જ નથી તેને કારણપરમાત્મા કયાં છે? દેખવાની શક્તિનો ધરનારો અનંત શક્તિસંપન્ન પ્રભુ કારણપણે શાશ્વત વિદ્યમાન છે, પણ તેનું ભાન કર્યા વિના, તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કર્યા વિના કારણપરમાત્મા છે એ કયાં રહ્યું? ભાઈ! ઉપયોગને અંતરમાં વાળી ત્રિકાળી દ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ કરે તેને જ હું કારણપરમાત્મા છું એમ નિશ્ચય થાય છે અને તેને જ અંતર્લીનતા વડે કેવળદર્શન-કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે.
આત્મા પૂર્ણાનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. અહા! શક્તિ અને શક્તિવાનનો ભેદ પણ જેમાં નથી એવા આ અભેદ એકરૂપ સામાન્યને વિષય બનાવી તેનાં પ્રતીતિ અને અનુભવ કરે તેનું નામ સમ્યગ્દર્શન છે. ત્રિકાળી વસ્તુ તો વસ્તુમાં છે, પણ આવું હું ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વ છું એમ શ્રદ્ધાની પર્યાયમાં તેનો સ્વીકાર થાય ત્યારે કારણપરમાત્માનો યથાર્થ નિર્ણય થાય છે. ત્રિકાળી ચીજ છે તે કાંઈ પર્યાયમાં આવતી નથી, પણ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધાન પર્યાયમાં પ્રગટે છે, અને ત્યારે ‘આ હું કારણપરમાત્મા છું’ એમ એનો વાસ્તવિક સ્વીકાર થાય છે. અરે ભાઈ! દ્રશિના વિષયને-દ્રષ્ટાને દેખ્યા વિના તેની પ્રતીતિ કેવી? અને વિના પ્રતીતિ કારણપરમાત્મા છું એ વાત કયાં રહે છે?
અહીં કહે છે-આત્મામાં અનાકાર ઉપયોગમયી એક દ્રશિશક્તિ છે. તેનું કાર્ય શું? તો કહે છે-આ આત્મા, આ જ્ઞાન, આ દર્શન, આ પર્યાય, આ હેય ને આ ઉપાદેય-એમ કોઈ ભેદ પાડયા વિના જે સામાન્ય પ્રતિભાસ થાય છે તે દ્રશિશક્તિનું કાર્ય છે. અહાહા...! ભેદ જેનો વિષય નથી એવી અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ છે. અનાકાર એટલે વિશેષ વિના સામાન્યપણે દેખવું. અહાહા...! જેમાં જ્ઞેયરૂપ આકાર નથી, વિશેષ નથી, જેમાં સત્તામાત્ર પદાર્થનો પ્રતિભાસ થાય છે એવી સામાન્ય અવલોકનમાત્ર દ્રશિશક્તિ છે. આ દ્રશિશક્તિ સૂક્ષ્મ છે. ભેદ પાડીને વિશેષપણે જાણવું એ તો જ્ઞાનનું કાર્ય છે. આ આત્મા છે એમ નિર્ણય થયો એ તો જ્ઞાન છે. તે જ્ઞાનના થવા પહેલાં (છદ્મસ્થને) દ્રશિશક્તિમાં સામાન્ય પ્રતિભાસરૂપ ઉપયોગ વર્તે છે. (કેવળીને જ્ઞાન ને દર્શન બન્ને ઉપયોગ સાથે વર્તે છે).
દ્રશિશક્તિ એક ગુણ છે, તેનો ધરનાર આત્મા ગુણી છે. જ્યારે ગુણી એવા ત્રિકાળી દ્રવ્યનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે દ્રશિશક્તિ પર્યાયમાં ઉછળે છે, તેનું પર્યાયમાં પરિણમન થાય છે, દેખવારૂપ પર્યાય પ્રગટ થાય છે. દેખવારૂપ સ્વભાવ ધ્રુવપણે હતો તેનું પર્યાયમાં પરિણમન થઈને દેખવારૂપ કાર્ય પ્રગટ થાય છે. હવે આવી પોતાની ચીજની દિગંબરમાં જન્મેલાનેય ખબર ન મળે; શું થાય? કુળથી કાંઈ દિગંબર ધર્મ નથી, દિગંબર ધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે.
અહાહા...! આત્મા અંતરમાં વિકલ્પના વસ્ત્રરહિત (નિર્વિકલ્પ) અનંત શક્તિઓનો પિંડ છે તેને દિગંબર કહીએ, અને જ્યારે આવા આત્માના ભાન સહિત અંતરંગ દશામાં મુનિપણું પ્રગટ થાય ત્યારે બહારમાં પંચમહાવ્રત ને નગ્નદશા નિમિત્તપણે હોય છે તેનું નામ દિગંબર ધર્મ છે. આ કોઈ પક્ષની વાત નથી પ્રભુ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. સમજાણું કાંઈ...?
અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ છે. એટલે શું? કે જેમાં જ્ઞેયરૂપ આકાર નથી, વિશેષતા નથી, બધું સામાન્ય સત્તામાત્ર દેખવામાં આવે છે એવા ઉપયોગમય દર્શનશક્તિ છે. દર્શનની પર્યાય સ્વને અને પરને દેખે છે, પણ એમાં આ સ્વ અને પર એમ ભેદ હોતો નથી. ભેદ એ દર્શનશક્તિનો વિષય નથી. વળી એકલા પરને દેખે એ દર્શનશક્તિનું વાસ્તવિક કાર્ય નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. અહા! દ્રવ્ય-ગુણમાં વ્યાપક આ દર્શનશક્તિ વાસ્તવિક કયારે પરિણમે?-કે જ્યારે ઉપયોગને અંતરમાં અભેદ કરી સ્વને ગ્રહે-દેખે ત્યારે. આ સિવાય એકલા પરને જાણતા પહેલાં અજ્ઞાનીને તેનું જે સામાન્ય દર્શન થાય છે તે શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એ તો અદર્શન છે, અજ્ઞાનતા છે.
દ્રશિશક્તિવાળા દ્રવ્યને દેખવાથી પોતાને અને પરને ભેદ પાડયા વિના દેખવાની પર્યાય ઉત્પન્ન થાયછે, અને તેની સાથે બીજા અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અહીં વિકારની-રાગની વાત લીધી નથી, કેમકે વિકાર કોઈ શક્તિનું કાર્ય નથી. વિકાર તો પર્યાયબુદ્ધિથી પર તરફ લક્ષ કરવાથી ઉત્પન્ન થાય છે, ખરેખર તે જીવના ત્રિકાળી સ્વરૂપમાં નથી; અને દર્શન ગુણની નિર્મળ પર્યાય પ્રગટવા સાથે જે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તેમાંય રાગાદિ વ્યવહાર નથી, એનો અભાવ-નાસ્તિ છે. આમ બધું અનેકાન્ત છે.
કેટલાક કહે છે-વ્યવહારથી નિશ્ચય થાય, પણ એ બરાબર નથી, અહીં તેની ના પાડે છે. અરે ભાઈ! જરા સમજણમાં તો લે કે આ શું વાત છે? પછી અંતરમાં પ્રયોગ કરે એ તો અલૌકિક વાત છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ્ઞાનમાત્ર