ગાથા ૩૧ ] [ ૧૨૧ જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો- એ ત્રણેને જીતીને, જ્ઞેય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતેન્દ્રિય જિન’ છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃસિદ્ધ અને પરમાર્થસત્-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.)
શિષ્યનો પ્રશ્ન છે કે-જેમ નગરના વર્ણનથી રાજાનું વર્ણન યથાર્થપણે થઈ શકે નહિ તેમ શરીરના સ્તવનથી આત્માની સ્તુતિ થઈ શક્તી નથી; તો પછી તીર્થંકર કેવળીની નિશ્ચયસ્તુતિ કોને કહે છે?
તેનું સમાધાનઃ-આત્મા જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. અને આ શરીર-પરિણામને પ્રાપ્ત જે ઇંદ્રિયો છે તે જડ છે. તથા એક એક વિષયને જે ખંડખંડપણે જાણે છે તે ભાવેન્દ્રિયો-ક્ષયોપશમજ્ઞાન પણ ખરેખર ઇંદ્રિય છે. શરીરપરિણામને પ્રાપ્ત જડ ઇંદ્રિયો જેમ જ્ઞાયકનું પરજ્ઞેય છે તેમ શબ્દ, રસ, રૂપ, ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરજ્ઞેય છે; જ્ઞાયક ભગવાન આત્માનું તે સ્વજ્ઞેય નથી. તેમજ ભાવેન્દ્રિયોથી જણાતા જે શબ્દ, રસ, ગંધ, સ્પર્શાદિ પર પદાર્થો તે પર પરજ્ઞેય છે. સ્વજ્ઞેયપણે જાણવા લાયક જ્ઞાયક અને પર તરીકે જાણવા લાયક પરજ્ઞેય-એ બન્નેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ, અજ્ઞાન અને સંસારભાવ છે. એ ત્રણેયને (દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેમના વિષયભૂત પદાર્થોને) જે જીતે એટલે કે પરજ્ઞેય તરફનું લક્ષ છોડીને સ્વજ્ઞેય જે શુદ્ધ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તેનો અનુભવ કરે, તેને જાણે, વેદે અને માને તે સમ્યગ્દ્રષ્ટિ છે અને તેને કેવળીની સાચી અથવા નિશ્ચય સ્તુતિ હોય છે. આ અધિકારમાં મુનિની પ્રધાનતાથી વાત છે. (સમ્યગ્દ્રષ્ટિ પણ એમાં આવી જાય છે) ધર્મની શરુઆતની આ ગાથા છે. છઠ્ઠી અને અગીયારમી ગાથામાં આ જ વાત છે. અહીં તેનું જુદી રીતે કથન કર્યું છે. ____________________________________________________________ * ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત.