૨૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! સંસારમાં ચારે ગતિ દુઃખરૂપ છે. સ્વર્ગમાં દેવ પણ દુઃખી છે, અને મનુષ્યમાં કરોડપતિ, અબજોપતિ ને મોટા મોટા રાજા-ચક્રવર્તી પણ દુઃખી છે. સંસાર એટલે જ દુઃખ બાપુ! અહા! આવા દુઃખમય સંસારથી છુટવું હોય એના માટે આ વાત છે. સમજાય છે કાંઈ...? અહા! દિગંબર સંતોની કથનીમાં અપાર ઉંડાણ ભર્યું હોય છે.
અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત ગુણરત્નાકર-ચૈતન્યરત્નાકર-જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ તું છો. હું આવો છું એમ હા તો પાડ, હા પાડે તો હાલત થશે. બાકી હા પાડે તોય આવો છો. ને ના પાડે તોય આવો છો.
અહા! આવા આત્માને, કહે છે, નયોની દ્રષ્ટિથી ખંડખંડ કરવામાં આવતાં તત્કાળ નાશ પામે છે. એટલે શું? કે તેના એક એક ધર્મને એક એક નયથી લક્ષમાં લેતાં આખો આત્મા ખંડખંડ થઈ જાય છે. એક અભેદ સ્વરૂપને નય-ધર્મથી જોતાં વા ગુણભેદથી જોતાં અભેદનો નાશ થઈ જાય છે, અર્થાત્ અભેદ દ્રષ્ટિમાં આવતો નથી. લ્યો, હવે જ્યાં આવું છે ત્યાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી ધર્મ થાય એ કયાં રહ્યું?
જુઓ, અજ્ઞાનીને પોતાની ચૈતન્યવસ્તુ ગાયબ છે. તેની પ્રાપ્તિ કેમ થાય તેની આ વાત છે. તો કહે છે- આત્મા વસ્તુએ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. અહા! આવા આત્માને એક એક નયથી જોતાં આત્મવસ્તુ આખી ખંડખંડ થઈ જાય છે, અર્થાત્ પૂર્ણ આત્મવસ્તુ દ્રષ્ટિમાંથી ખોવાઈ જાય છે, જ્ઞાન અને દ્રષ્ટિમાં આત્મવસ્તુની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! એક એક નયથી જોતાં એક એક નય-ધર્મ ઉપસી આવે છે, તત્સંબંધી વિકલ્પ ઉઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી. આત્માને ભેદથી જ્યાં દ્રષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ-વિકલ્પ ઉઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી, એટલે દ્રષ્ટિમાં તે ક્ષણે તે ગૂમ થઈ જાય છે. અહાહા...! પરથી ને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો દૂર રહો, અહીં કહે છે-આત્માને તેના એક એક ગુણથી જોવા જતાં તેની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! શું કળશ છે! ગજબની વાત ભાઈ!
કહે છે-બીજી વાત (નિમિત્તથી ને વ્યવહારથી થાય એ વાત) તો તું જવા દે, જાણવા લાયક જે જ્ઞેય છે એવો તારો અખંડ એક આત્મપદાર્થ તેને જાણવામાં, તેમાં રહેલી અનંત શક્તિઓને ભેદ પાડીને જોવા જતાં, કહે છે, એકરૂપ આત્મપદાર્થ દ્રષ્ટિમાં આવતો નથી, પરંતુ વિકલ્પ ઉઠે છે, આ રીતે આત્મપદાર્થ શ્રદ્ધા-જ્ઞાનમાં નાશ પામે છે; અર્થાત્ ભગવાન જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. શુભરાગથી-વ્યવહારથી ને નિમિત્તથી ધર્મ થાય એ તો એકકોર કાઢી નાખ્યું, કેમકે એ તો આત્માના અસ્તિત્વમાં જ નથી, ભિન્ન ચીજ છે. આ તો એનામાં જે છે એની વાત છે. ભાઈ, તારા તત્ત્વમાં અનંત ગુણ છે, તે હોતાં એક એકને ભેદ પાડીને લક્ષમાં લેતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, અભેદ એકરૂપ દ્રવ્યની દ્રષ્ટિ થતી નથી. આવો મારગ છે. જ્ઞાન અને દ્રષ્ટિનો દોર અભેદ એક દ્રવ્ય પર હોવો જોઈએ. વ્યવહાર હો, પણ એની અંતર્દ્રષ્ટિમાં કાંઈ જ કિંમત નથી.
આવો મારગ તો સરળ છે બાપુ! પણ એને જે રીતે છે તે રીતે નિઃસંદેહ બેસવો જોઈએ. અરે, લોકો તો નિમિત્ત ને વ્યવહારમાં અટકયા છે, પણ એ માર્ગ નથી, કેમકે નિમિત્ત ને વ્યવહાર આત્માની ચીજ જ નથી. આવી વસ્તુસ્થિતિ છે.
હવે આચાર્યદેવ પોતાની વાત કરે છે. કહે છે- ‘तस्मात्’ માટે હું એમ અનુભવું છું કે- ‘अनिराकृत–खण्डम् अखण्डम्’ જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યાનથી છતાં જે અખંડ છે, ‘एकम्’ એક છે, ‘एकान्त शान्तम्’ એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને ‘अचलम्’ અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું ‘चिद् महः अहम् अस्मि’ ચૈતન્યમાત્ર તેજ હું છું.
જોયું? આત્મામાંથી ભેદોને નિરાકૃત અર્થાત્ રદબાતલ નથી કર્યા, બહિષ્કૃત નથી કર્યા, આત્મામાં અનંત ગુણ છે ખરા, તથાપિ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયક વસ્તુ છે, ને એ અખંડની દ્રષ્ટિ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, ભેદની દ્રષ્ટિથી નહિ; ભેદની દ્રષ્ટિથી તો વિકલ્પ ઉઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. અહાહા...! અનંત ગુણનું એકરૂપ આત્મા -આવું આત્મસ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોણ કહે? બીજાઓ તો મતિકલ્પનાથી કહે છે, પણ તે સત્ય નથી, મિથ્યા છે.
અહાહા...! આવી આત્મવસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે. શાંત... શાંત... શાંતસ્વરૂપ જ આત્મા છે એમ, કહે છે, અમે અનુભવીએ છીએ. અહાહા...! દ્રષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે, એક છે ને એકાંત