૧૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ જ્ઞાયકભાવની એક્તાબુદ્ધિ તે સંસાર છે, મિથ્યાત્વ છે. ભાવેન્દ્રિયનો વિષય જે આખી દુનિયા સ્ત્રી, કુટુંબ, દેવ, શાસ્ત્ર, ગુરુ-તે બધાય ઇન્દ્રિયના વિષયો હોવાથી ઇન્દ્રિય કહેવામાં આવે છે. તે પણ પરજ્ઞેય છે. એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યા ભ્રાન્તિ છે.
શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોથી ભિન્ન ભગવાન આત્મા નિર્મળ ભેદ- અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. ખૂબ પૈસા ખર્ચી મંદિરો બંધાવવાથી, ભગવાનના દર્શનથી કે ભગવાનની વાણીથી ભગવાન આત્મા પ્રાપ્ત થાય એમ નથી. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવથી પણ ભગવાન આત્મા ગ્રાહ્ય નથી. જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળતાં નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્ય-સ્વભાવના અવલંબનના બળ વડે જડ ઇંદ્રિયોને પોતાથી સર્વથા જુદી કરાય છે, જીતાય છે.
મિથ્યાદ્રષ્ટિને નવ પૂર્વની જે લબ્ધિ પ્રગટ થાય છે તે અને સાત દ્વીપ તથા સમુદ્રને જાણે તેવું જે વિભંગજ્ઞાન હોય છે તે ઇંદ્રિયજ્ઞાન છે, ભાવેન્દ્રિય છે. તે નવ પૂર્વનું જ્ઞાન કે વિભંગજ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવામાં કાંઈ કામ આવતું નથી. ભાવેન્દ્રિયને જીતવી હોય તો પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે તેને સર્વથા જુદી જાણ. જ્ઞાનમાં તે પરજ્ઞેય છે પણ સ્વજ્ઞેય નથી એમ જાણ.
પર્યાયને અંતર્મુખ વાળતાં તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડમાં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહારની તરફ જતી હતી તેને જ્યાં અંતર્મુખ કરી ત્યાં તે (પર્યાય) સ્વયં સ્વતંત્ર ર્ક્તા થઈને અખંડમાં જ એકત્વ પામે છે. પર્યાયને રાગાદિ પર તરફ વાળતાં મિથ્યાત્વ પ્રગટ થાય છે અને અંતર્મુખ વાળતાં પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે (કરવો પડતો નથી). અહાહા! તે વાળવાવાળો કોણ? દિશા ફેરવવાવાળો કોણ? પોતે. પરની દિશાના લક્ષ તરફ દશા છે એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતાં શુદ્ધતા વા ધર્મ પ્રગટ થાય છે. અરે! જે પરજ્ઞેય છે એને સ્વજ્ઞેય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે (હણાઈ ગયો છે). હવે તે પરજ્ઞેયથી ભિન્ન પડી, સ્વજ્ઞેય જે એક અખંડ ચૈતન્યસ્વભાવ તેની દ્રષ્ટિ અને પ્રતીતિ જ્યાં કરી ત્યાં ભાવેન્દ્રિય પોતાથી સર્વથા ભિન્ન જણાય છે. તેને ભાવેન્દ્રિય જીતી એમ કહેવાય છે. તેને સમ્યગ્દર્શન એટલે સાચું દર્શન કહેવાય છે.
અહાહા! શું અદ્ભુત ટીકા છે! ભગવાન આત્માને હથેળીમાં બતાવે છે. આખા લોકનું રાજ આપે તોપણ જેની એક પણ નિર્મળ પર્યાય પ્રગટ થાય એવી નથી, એવી અનંતી પર્યાય જેના એક એક ગુણમાં પડી છે એવો મોટો આત્મા ભગવાન છે. જો પરથી ભિન્ન પડી તેની દ્રષ્ટિ કરે તો પુરુષાર્થથી તે પર્યાય અવશ્ય પ્રગટ થાય. અહો! તે પુરુષાર્થ પણ અલૌકિક છે.