Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 404 of 4199

 

ગાથા ૩૧ ] [ ૧૨૩

અહીં કહે છે કે-ભગવાન! તું તો આનંદઘન અખંડ એક જ્ઞાયકભાવ વસ્તુ છો ને! તેનો આશ્રય છોડી કર્મના ઉદ્રયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તે મિથ્યાભાવ છે. તેના કારણે સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. બંધ પર્યાયના કારણે વિકાર-મિથ્યાભાવ થાય છે એમ નહિ, પણ બંધ પર્યાયને વશ થવાથી વિકાર- મિથ્યાભાવ થાય છે એમ વાત છે.

‘સમસ્ત સ્વ-પરનો વિભાગ’ એવા શબ્દો છે. એનો અર્થ એ કે જ્ઞાયકસ્વરૂપ જીવ પોતે તે સ્વ છે અને જડ ઇન્દ્રિયો તે પર છે. તે બન્નેનું ભિન્નપણું પૂરું અસ્ત થઈ ગયું છે. તેથી આ જડ ઇન્દ્રિયો તે જ હું છું એમ અજ્ઞાની માને છે. તે જીવ અને અજીવને એકપણે માને છે. કર્મબંધની પર્યાયને તાબે થઈ અજ્ઞાની ભગવાન આત્મા જ્ઞાયકભાવ અને શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો-એ બન્નેની જુદાઈ કરતો નથી, પણ જડની પર્યાયને પોતાની માને છે. અજીવને જીવ માનવો કે જીવને અજીવ માનવો એ મિથ્યાત્વ છે.

અહો! સંતો આત્માને ‘ભગવાન’ કહીને સંબોધે છે. ‘ભગ’ એટલે લક્ષ્મી અને ‘વાન’ એટલે વાળો. આત્મા અનંત જ્ઞાન અને અનંત આનંદની લક્ષ્મીવાળો ભગવાન છે. આ તો જેની પાસે ઈન્દ્રો પણ ગલુડિયાંની જેમ વાણી સાંભળવા બેસે તે વીતરાગ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી વાત છે. પરંતુ પોતે કોણ છે તેનું ભાન નહિ હોવાથી કર્મની બંધપર્યાયને વશ થઈ અજ્ઞાની જડ ઇન્દ્રિયોને પોતાની માને છે. મારી આંખ આવી છે, મારા કાન આવા છે, મારું નાક આવું છે ઇત્યાદિ માને છે. પણ ભાઈ એ ઇન્દ્રિયો કે’ દિ તારી હતી? અગાઉ ગાથા ૧૯ માં આવ્યું છે કે-જ્યાંસુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિ નોકર્મમાં ‘આ હું છું’ અને હું માં (આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’-એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. ભાઈ! આ શરીર તો જડ માટી-ધૂળ છે. આ ચાર મણની કાયા હોય તેની સ્મશાનમાં રાખ થાય છે. તે બહુ થોડી રાખ થાય છે અને પવન આવે ઊડી જાય છે. કહ્યું છે ને કેઃ-

‘રજકણ તારાં રખડશે, જેમ રખડતી રેત;
પછી નરતન પામીશ કયાં? ચેત, ચેત નર ચેત.’

સંતો જગતને સર્વજ્ઞની વાણીના પ્રવાહનો ભાવ જાહેર કરે છે. ભાઈ! શરીરની અવસ્થાને પ્રાપ્ત જે જડ દ્રવ્યેન્દ્રિયો છે તેને પોતાથી એકપણે માનવી તે અજ્ઞાન, મિથ્યાત્વ, અધર્મ છે. તે દ્રવ્યેન્દ્રિયોની પોતાથી જુદાઈ કેમ કરવી તેની હવે વાત કરે છે. ધર્મી નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી દ્રવ્યેન્દ્રિયોને જુદી કરે છે. ‘હું તો જ્ઞાયક છું,