૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ જાણે છતાં પરજ્ઞેયરૂપ થતો નથી. રાગ, શરીર, વાણી આદિ પરદ્રવ્યોને જ્ઞાયક જાણે છે, છતાં તે પરદ્રવ્યરૂપ થતો નથી. પુણ્ય-પાપના ભાવો રાગ છે, અચેતન છે. તેમાં જ્ઞાન- સ્વભાવનો અંશ પણ નથી. જ્ઞાનસ્વભાવ ચૈતન્ય ભગવાન છે. અનંત તેનો મહિમા છે. બહુ જ ટૂંકી પણ ઘણી મહત્ત્વની વાત છે.
વિશ્વ એટલે સમસ્ત પદાર્થો-લોકાલોક. તે ઉપર તરતો અર્થાત્ સમસ્ત પદાર્થોને- લોકાલોકને જાણે છતાં પણ તે-રૂપ નહિ થતો એવો ભિન્ન રહે છે. અહાહા! આવો જ્ઞાનસ્વભાવ છે. ભાવશક્તિને કારણે જ્ઞાનગુણનું વિકારરહિત જે નિર્મળ પરિણમન થાય છે તેમાં સમસ્ત વિશ્વ જાણવામાં આવે છે છતાં જ્ઞાનની પર્યાય વિશ્વરૂપ થતી નથી. કેવળ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણે છે. લોકાલોક છે માટે તે પર્યાય જાણે છે એમ નથી. પરંતુ પોતાની પર્યાયની એવી જ શક્તિ અને સામર્થ્ય છે. લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય જ્ઞેયરૂપ થઈ નથી અને જ્ઞેય છે તે જ્ઞાનની પર્યાયરૂપ થયું નથી. આવો જ વસ્તુનો સહજ સ્વભાવ છે. એના મહિમાની શી વાત! અહો! આચાર્યદેવે ખૂબ ગંભીર વાત કરી છે. તેવી રીતે શ્રુતજ્ઞાનની પર્યાય પણ વિશ્વને જાણે છે, છતાં તે પર્યાય વિશ્વથી ભિન્ન રહે છે. શ્રુતજ્ઞાનની પર્યાય ભલે પરોક્ષપણે જાણે, પણ જાણવામાં કોઈ ચીજ બાકી ન રહે. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે, બીજો કોઈ ફેર નથી. બીજી રીતે કહીએ તો જે રાગની મંદતા છે તેને જ્ઞાન જાણે છે, છતાં જ્ઞાનનું પરિણમન રાગથી ભિન્ન રહે છે એટલે કે વિશ્વ ઉપર તરે છે.
વળી તે જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. એટલે કે પર, મન કે રાગની સહાય વિના પોતાના અનુભવમાં તે પ્રત્યક્ષ થાય છે. અંતરંગમાં પ્રકાશમાન વસ્તુ ત્રિકાળ છે. તેથી એવો અનુભવ પર્યાયમાં થતાં તે પર્યાય પણ સદા પ્રકાશમાન રહે છે. શક્તિમાંથી વ્યક્તિ પ્રકાશમાનરૂપ જ હોય છે. જ્ઞાનસ્વભાવ પોતાથી પ્રાપ્ત થાય છે, રાગની મંદતાથી નહિ. આને એકાન્ત કહો તો તે એકાન્ત જ છે. સમ્યક્ એકાન્ત વિના અનેકાન્તનું જ્ઞાન પણ યથાર્થ થતું નથી. સમ્યક્ એકાન્તમાં આવ્યા વિના પર્યાય, રાગ અને નિમિત્તનું અનેકાન્તપણાનું જ્ઞાન યથાર્થ થતું નથી. શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી’ ભાઈ! આ કરવું સરળ છે કારણ કે (પોતે) જે વસ્તુ છે તેને પ્રાપ્ત કરવી છે. રાગ પોતામાં નથી તેથી તે પ્રાપ્ત કરવો સુલભ નથી.
અહાહા! આ જ્ઞાનસ્વભાવને જેણે જાણ્યો, અનુભવ્યો તેને તે કેવો જણાય છે? કે તે અવિનશ્વર છે. નાશ ન થાય એવો ત્રિકાળ શાશ્વત જ્ઞાનસ્વભાવ છે. તે સ્વતઃસિદ્ધ છે, એટલે તેનું કોઈ ર્ક્તા નથી. વળી તે પરમાર્થરૂપ છે. આવો ભગવાન જ્ઞાનસ્વભાવ અનુભવમાં જણાય છે. જોયું? ‘ભગવાન જ્ઞાનસ્વભાવ’ એમ શબ્દો વાપર્યા છે. જેમ આત્મા ભગવાન