અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચર જાણી તેને ઉપચારથી સંયમ કહેલ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! મહાન વૈભવશીલ એવા રાવણને એક સ્ફટિકનો મહેલ હતો. એના સ્ફટિક એવા ઝળહળતા પ્રકાશિત હતા કે કોઈ દુશ્મન ત્યાં જાય તો પગ કયાં ધરવો તે ખબર ન પડે એટલે તરત પકડાઈ જાય. તેમ આ આત્મા ચૈતન્યનો મહેલ એવા ચૈતન્યના પ્રકાશથી ભરપુર ઝળહળતો ઉજ્જ્વળ છે કે ત્યાં મોહ આદિ દુશ્મનો તરત જ પકડાઇ જાય છે. અહાહા...! ચૈતન્યહીરલો ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો છે કે એમાં ચરણ ધરતાં, ચરતાં-વિચરતાં મોહાંધકારનો નાશ થઈ જાય છે, ને પ્રબળ પવિત્ર ઉજ્જ્વળ ચારિત્રનો પ્રકાશ પ્રગટ થાય છે. લ્યો, આનું નામ સંયમ છે. શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો, પછી એવા જ અનુભવમાં સ્થિર થઈને રહેવું તે સંયમ છે.
ત્યારે કોઈ વળી કહે છે-આચાર્ય કુંદકુંદદેવ પણ અહિંસાદિ મહાવ્રત પાળતા હતા, અમે કેમ ન પાળીએ? અરે ભાઈ! તને આચાર્યદેવના અંતરના સ્વરૂપની ખબર નથી. મુખ્યપણે તેઓ શુદ્ધોપયોગમાં જ સ્થિત- લીન હતા; નિરંતર શુદ્ધોપયોગની જ તેમને ભાવના હતી, વ્રતાદિની નહિ. તેમનો જ આ સંદેશ છે કે- પંચમહાવ્રતાદિનો વિકલ્પ રાગ છે, જ્યારે અંતરમાં સ્વરૂપ-સ્થિરતા કરવી તે સંયમ નામ ચારિત્ર છે. પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે ખરો, પણ તે કાંઈ સંયમ નથી, ખરેખર તો (નિશ્ચયથી) તે હેય એવો અસંયમ, અચારિત્ર જ છે. હવે આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે.
અહા! ધર્માત્મા, સંયમી-મુનિ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે. આત્માવલોકનમાં આવે છે કે-મુનિઓ વારંવાર વીતરાગતાનો ઉપદેશ આપે છે, શુદ્ધ સ્વરૂપમાં રમણતા કર-એવો જ ઉપદેશ તેઓ આપે છે. રાગ કરવાની તો વાત જ નથી ભાઈ! (વ્રતાદિનો) રાગ હોય છે એ જુદી વાત છે, ને રાગને કરવો-એ જુદી વાત છે. અરે, જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવની પણ મુનિવરોને ભાવના હોતી નથી. શું આસ્રવને ધર્મી ભાવે? કદીય ન ભાવે.
અહાહા...! કહે છે-નિરંતર જે પુરુષ ઉપયોગને સ્વસ્વરૂપમાં ઉપયુક્ત કરી નિજ શુદ્ધાત્માને ભાવે છે. ‘सः एकः’ તે જ એક (પુરુષ), ‘ज्ञान–क्रिया–नय–परस्पर–तीव्र–मैत्री–पात्रीकृतः’ જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, ‘इमाम् भूमिम् श्रयति’ આ (જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.
અહાહા...! લ્યો, જ્ઞાન અને ક્રિયા નામ ચારિત્ર-બન્નેની મૈત્રીના પાત્રરૂપ થયેલો તે એક જ જ્ઞાનમાત્ર ભૂમિકાને આદરે છે; તે એક જ સાધકપણાને પામે છે, બીજા રાગમાં રોકાયેલા છે તેઓ સાધકપણાને પ્રાપ્ત થતા નથી.
અહાહા...! શું કળશો છે! કોઈને મોઢામાં અમી ન આવતું હોય, ને તેને સો-બસો આંબલીના કાતરાના ઢગ વચ્ચે બેસાડીએ તો મોંમાં પાણી વળી જાય, ને અમી આવે, તેમ આચાર્ય અમૃતચંદ્રદેવે અહીં અમૃતમય કળશોનો ઢગ ખડો કર્યો છે. અહા! જે એની મધ્યમાં જાય અર્થાત્ તેનું અવગાહન કરે તેને અંદર અમૃતરૂપી અમી ઉછળી જાય છે. અહાહા...! અંદર અમીનો સાગર ઉછાળે એવા આ કળશો છે. અહાહા...! કહે છે-જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ વડે, શુદ્ધાત્મામાં ઉપયુક્ત થયો થકો પોતાને જ ભાવે છે તે પુરુષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયો થકો સાધકપણાને પામે છે; ને સિદ્ધ થઈ જાય છે.
‘જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભુમિકાની પ્રાપ્તિ થઈ નથી.’
જુઓ, શું કીધું? કે એકલું શાસ્ત્રનું જાણપણું કરે, પણ અંતર્દ્રષ્ટિ પ્રગટ કરી અશુદ્ધતાને ટાળે નહિ તે પ્રમાદી અને સ્વચ્છંદી છે. એવા શુષ્કજ્ઞાનીને અંતરમાં સાધકપણું પ્રગટતું નથી. શાસ્ત્રનું જાણપણું ખૂબ કરે તેથી ક્ષયોપશમનો વિકાસ તો થાય, પણ એમાં શું? અંદર પરમ પુનીત શુદ્ધભાવમય આત્માને જાણે નહિ, ને એકાંતે જ્ઞાનનયને ગ્રહે તે પુરુષ અશુદ્ધતા ટાળીને અંદર જતો નથી. એવા પ્રમાદી સ્વચ્છંદી પુરુષને ભૂમિકાની-સાધકપણાની દશાની પ્રાપ્તિ થતી નથી.
વળી, ‘જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુપ્તિરૂપે) શુભકર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી.’
જુઓ, દયા, દાન, વ્રત, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિના શુભભાવમાં જેઓ સંતોષાઈ જાય છે, અર્થાત્ આ શુભભાવથી ધર્મ થાય છે એમ જેઓ માને છે તેઓ જ્ઞાનનયને જાણતા નથી. તેમને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનું ભાન નથી. ભાઈ,