Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3977 of 4199

 

પ૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વાત છે. તે ક્રમરૂપ અને અક્રમરૂપ ધર્મોના સમૂહને આત્મા કહ્યો છે.

‘પરિણત’ શબ્દની સૂક્ષ્મતા ઉપર વિચાર આવેલ છે તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. અમારે તો આખો દિ’ તત્ત્વવિચાર એ જ ધંધો છે ને!

અરે ભાઈ! આત્મામાં જો દર્શન ગુણ ન હોય તો આત્મવસ્તુ અદ્રશ્ય થઈ જાય; ને આત્મવસ્તુ અદ્રશ્ય થાય તો સર્વવસ્તુ અદ્રશ્ય થાય. એમ થતાં સર્વ જ્ઞેયવસ્તુનો અભાવ ઠરે. માટે દર્શન ગુણ પ્રધાન છે, સર્વદર્શિત્વ પ્રધાન છે.

અધ્યાત્મ પંચસંગ્રહમાં એમ કહ્યું છે કે અભવિને જ્ઞાન છે પણ જ્ઞાનની પરિણતિ નથી. અભવિ જીવને ૧૧ અંગ અને ૯ પૂર્વની લબ્ધિ હોય છે. આ જ્ઞાન છે, પણ જ્ઞાનની પરિણતિ નથી. અહા! એક આચારાંગમાં અઢાર હજાર પદ હોય છે, ને એક પદમાં પ૧ ક્રોડથી ઝાઝા શ્લોક હોય છે. તેનાથી બમણું સૂયડાંગ, એમ ઉત્તરોત્તર બમણા બમણા અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન અભવિ જીવને હોય છે, પણ તેને જ્ઞાનની પરિણતિ નથી, પરિણત જ્ઞાન નથી, કેમકે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો આશ્રય તેને નથી. સ્વ-આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તેને જ્ઞાનપરિણતિ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ...?

અધ્યાત્મ પંચસંગ્રહમાં દ્રષ્ટાંત આપ્યું છે. સીતાજીને છોડાવવા માટે રાવણ સાથે લક્ષ્મણજીને યુદ્ધ થયું; ત્યારે રાવણે લક્ષ્મણજીને શક્તિ મારી. તે વડે લક્ષ્મણ બેશુદ્ધ થઈ ગયા. તે પ્રસંગે રામચંદ્રજી મૂર્ચ્છિત લક્ષ્મણજીને સંબોધીને કહે છે-

આવ્યા’તા ત્યારે ત્રણ જણા ને, જાશું એકાએક;
માતાજી ખબરુ પૂછશે ત્યારે શા શા ઉત્તર દઈશ?
લક્ષ્મણ જાગ ને હોજી, બોલ એક વાર જી

હે લક્ષ્મણ! સીતાજીને રાવણ લઈ ગયો, તું આમ બેશુદ્ધ થઈ ગયો. માતા પાસે હવે હું શું જવાબ આપીશ? માટે ભાઈ, જાગ! બંધુ! એક વાર બોલ. આમ રામચંદ્રજી શોકાતુર થઈ વિલાપ કરે છે. ત્યારે તેમને કોઈ નિમિત્તજ્ઞાનીએ કહ્યું, -ભરતના રાજ્યમાં એક રાજાની એક કુંવારી કન્યા વિશલ્યા છે. તેને એવી લબ્ધિ પ્રગટ છે કે તેના સ્નાનનું જળ લક્ષ્મણજી પર છાંટવામાં આવે તો લક્ષ્મણજી મૂર્ચ્છા તજી તત્કાલ બેઠા થશે.

આ વિશલ્યા તે કોણ? તે પૂર્વ ભવમાં ચક્રવર્તીની પુત્રી હતી. તેને કોઈએ જંગલમાં છોડી દીધેલી. ત્યાં એક મોટો અજગર તેને ગળી ગયો. જરા મોઢું બહાર હતું ત્યાં તેના પિતા જંગલમાં ત્યાં આવી પહોંચ્યા અને બાણથી અજગરને મારવાની તૈયારી કરી. તો કન્યાએ પિતાને કહ્યું, -પિતાજી, અજગરને મારશો મા; મેં તો યાવત્ જીવન અન્ન-જળનો ત્યાગ કર્યો છે. હું હવે કોઈ રીતે બચું એમ નથી, માટે અજગરને નાહક મારશો નહિ. અહા! કેવી દૃઢતા! ને કેવી કરુણા! આ કન્યા મરીને ભરતના રાજ્યમાં એક રાજાને ત્યાં રાજકુંવરી વિશલ્યા થઈ અવતરી.

સૈનિકો એ કન્યાને લઈ આવ્યાં. વિશલ્યાએ જેવો લશ્કરના પડાવમાં પ્રવેશ કર્યો કે ઘાયલ થયેલા સૈનિકોના ઘાવ ક્ષણમાત્રમાં જ આપોઆપ રૂઝાઈ ગયા અને તેનું સ્નાનજળ જેવું લક્ષ્મણજી પર છાંટવામાં આવ્યું કે તરત લક્ષ્મણજીની મૂર્ચ્છા ઉતરી ગઈ અને તેઓ ભાનમાં આવ્યા, ક્ષણવારમાં લક્ષ્મણજી ઊભા થઈ ગયા, રાવણે મારેલી શક્તિ ખુલી ગઈ. પછી તો વિશલ્યા સાથે લક્ષ્મણજીએ લગ્ન કર્યાં.

અહીં સિદ્ધાંત એમ છે કે-ત્રિકાળ જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિરૂપ રમણી સાથે જોડાય છે ત્યાં તેના અનંત ગુણોરૂપ શક્તિ પર્યાયમાં ખુલી જાય છે. શક્તિવાન દ્રવ્ય સાથે જોડાઈને જે નિર્મળ દશા અંદર પ્રગટી તેને અહીં ‘પરિણત’ કહી છે. શક્તિ પર્યાયમાં ખીલે નહિ, કાર્યરૂપ પરિણમે નહિ તો શક્તિ પડી છે તેનો શો લાભ! સર્વદર્શિત્વશક્તિ દેખવારૂપ પરિણત કહી ત્યાં શક્તિની નિર્મળ પ્રગટતાની વાત છે, અને તે પ્રગટતા આત્મદર્શનમય છે, પરદર્શનમય નથી એમ કહે છે.

આ અધ્યાત્મ વાણી બહુ સુક્ષ્મ ભાઈ! હવે શુભભાવમાં ધર્મ માની સંતુષ્ટ છે તેને આ ગળે કેમ ઉતરે? પણ શુભભાવ એ કાંઈ અપૂર્વ નથી ભાઈ! પૂર્વે અનંત વાર જીવે શુભભાવ કર્યા છે. અહા! નવમી ગ્રૈવેયકના અહમિન્દ્ર પદને પામે એવા શુક્લલેશ્યાના પરિણામ આ જીવે અનંતવાર કર્યા છે. આવે છે ને કે-