Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 395 of 4199

 

૧૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ છે અને પરમ વીતરાગતા થઈ છે. તેથી શરીરની મુદ્રા પણ શાંત-પરમશાંત દેખાય છે. એ મુદ્રાના નિમિત્તે જો એમ વિચારે કે ભગવાન ચૈતન્યમૂર્તિ જાણે શાંત-શાંત-શાંત અંદર સ્વરૂપમાં ઠરી ગયા છે અને એમ વિચારી પોતાના અંતરંગમાં જુએ તો ભગવાન એકલો ઠરી ગયેલો શાંત જણાય છે.

અહીં નિમિત્તથી કથન કર્યું છે. જો સર્વજ્ઞ પરમાત્માના સમોસરણમાં વીતરાગમુદ્રાને દેખી પોતે શાંત-શાંત થઈ જાય તો ભગવાનના શરીરને નિમિત્ત કહેવાય. બહેનશ્રીનાં વચનામૃતમાં આવે છે કે હે નાથ! શાંતરસના પરમાણુથી આપનું શરીર વિરાજે છે. અને ભગવાન આત્માનો અંદર વીતરાગસ્વભાવ પ્રગટ થઈ ગયો છે. શાંત- શાંત-શાંત શરીરના રજકણો પણ ઉપશમરસ જેવા શાંત દેખાય એને દેખીને જોનારો પણ જો એમ વિચારે કે પોતાનું અવિકારી સ્વરૂપ પણ આવું શાંત છે તો એને અંદરમાં શાન્તિ થાય. જો ત્યાં ને ત્યાં ઊભો રહે અને ભગવાનની શાંત મુદ્રા, શરીરની કાન્તિ ઇત્યાદિના વિકલ્પો જ કર્યા કરે તો પુણ્યબંધન થાય. (શાંતિરૂપ ધર્મ ન થાય.)

‘આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે’ અંતરંગમાં નિશ્ચય થાય એની વાત છે. બાકી એકલી શાંત મુદ્રા એવી તો અનંત વાર કરી અને દેખી, અનંત વાર ભગવાનની મૂર્તિઓ દેખી અને પૂજા પણ અનંત વાર કરી, સમોસરણમાં અનંત વાર ગયો પણ ભગવાન આત્મા અંદર શાંત-શાંત-શાંત, રાગના વિકલ્પની અશાંતિથી ભિન્ન ઉપશમરસનો કંદ છે એમ અંતરંગમાં નિશ્ચય ન કર્યો. તેથી ભગવાનની મુદ્રા પણ નિમિત્ત થઈ ન કહેવાય.

જેમ સક્કરકંદની ઉપરની લાલ છાલ ન જુઓ તો અંદર આખો સક્કર એટલે સાકર નામ મીઠાશનો સફેદ પિંડ પડયો છે, તેમ પુણ્ય-પાપના વિકલ્પની છાલ વિનાનો શાંતરસથી ભરેલો ચૈતન્યપિંડ અંદર પડેલો છે એમ ભગવાનની શાંત મુદ્રા દેખીને અંદર નિશ્ચય કરે તો ઉપકાર (નિમિત્ત) છે. પણ એને આવી નવરાશ કયાં છે? તેથી તો ચાર ગતિમાં અનાદિથી રખડપટ્ટી કરી રહ્યો છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કેઃ-

“જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનર્વનન નાંહિ.”

આ શરીરનું વર્ણન એ જિનવર્ણન નથી. અંદર વીતરાગમૂર્તિ શાંતરસનો પિંડ પ્રભુ આત્મા ચૈતન્યસ્વરૂપ વિરાજે છે એ જિન છે. એનું વર્ણન જિનવર્ણન કોઈ જુદી ચીજ છે. એનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું એ સમ્યગ્દર્શન આદિ ધર્મ છે. અન્યથા શરીરાદિના વર્ણનમાં રોકાઈ જાય તો પુણ્યબંધ થાય એ જ.

[પ્રવચન નં. ૬૮ ચાલુ * દિનાંક ૬-૨-૭૬]