૨પ૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું જ્ઞેય છે. તે દશા એકલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું જ્ઞેય છે. અહાહા...! તે સમસ્તનું (-પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (-પોતે) જ્ઞેય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે.
અહાહા...! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે-પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતાં પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞેય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય જ્ઞેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ અનુભવાતું નથી; કેમકે પરમાર્થે પર સાથે જ્ઞેય-જ્ઞાયક સંબંધ છે જ નહિ. આવી વાત!
કહે છે-‘જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.’ જુઓ, શું કીધું? કે જ્ઞેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન-સ્વરૂપ છે, જ્ઞેયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞેય છે. પરજ્ઞેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. જ્ઞેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું જ્ઞેય છે, ઓલું (પરજ્ઞેય) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહિ). અહાહા...! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; જ્ઞેય-જ્ઞાન જ્ઞેયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. પં. જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે-
‘વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.’
અહાહા...! જુઓ, બાહ્ય જ્ઞેયો-રાગાદિકથી માંડી છએ દ્રવ્યો પોતાના આત્માથી (-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહિ.
રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયાં નથી. ઘટનો જાણનાર ઘટ-રૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, જ્ઞેયનું નહિ. આત્માનો ‘જ્ઞ’ સ્વભાવ છે, ને ‘જ્ઞ’ સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરજ્ઞેયનું કાંઈ જ નથી. આમ જ્ઞેય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે જ્ઞેય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ...?
જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન જ્ઞેયાકાર છે એમ નહિ, એ તો જ્ઞેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞેયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞેય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન જ્ઞેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.
અહાહા...! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! જરા ધીરો થઈને સાંભળ. કહે છે- આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરજ્ઞેય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણનક્રિયા જાણવારૂપે છે તે જણાય છે.
ભગવાન! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાનપર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે.