ધ્રુવ ચિન્માત્ર દ્રવ્યને કારણ પરમાત્મા કહેવાય છે, અને કેવળદર્શન, કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને કાર્યપરમાત્મા કહે છે. ત્યારે એક વાર પ્રશ્ન થયો હતો કે-
“જો ભગવાન આત્મા ધ્રુવ કારણપરમાત્મા છે તો તેનું કાર્ય પ્રગટ થવું જોઈએ ને?” ત્યારે કહ્યું‘તું કે-ધ્રુવ દ્રવ્ય તે કારણપરમાત્મા છે, પણ તેની જેને દ્રષ્ટિ થાય તેને તેનું કાર્ય પર્યાયમાં પ્રગટ થાય છે. અહાહા...! વસ્તુ-કારણપરમાત્મા તો પૂર્ણાનંદસ્વરૂપે નિત્ય વિરાજમાન છે; પણ તેની દ્રષ્ટિ અને તેમાં રમણતા- લીનતા કરે તેને પર્યાયમાં કાર્યપરમાત્મા પ્રગટ થાય છે. હવે જેને હું પરમાત્મસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું એમ સ્વીકાર