ગાથા ૩૧ ] [ ૧૩૧ છે તેમ એનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. જેણે આવા આત્માને અનુભવમાં લીધો તેને તે આવો છે. પરંતુ જેને આવા આત્માનો અનુભવ નથી તેને તે નથી, કેમકે આત્મા શું ચીજ છે તેની તેને ખબર નથી.
પ્રભુ! તું આવો જ છે. તારી જાત જ આવી છે. સહજ વસ્તુ આવી છે. જ્ઞાનસ્વભાવ વિશ્વ ઉપર તરતો છે. એટલે કે સમસ્ત વિશ્વને જાણવામાં સમર્થ હોવા છતાં તેનાથી ભિન્ન રહે છે. જ્ઞાન જ્ઞેયમાં ગયા વિના જ્ઞેયને જાણે છે. માટે જ્ઞેય જ્ઞાનથી ભિન્ન છે. આવો અવિનશ્વર, સ્વતઃસિદ્ધ, પરમાર્થરૂપ પરિપૂર્ણ ભગવાન જ્ઞાનસ્વભાવ છે. રાગથી ભિન્ન પડી તેનું ભાન થતાં, તેનો અનુભવ થતાં તે આવો છે એમ ખ્યાલમાં આવે છે. તેનું નામ જિનપણું તથા સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. અહો! અજૈનમાંથી જૈન થવાની આ અલૌકિક વિધિ છે. પર્યાયમાં રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનસ્વભાવ અનુભવમાં આવ્યો ત્યારે જાણવામાં આવ્યું કે પોતે પરથી ભિન્ન પરિપૂર્ણ છે અને સ્વવેદનમાં આવવા લાયક છે. આ પ્રકારે પરથી ભિન્ન થઈને ભગવાન પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી વસ્તુમાં અંતર એકાગ્ર થવું એ એક નિશ્ચયસ્તુતિ છે, એ કેવળીના ગુણની સ્તુતિ અને આત્માના ગુણની સ્તુતિ છે.
હવે કૌંસમાં ટીપ વડે ખુલાસો કરે છેઃ-
શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય, ખંડખંડજ્ઞાનરૂપ ભાવેન્દ્રિય અને ઇંદ્રિયના વિષયભૂત પદાર્થો-કુટુંબ પરિવાર, દેવ, શાસ્ત્ર, ગુરુ ઇત્યાદિ બધાય પરજ્ઞેય છે અને જ્ઞાયક સ્વયં ભગવાન આત્મા સ્વજ્ઞેય છે. વિષયોની આસક્તિથી તે બન્નેનો એક જેવો અનુભવ થતો હતો. નિમિત્તની રુચિથી જ્ઞેય-જ્ઞાયકનો એક જેવો અનુભવ થતો હતો. પણ જ્યારે ભેદજ્ઞાન વડે ભિન્નતાનું જ્ઞાન થયું ત્યારે જ્ઞેય-જ્ઞાયકસંકરદોષ દૂર થયો. ત્યારે ‘હું તો એક અખંડ જ્ઞાયક છું, જ્ઞેયની સાથે મારે કાંઈ સંબંધ નથી’ આવું અંદરમાં (સ્વસંવેદન) જ્ઞાન થયું. આ પહેલા પ્રકારની સ્તુતિ થઈ.