૨૩૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તે-મય નિશ્ચળ ભૂમિકાનો) ‘श्रयन्ति’ આશ્રય કરે છે, ‘ते साधकत्वम् अधिगम्य सिध्दाः भवन्ति’ તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે;...
सम्मादिट्ठी हवदि जीवो’ જે ભૂતાર્થનો આશ્રય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ થાય છે. એ જ આ વાત છે. કહે છે-જે પુરુષો, કોઈ પણ પ્રકારે અર્થાત્ મહાન પુરુષાર્થ કરીને મોહનો નાશ કરે છે, મિથ્યાભાવનો નાશ કરે છે-એવા થઈને... , જુઓ, આમાં અસ્તિમાં પુરુષાર્થ ને નાસ્તિમાં મોહનો નાશ એમ બે વાત કરી છે. અહાહા...! અંતઃપુરુષાર્થ વડે મોહનો નાશ થયો છે એવા થઈને જે પુરુષો, જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ-નિશ્ચલ એક જ્ઞાયકભાવનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને તેની ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધ થાય છે. ભાઈ, દયા પાળવી, વ્રત કરવાં, ભક્તિ કરવી કે આહારદાન દેવું એ કોઈ માર્ગ નામ મોક્ષમાર્ગ નથી, સાધકપણું નથી, તથા તે માર્ગનું-સાધકપણાનું આલંબન પણ નથી. લ્યો, આવી વાત! બહુ આકરી પણ સત્ય વાત છે. અહા! અશુભથી બચવા ધર્મીને એવો ભાવ આવે છે પણ એ ધર્મ નથી.
અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ રાગના વિકલ્પથી રહિત પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રવચનસાર, ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના પ્રથમ છ બોલમાં આ પ્રમાણે લીધું છે કે-
૧. જેને ઇન્દ્રિયો વડે ગ્રહણ-જાણવું થાય એવો ભગવાન આત્મા નથી. ૨. જે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય-જણાવાયોગ્ય થાય એવો ઇન્દ્રિયપ્રત્યક્ષનો આત્મા વિષય નથી. ૩. ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક આત્મા અનુમાનનો વિષય નથી. ૪. બીજાઓ દ્વારા માત્ર અનુમાનથી જણાય એવો આત્મા નથી. પ. આત્મા એકલા અનુમાન વડે જાણે એવો અનુમાતા નથી. ૬. આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા...! આમ પોતાની જાતથી ભાત પાડે એવો આત્મા છે; રાગના વિકલ્પથી તે જણાય એવો નથી. આવી ઝીણી વાત કદી સાંભળી નથી. કોઈક વાર સાંભળવામાં આવી જાય તો નિશ્ચય છે, નિશ્ચય છે-એમ કહીને કાઢી નાખે છે.
અહા! ભગવાન આત્મા પરોક્ષ રહે એવો એનો સ્વભાવ જ નથી. તેથી ભગવાન આત્માનું અસ્તિપણે જે અતીન્દ્રિય પૂર્ણ સ્વરૂપ છે એનો જે આશ્રય કરે છે તે સાધકપણાને પામીને સિદ્ધ થાય છે.
તો વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ શાસ્ત્રમાં આવે છે ને? હા, આવે છે; પણ એ તો ઉપચારથી કથન છે બાપુ! બાકી વ્યવહાર કાંઈ પરમાર્થરૂપ સાધન છે નહિ. આત્મામાં સાધન નામનો ગુણ છે તે વડે આત્મા જ પોતે સાધનરૂપ થઈને પોતાની નિર્મળ વીતરાગી પર્યાયને પ્રગટ કરે છે. પોતે જ પોતાનું સાધન છે. વિશેષ સ્પષ્ટ કહીએ તો જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ તેનું સાધન છે. અહાહા...! ધર્મ કેમ પમાય? તો કહે છે-ત્રિકાળી એક જ્ઞાયકસ્વરૂપ, કર્મ-નોકર્મથી ભિન્ન એવું સ્વદ્રવ્ય છે તેના આશ્રયે સાધકપણાને પામીને સિદ્ધ થવાય છે. આ જ ધર્મ પામવાની રીત છે; રાગ કે નિમિત્તના આશ્રયે ધર્મ પ્રગટે એવી વસ્તુ નથી.
અરે! આત્માના ભાન વિના જીવો એકાંતે દુઃખી છે. ભલે બહારથી તરફડિયાં ન મારતા હોય, પણ અંદરથી દુઃખી જ દુઃખી છે. શરીરમાં ધોરીરગ તૂટે તો ફટ દઈને ખલાસ થઈ જાય, ને નાની રગ તૂટે તો તરફડી-તરફડીને ખલાસ થઈ જાય. અરેરે! આવાં વેદન એણે અનંત વાર કર્યાં છે; કેમકે એને દેહ ને રાગથી એકત્વ બુદ્ધિ છે. રાગ તો સ્વયં દુઃખરૂપ છે, દાવાનળ છે. એણે રાગથી એકત્વ કરીને ચિરકાળથી પોતાની શાંતિને જલાવી દીધી છે.
અહા! આ ઝવેરીઓ બધા કરોડોની કિંમતના હીરાને પરખે, પણ પરખનારો અંદર ચૈતન્યહીરલો છે તેને ના પરખે, અહાહા...! અંદર જુએ તો એ ચૈતન્યહીરલો એકલા જ્ઞાન ને આનંદનો દરિયો છે. જેમ દરિયામાંથી પાણીની છોળો ઉછળે તેમ આ ચૈતન્યહીરલાની દ્રષ્ટિ કરતાં અંદરથી જ્ઞાન ને આનંદની છોળો ઉછળે છે. અહાહા...! કરોડો અબજોની કિંમતના હોય તોય એ જડ હીરાની શી કિંમત? એ તો ધૂળની ધૂળ છે બાપા! હીરાય ધૂળ ને તેની કિંમતેય ધૂળ. જ્યારે આ ચૈતન્યહીરલો-એકલા જ્ઞાયકસ્વભાવથી ઝળહળતો-તેની શી કિંમત? અહાહા...! અંતર્દ્રષ્ટિ વડે નીરખતાં ને અંતર-એકાગ્ર થતાં તેમાંથી આનંદની છોળે સહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે એવી એ અણમોલ ચીજ છે. અહાહા...!