Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 403 of 4199

 

૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨

* ગાથા ૩૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

શરીર એ જડ પરમાણુઓનો સ્કંધ છે. અને પાંચ ઇન્દ્રિયો-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન તે જડ શરીરના પરિણામ છે. શરીરના પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોને દ્રવ્યેન્દ્રિયો કહે છે. તે (દ્રવ્યેન્દ્રિયો) આત્માના પરિણામ (પર્યાય) નથી. જડ દ્રવ્યેન્દ્રિયોને જીતવી એટલે તેનાથી ભિન્ન, અધિક-જુદો પરિપૂર્ણ એક જ્ઞાયકને અનુભવવો. તેને (અનુભૂતિને) ભગવાન કેવળીની સ્તુતિ અથવા કેવળીનાં વખાણ કહે છે. જ્યારે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું આદર્યું, તેવા સ્વરૂપમાં એકાગ્ર થયો ત્યારે ભગવાનનાં સ્તુતિ-વખાણ કર્યાં એમ કહેવાય છે. અને એ જ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ પગથિયું છે.

હવે દ્રવ્યેન્દ્રિયોને કેમ જીતવી એની વિશેષ વાત કરે છે. ટીકામાં निरवधिबंधपर्यायवशेन’ એટલે અનાદિ અમર્યાદિત બંધપર્યાયના વશે-એમ લીધું છે. જુઓ, કર્મના બંધને મર્યાદા નથી, તે અનાદિ છે. જેમ ખાણમાં સોનું અને પત્થર બન્ને અનાદિનાં ભેગાં છે તેમ આનંદસ્વરૂપ આત્માના સંબંધમાં નિમિત્તરૂપે જડ કર્મની બંધ અવસ્થા અનાદિની છે. અજ્ઞાની બંધપર્યાયના કારણે નહિ પણ બંધપર્યાયને વશ થઈને પરને પોતાનાં માને છે. ભગવાન આત્મા ચિદ્ઘન જ્ઞાયકસ્વરૂપ છે. તેના અનુભવથી સમ્યગ્દર્શન વા ધર્મ પ્રગટ થાય છે. પરંતુ અજ્ઞાની જડ કર્મને વશ થઈને અધર્મને સેવે છે. પર્યાયમાં પરને વશ થવાનો ધર્મ (યોગ્યતા) છે. તેથી તે પરને વશ થઈને રાગાદિ કરે છે. પ્રવચનસારમાં ૪૭ નય કહ્યાં છે. તેમાં એક ઈશ્વરનય છે. તેમાં આ વાત કરી છે. કર્મનો ઉદ્રય વિકાર કરાવે છે એમ નથી. અજ્ઞાની કર્મના ઉદ્રયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તેથી અજ્ઞાનીને વિકાર થાય છે. ટીકામાં ‘बंधपर्यायवशेन’ એમ શબ્દો છે એનો અર્થ એ છે કે બંધપર્યાયથી વિકાર થતો નથી પણ બંધપર્યાયને વશ થતાં અજ્ઞાની વિકારરૂપે પરિણમે છે.

અહો! દિગંબર સંતોએ તો જ્યાં ત્યાં (સર્વત્ર) સ્વતંત્રતાનું જ વર્ણન કર્યું છે. અજીવ તત્ત્વ અને વિકાર-આસ્રવતત્ત્વની સ્વતંત્રતાની પણ જેને ખબર નથી તેને આનંદ-કંદ ભગવાન જ્ઞાયક્તત્ત્વ સ્વતંત્ર છે તેની દ્રષ્ટિ કયાંથી થાય? નિમિત્તના વશે વિકાર થાય છે એમ ન માનતાં તેને લઈને થાય છે એમ માનવામાં મોટો ઉગમણો- આથમણો ફેર છે. ભાઈ! આ તો ભગવાનનો માલ સંતો તેના આડતિયા થઈને બતાવે છે. સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ-ઓમકારધ્વનિ ઇચ્છા વિના છૂટે છે. બનારસીવિલાસમાં આવે છે કે-‘મુખ ઓમકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ’ આપણે જેમ બોલીએ છીએ તેમ ભગવાન ન બોલે. એમના કંઠ અને હોઠ હાલે-ધ્રૂજે નહિ. ‘ઓમ્’ એવો ધ્વનિ અંદર આખા શરીરમાંથી નીકળે. એમાંથી ગણધરદેવ બારઅંગરૂપ શ્રુતની રચના કરે છે.