ગાથા ૩૧ ] [ ૧૨૭ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેના વિષયો એ ત્રણે જણાવા લાયક છે અને જ્ઞાયક આત્મા પોતે જાણનાર છે. એ ત્રણેય પરજ્ઞેય તરીકે અને ભગવાન આત્મા સ્વજ્ઞેય તરીકે જાણવા લાયક છે. ચાહે તો ભગવાન ત્રણલોકના નાથ હો, તેમની વાણી હો કે તેમનું સમોસરણ- તે બધુંય અનિન્દ્રિય આત્માની અપેક્ષાએ ઇંદ્રિય છે, પરજ્ઞેય તરીકે જણાવા લાયક છે. અને આત્મા ગ્રાહક-જાણનાર છે. આમ હોવા છતાં ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે વાણીથી જ્ઞાન થાય છે એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. જ્ઞેયાકારરૂપે જે જ્ઞાનની પર્યાય થાય છે તે જ્ઞાનનું પરિણમન છે, જ્ઞેયનું નહિ, જ્ઞેયના કારણે પણ નહિ, છતાં જ્ઞેય-જ્ઞાયકના સંબંધીની અતિ નિકટતા છે તેથી જ્ઞેયથી જ્ઞાન આવ્યું, જ્ઞેયના સંબંધથી જ્ઞાન થયું એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે.
પહેલાં જ્ઞાન ઓછું હતું, અને શાસ્ત્ર સાંભળતાં નવું (વધારે) જ્ઞાન થયું. તેથી સાંભળવાથી જ્ઞાન થયું એમ અજ્ઞાનીને લાગે છે. જેવું શાસ્ત્ર હોય તેવું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાની એમ માને છે કે શાસ્ત્રથી જ્ઞાન થયું. જ્ઞેય-જ્ઞાયકનો અતિ નિકટ સંબંધ હોવાથી પરસ્પર જ્ઞેય જ્ઞાયકરૂપ અને જ્ઞાયક જ્ઞેયરૂપ એમ બન્ને એકરૂપ હોય એવો તેને ભ્રમ થાય છે. ખરેખર એમ નથી, છતાં આવી માન્યતા તે અજ્ઞાન છે. જેવી વાણી હોય તેવા પ્રકારનું જે જ્ઞાન થાય છે તે પોતાના કારણે છે, વાણીના કારણે નહિ. પરસત્તાવલંબી જ્ઞાન પણ પરથી થયું છે એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞેય-જ્ઞાયકસંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને જ્ઞાન અને જ્ઞેય પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, પરંતુ એક થયા નથી.
પ્રશ્નઃ– વાણી સાંભળી માટે જ્ઞાન થયું, પહેલાં તો તે ન હતું? ઉત્તરઃ– ભાઈ! તે કાળે તે (જ્ઞાનની) પર્યાયની તે પ્રકારના જ્ઞેયને જાણવાની યોગ્યતા હતી. તેથી જ્ઞાન પોતાથી થયું છે, વાણીના કારણે નહિ. પ્રવચનસારમાં આવે છે કે વીતરાગની વાણી પુદ્ગલ છે, તેનાથી જ્ઞાન થાય નહિ. જ્ઞાનસૂર્ય પ્રભુ પોતે જાણનાર છે. તે સ્વને જાણતાં પરને સ્વતઃ જાણે છે. પરથી તો તે જાણે નહિ, પણ પર છે માટે પરને જાણે છે એમ પણ નથી.
વાણી, કુટુંબ આદિ પદાર્થો તો ઠીક, પણ સાક્ષાત્ તીર્થંકર ભગવાન પણ ગ્રાહ્ય એટલે પરજ્ઞેય છે; અને આત્મા પોતાથી જાણનાર છે. અજ્ઞાનીને તે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો પરજ્ઞેય હોવા છતાં એકમેક જેવા થઈ ગયેલા દેખાય છે. તેમને જુદા કેમ પાડવા તે હવે કહે છે.
જ્ઞાયકનો તો જાણવાનો સ્વતઃ સ્વભાવ છે. ભગવાન કે વાણીને લઈને તે સ્વભાવ-શક્તિ છે એમ નથી. જેને વાણી કે રાગનો પણ સંગ નથી તેવો પોતાનો ચૈતન્યસ્વભાવ છે. તેવા ચૈતન્યસ્વભાવનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તેના વડે પર વિષયો-પરજ્ઞેયો સર્વથા જુદા કરાય છે. જુઓ, દ્રવ્યેન્દ્રિયો સામે અંતરમાં પ્રગટ અતિ-સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ લીધો, ભાવેન્દ્રિય સામે એક અખંડ ચૈતન્યશક્તિ લીધી અને અહીં