Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4157 of 4199

 

૨૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વ્રતાદિની જે બાહ્ય ક્રિયા છે એ તો રાગ છે, ને રાગમાં સંતુષ્ટ છે તેને રાગરહિત નિષ્કર્મ વીતરાગી ભાવની ભૂમિકા પ્રાપ્ત થતી નથી. અહા! આવા ક્રિયાજડ ક્રિયાકાંડીઓને આત્માના ધર્મની ક્રિયા થતી નથી. વાસ્તવમાં તેઓ અજ્ઞાની જ રહે છે.

હવે કહે છે-‘જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (-અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (- રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.’

શું કીધું આ? કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે અર્થાત્ દ્રવ્યપર્યાય સ્વરૂપ આત્મવસ્તુ છે તેમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પર્યાય નથી, ને એક સમયની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી-અહાહા...! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જે પુરુષ અનુભવે છે તે સમ્યગ્જ્ઞાની છે. અહા! આમ સમ્યગ્જ્ઞાન અને સુનિશ્ચળ સંયમ-એમ બેમાં જે વર્તે છે તે પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. સમ્યગ્દર્શન થતાં જ અભિપ્રાયથી તો રાગથી ભિન્ન પડયો હતો, છતાં રાગ હતો. તો તેને જાણીને સ્વરૂપના ઉગ્ર આશ્રય વડે શુદ્ધ પરિણતિ-વીતરાગી પરિણતિને પ્રગટ કરે તેને સંયમ કહે છે. એકલી ઇન્દ્રિયોને દમવી ને અહિંસાદિ વ્રત પાળવાં તે સંયમ એમ નહિ. એ તો સંયમ છે જ નહિ. સ્વરૂપમાં જે લીનતા-સ્થિરતા છે તે સંયમ છે. આમ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ચારિત્ર વડે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે.

અહાહા...! પુણ્ય-પાપથી રહિત ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની અંતર્મુખ થઈને સ્વસંવેદન- પોતાનું પોતાથી વેદન કરવું તે જ્ઞાનનય છે; તથા તેમાં જ સ્થિર થઈ, અશુદ્ધતાના-રાગના ત્યાગરૂપ શુદ્ધ પરિણતિરૂપે પરિણમવું તે સંયમ નામ ક્રિયાનય છે. સમ્યગ્જ્ઞાન-આત્મજ્ઞાન ને રાગના અભાવરૂપ સંયમ-બેને મૈત્રી-ગાઢ મૈત્રી છે. આ જ્ઞાનનય ને ક્રિયાનયની મૈત્રી છે. હવે આવો મારગ વીતરાગનો છે, પણ લોકોને તે સમજવો કઠણ થઈ પડયો છે.

પણ શું થાય? જેમ માબાપ મરી જાય ને છોકરાઓ અંદર-અંદર લડે-એમ કે બાપે આમ કહ્યું હતું ને તેમ કહ્યું હતું; તેમ અરેરે! અત્યારે કેવળી-શ્રુતકેવળીના વિરહ પડયા છે. કેવળી રહ્યા નહિ, ને આમ ધર્મ થાય ને તેમ ધર્મ થાય-એમ લોકો અંદર અંદર વિવાદે ચઢી ગયા છે. પરંતુ ભાઈ! વસ્તુ જે ભગવાન આત્મા છે તેનો જ્ઞાનાનંદ સ્વભાવ છે. અહાહા...! આવી નિજવસ્તુના આશ્રયે પરિણમતાં પર્યાયમાં જ્ઞાન ને આનંદ પ્રગટ થાય છે, અને તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. સ્વનું-જ્ઞાન ને આનંદનું ભવન-થવું તે સ્વભાવ નામ ધર્મ છે. આ જૈનદર્શન છે. જૈનદર્શનની આવી વાત બીજે કયાંય નથી.

ભાઈ, અનેકાંતનો એવો અર્થ નથી કે-નિજ સ્વભાવના આશ્રયે પણ ધર્મ થાય ને રાગના-વ્યવહારના આશ્રયેય ધર્મ થાય. વાસ્તવમાં સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય ને રાગના-વિભાવના આશ્રયે ધર્મ ન થાય તેનું નામ અનેકાંત છે. અરે, જગતને જૈનધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવા મળ્‌યું નથી. જગત તો વ્રત કરો, ને તપસ્યા કરો, ને ભક્તિ કરો ને બહારમાં ઇન્દ્રિયોને દમો, બ્રહ્મચર્ય પાળો એટલે થઈ ગયો ધર્મ-એમ માને છે, પણ એવું ધર્મનું સ્વરૂપ નથી. અહાહા...! પોતે અંદર જ્ઞાનસ્વરૂપી પરમ પવિત્રતામય પ્રભુ છે તેમાં અંતર-એકાગ્ર થઈ ત્યાં જ ઠરવું એનું નામ ધર્મ છે. સાથે શુભભાવ હો, પણ તે ધર્મ નથી. શુભભાવને વ્યવહારે મૈત્રી કહી છે, પણ નિશ્ચયથી એ મૈત્રી નથી. અહીં તો સ્વ-આશ્રયે પ્રગટ સમ્યગ્જ્ઞાન, અને સ્વ-આશ્રયે પ્રગટ સંયમભાવ-નિર્મળ રત્નત્રય-તેને પરસ્પર મૈત્રી કહી છે. બાકી જેને અંતરમાં સ્વસ્વરૂપનું ભાન વર્તતું નથી તેનાં વ્રત, તપ આદિ તો સર્વ ફોગટ જ છે અર્થાત્ સંસાર ખાતે જ છે; જેમ લગ્નમાં ફેરા ફરે છે ને! તેમ ચોરાસીના અવતારના તે ફેરા ફરશે. યોગસારમાં આવે છે ને કે-

જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનીત શુદ્ધ ભાવ;
વ્રત–તપ–સંયમ–શીલ સહુ, ફોગટ જાણો સાવ.

આવી વાત છે!

હમણાં હમણાં કેટલાકે કાઢયું છે કે-‘જીવો અને જીવવા દો’-એ ભગવાનનું સૂત્ર છે. પણ ભાઈ! એવું ભગવાને કહ્યું જ નથી. ભગવાને તો એમ કહ્યું છે કે-આત્મામાં એક જીવન શક્તિ ત્રિકાળ છે. અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા શુદ્ધ ચૈતન્ય પ્રાણો વડે જીવ ત્રિકાળ જીવે જ છે, તેને જીવવા દેવાની વાત જ કયાં છે? અહાહા...! શુદ્ધ ચૈતન્ય પ્રાણોના ધરનાર નિજ ચૈતન્યદ્રવ્યનો જે આશ્રય કરે છે તેને નિર્મળ જ્ઞાન ને આનંદમય જીવન પ્રગટ થાય છે અને તે જીવનું વાસ્તવિક જીવન છે. અહા! પંચ પરમેષ્ઠી ભગવંતોનું જીવન વાસ્તવિક જીવન છે. બાકી મન, વચન,