એનો આશ્રય કરતાં એમાંથી સાધકદશા ને સિદ્ધદશા પ્રગટે એવી અણમોલ અનુપમ ચીજ ચૈતન્યવસ્તુ આત્મા છે. અહાહા...! અહીં કહે છે-જેણે આ ચૈતન્યહીરલાનો આશ્રય લીધો તે સાધકપણાને પામીને સિદ્ધપદ પામશે. અહાહા...! અનંત-સુખધામ એવું સિદ્ધપદ કોને કહીએ? ઓહો! આચાર્ય અમૃતચંદ્રદેવે સુખનાં વેણલાં વહેવડાવ્યાં છે. કહે છે- સ્વરૂપના આશ્રયે જેને સાધકદશા થઈ તેને અલ્પકાળમાં પરમ સુખધામ એવી સિદ્ધદશા પ્રગટ થશે. આવી વાત!
આ ભૂમિકાને નહિ પામીને ‘परिभ्रमन्ति’ સંસારમાં પરિભ્રમણ કરે છે.
અહાહા...! જેઓ મૂઢ છે, અર્થાત્ જેઓ પોતાની ચિદાનંદઘનસ્વરૂપ ચૈતન્યવસ્તુને ઓળખતા નથી, અને પવિત્રતાનો પિંડ એવો પોતે, અને અપવિત્ર એવો રાગ-શુભ કે અશુભ-અહીં શુભની પ્રધાનતાથી વાત છે-એ બન્નેને એકમેક જાણે છે, માને છે તેઓ મૂઢ છે, મોહી, અજ્ઞાની છે. રાગથી મને લાભ થશે, ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટશે -એમ માને છે તેઓ મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહા! આવા મિથ્યાદ્રષ્ટિ જીવો, કહે છે, આ ભૂમિકાને અર્થાત્ સમ્યક્દર્શન આદિ ભાવને-સાધકપણાને પ્રાપ્ત કરતા નથી. જેઓ શુભના વિકલ્પમાં રોકાયેલા છે તેઓ સાધકપણાની ભૂમિકાને પ્રાપ્ત કરી શકતા નથી.
પ્રશ્નઃ– તેઓ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન ઇત્યાદિ ભગવાને કહેલાં સાધન તો કરે છે? ઉત્તરઃ– એ તો બધાં ઉપચારથી સાધન કહ્યાં છે, તેને તેઓ પરમાર્થ સાધન માની બેઠા છે એ જ ભૂલ છે. વ્રતાદિ કાંઈ વાસ્તવિક સાધન નથી. તેથી રાગમાં જ રોકાયેલા તેઓ બહારમાં ચાહે નગ્ન દિગંબર સાધુ થયા હોય, જંગલમાં રહેતા હોય, પંચમહાવ્રતાદિ પાળતા હોય તોય મૂઢ રહ્યા થકા સાધકપણાને પામતા નથી. અહા! અગિયાર અંગ અને નવ પૂર્વની લબ્ધિ પ્રગટી હોય તોય શું? તોય તેઓ અજ્ઞાની છે કેમકે રાગની એકતાની આડમાં તેમને આત્મજ્ઞાન થયું નથી. અહા! જે રાગના-પુણ્યના પ્રેમમાં ફસ્યો છે તે વ્યભિચારી છે, મૂઢ છે, આવા મૂઢ જીવો રાગ વિનાની સાધકની ભૂમિકાને પામતા નથી. તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ઓહો! મોટો સંસાર સમુદ્ર પડયો છે. કદીક ઉંચે સ્વર્ગમાં અવતરે, ને કદીક હેઠે નર્કમાં જાય; અરરર..! પારાવાર દુઃખને ભોગવે છે. સમજાણું કાંઈ...?
‘જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે.’
અહાહા...! કોઈને ગુરુએ કહ્યું-મારી સામું મા જો, અંદર ચિદાનંદઘન પ્રભુ તું છો ત્યાં તારામાં જો; ત્યાં જા, ને ત્યાં જ રમી જા, ત્યાં જ ઠરી જા, અહા! તેણે એમ કર્યું તો સમકિત સહિત તેને સાધકપણું થયું. તથા કોઈ સ્વયં અંદર જાગ્રત થઈ અંતઃપુરુષાર્થ કરી સાધક થયો. અહા! આમ સમકિત યુક્ત સાધકપણાને પામીને જીવો સિદ્ધદશાને પામે છે. આ જ માર્ગ છે ભાઈ! જેઓ પોતાના સ્વભાવનો આશ્રય કરે છે તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે. પરંતુ જેઓ શુભાશુભ ક્રિયામાં જ લીન થઈ રોકાયા છે તેઓ આત્મવસ્તુને પામતા નથી, સંસારમાં રખડયા કરે છે. આવી વાત!
આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છેઃ
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः।