ઝળકે છે એવી પોતાની પર્યાયને પોતામાં તન્મય થઈને જાણે છે.
–જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે?
નિશ્ચયથી કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ-એમ જો કોઇ કહે તો તેને શો દોષ છે? અર્થાત્ કાંઈ દોષ નથી. અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કે-જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય-કથન છે, અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહાર-કથન છે. માટે કેવળી ભગવાન લોકાલોકને-પરને જાણે-દેખે છે એમ કહેવું તે વ્યવહાર-કથન છે, અને ભગવાન કેવળી સ્વાત્માને જાણે-દેખે છે એમ કહેવું તે નિશ્ચય છે.
–જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે?
વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ-એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? અર્થાત્ કાંઈ દોષ નથી.
નિયમસારના શુદ્ધોપયોગ અધિકારના શ્લોક ૨૮પમાં મુનિરાજ કહે છેઃ- “તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ (નિર્દોષ), નિજ-સૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથી-એમ કોઈ મુનિવર વ્યવહારમાર્ગથી કહે તો તેને દોષ નથી.”
આમ જ્ઞાની-ધર્મી પુરુષ જે વિવક્ષાથી વાત કહે તે વિવક્ષા યથાર્થ સમજવી જોઈએ. નિશ્ચયથી કેવળી ભગવાન સ્વાત્માને જાણે છે, લોકાલોકને નહિ; ને વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, સ્વાત્માને નહિ- આમ આ બન્ને કથન વિવક્ષાથી બરાબર છે.
પણ આમાં સમજવું શું? ભગવાન લોકાલોકને જાણતા નથી એમ વાત નથી. પરંતુ ભગવાનનો ઉપયોગ ખરેખર અંતર્મુખ સ્વરૂપપ્રત્યક્ષ અને સ્વરૂપનિષ્ઠ છે, તે લોકાલોકમાં તન્મય નથી, લોકાલોકમાં જોડાઈને ઉપયુક્ત નથી. પરંતુ નિજાનંદરસલીન છે. જો લોકાલોકને, તેમાં તન્મય થઈને જાણે તો નર્કાદિ ક્ષેત્રના દુઃખનું વેદન તેને થવાનું બને. પણ એમ છે નહિ. તેથી જ કહ્યું કે ભગવાન લોકાલોકને વ્યવહારથી જાણે છે. આનું નામ તે સર્વજ્ઞત્વશક્તિ પૂર્ણભાવે પરિણત થતાં જે કેવળજ્ઞાન થયું તે આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમય નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ!
અહા! આત્માના જીવત્વ, પ્રભુત્વ આદિ અનંતગુણોમાં એક સર્વજ્ઞત્વશક્તિ પણ ભેગી પરિણમી રહી છે. અરે, લોકોને પોતાના અંતર નિધાનની-ચૈતન્યનિધાનની ખબર નથી. અહા! આ સર્વજ્ઞત્વશક્તિની પૂર્ણ પ્રગટતા તે સર્વજ્ઞતા અથવા કેવળજ્ઞાન છે. આ કેવળજ્ઞાન તે સ્વલક્ષે સ્વરૂપની એકાગ્રતાથી ખીલ્યું છે, કાંઈ પરના જગતના લક્ષે ખીલ્યું છે એમ નથી. ભાઈ! જગત છે માટે કેવળજ્ઞાન પ્રગટયું છે એમ નથી. જગત તો ત્રિકાળ અનાદિ-અનંત છે. જો તેને લઈને જ્ઞાન થતું હોય તો અનાદિથી જ પ્રત્યેક જીવને કેવળજ્ઞાન હોવું જોઈએ. પણ એમ છે નહિ. એ તો જીવ જ્યારે સ્વમાં એકાગ્ર થઈ, સ્વદ્રવ્યને જ કારણપણે ગ્રહીને સ્વસ્થિત પરિણમે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, અને તેમાં જગત આખું જ્ઞેયપણે ઝળકે છે. ત્યાં શક્તિનું પરિણમન સ્વાશ્રિત છે, પરાશ્રિત નથી, આત્મજ્ઞાનમય છે, પરજ્ઞાનમય નથી. અહા! સર્વજ્ઞતા એ તો શક્તિની સ્વ-આશ્રયે પૂરણ પ્રસિદ્ધિ છે. પણ શું થાય? ‘સર્વજ્ઞ’ સાંભળતાં જ અજ્ઞાનીઓને બહારના જ્ઞેયો પ્રતિ લક્ષ જાય છે, પણ જેમાંથી સર્વજ્ઞદશા ખીલી તે સર્વજ્ઞત્વશક્તિ-સર્વજ્ઞસ્વભાવ પ્રત્યે લક્ષ જતું નથી. પરંતુ અંતર્લક્ષ થયા વિના સર્વજ્ઞની સાચી પ્રતીતિ થતી નથી.
અરે! પોતાના સ્વરૂપના ભાન વિના જીવ અનંત કાળથી રખડે છે. અહા! સાતમી નરકમાંય તે અનંત વાર જન્મ્યો-મર્યો છે. જુઓ, બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી મરીને સાતમી નરકે ગયા છે, ત્યાં મહાદુઃખના વેદનમાં પડયા છે. અહીં ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવીને, અહીંના કાલ્પનિક સુખના ફળમાં તેત્રીસ સાગરના આયુની સ્થિતિ બાંધી તેઓ