અહા! આ શુકલલેશ્યા જુદી ચીજ છે, ને શુક્લધ્યાન જુદી ચીજ છે, શુક્લધ્યાન તો ભાવલિંગી મુનિવરને શ્રેણી ચઢે ત્યારે સમ્યગ્દર્શનપૂર્વક હોય છે. જ્યારે શુક્લલેશ્યારૂપ પરિણામ તો અભવિને પણ થાય છે. બહુ ઉજળા અતિ મંદકષાયરૂપ પરિણામ તે શુક્લલેશ્યા છે. શુક્લ લેશ્યાવાળો જીવ છઠ્ઠા દેવલોકમાં જાય છે. નવમી ગ્રૈવેયક જનારા જીવને તો ઘણા ઉંચા શુક્લલેશ્યાના શુભભાવ મંદકષાયરૂપ હોય છે. છઠ્ઠા દેવલોકમાં સમ્યગ્દ્રષ્ટિ પણ જાય તો શુક્લલેશ્યાના તેને પરિણામ હોય છે; પરંતુ નવમી ગ્રૈવેયક જનારને તો અહા! એથીય અધિક કેવા ઉંચા મંદકષાયરૂપ શુક્લલેશ્યાના પરિણામ હોય છે! છતાં આ ભાવ ધર્મ નથી, એ તો કષાયનો જ અંશ છે, આકુળતામય છે. તે ધર્મરૂપ નહિ ને ધર્મનું કારણેય નહિ.
આ શક્તિનો અધિકાર ચાલે છે. ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. અહીં આચાર્યદેવે ૪૭ શક્તિનું અતિ સૂક્ષ્મ અને અલૌકિક વર્ણન કર્યું છે. ક્રમરૂપ પરિણત અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. એકલી શક્તિઓ પડી છે એમ વાત નથી; શક્તિઓનો ભંડાર પર્યાયમાં ખોલી નાખ્યો છે. હવે આવી અદ્ભુત મૂળ ચીજ પોતાની સમજતા નથી ને લોકો વિરોધ કરે છે! પણ આ ભગવાન કેવળીનો પરમ સત્ય માર્ગ છે.
શ્રીમદ્ના એક પત્રમાં આવે છે કે-ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને કેવળજ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. એટલે શું? કેવળજ્ઞાન પરિણમનરૂપે પર્યાયમાં તો તેરમા ગુણસ્થાને પ્રગટ થશે. પરંતુ ચોથા ગુણસ્થાનવાળાને પોતાના શ્રદ્ધાનમાં કેવળજ્ઞાનની પ્રતીતિ થઈ છે તેથી તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે એમ કહીએ છીએ. શક્તિનું અને શક્તિની અંશરૂપ ને પૂરણસ્વરૂપ પ્રગટતાનું સમકિતીને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન હોય છે અને તેથી શ્રદ્ધાપણે સમકિતીને કેવળજ્ઞાન ને મોક્ષ થયો છે એમ કહેવામાં આવે છે.
અરે, પોતાના નિધાન પર નજર નાખે તો સમજાય ને? અહા! જ્યાં પોતાના નિધાન પર નજર નાખે કે તરત નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તેમાં વિકારની તો ગંધેય નથી. જે નિર્મળ પરિણામ પ્રગટયા તે ભાવરૂપ છે, ને તેમાં વિકારી ભાવનો અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. શક્તિ અંદર પડી છે તે સ્વાભિમુખ થતાં જ અંદર ખીલી જાય છે. અહા! પોતાની પરિણતિરૂપી રમણી સાથે રમતાં-અંતર એકાગ્ર થઈને રમણતા કરતાં-તે નિરાકુલ આનંદના ભોગ દે છે; અહા! આવું છે આનંદનું જન્મસ્થાન! આનું નામ ધર્મ ને આ મોક્ષનો મારગ છે. બાકી બધાં થોથાં છે.
આ શક્તિના વર્ણનમાં બે વાત મુખ્યપણે સમજવા જેવી કહી છે.
(૨) તે આત્મદર્શનમયી છે, પરદર્શનમયી નથી.
આ પ્રમાણે આ સર્વદર્શિત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ.’ ‘બધું છે’ બસ એટલી જ વાત દર્શનશક્તિમાં હતી. ભેદ પાડયા વિના સામાન્યપણે આખું વિશ્વ, લોકાલોક અસ્તિરૂપે છે એમ દર્શનશક્તિમાં દેખવામાં આવે છે. આ આત્મા છે, આ જડ છે, આ સિદ્ધ છે, આ સાધક છે, આ ગુણ છે, આ પર્યાય છે-એવો ભેદ દર્શનશક્તિનો વિષય નથી. વિશ્વના જે અનંતા વિશેષ ભાવો છે તે બધાયને વિશેષપણે-ભિન્ન ભિન્ન જાણે એવી આત્માની સર્વજ્ઞત્વશક્તિ છે. જાણે એટલું જ હોં; એમાં ઠીક-અઠીક કરે એ સર્વજ્ઞત્વશક્તિનું કામ નથી. સમજાણું કાંઈ...?
અધ્યાત્મ પંચસંગ્રહમાં કહ્યું છે કે-એક સમયમાં સર્વને ભેદ પાડયા વિના અસ્તિત્વરૂપે દેખવું તે સર્વદર્શિત્વ શક્તિનું કાર્ય છે, અને તે જ સમયમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયને ભિન્ન ભિન્ન ભેદ પાડીને જાણવું તે સર્વજ્ઞત્વશક્તિનું કાર્ય છે. તે બન્ને પર્યાય એક સમયમાં એકીસાથે છે. અહો! એક પર્યાય એક જ સમયમાં સર્વને સામાન્યપણે સત્તારૂપે દેખે અને બીજી પર્યાય તે જ સમયમાં સર્વને વિશેષપણે ભેદ પાડીને જાણે એવો આત્મામાં કોઈ અદ્ભુતરસ છે. ત્યાં નવ રસ વર્ણવ્યા છે તેમાં અદ્ભુતરસનું આવું અલૌકિક વર્ણન કર્યું છે.