તો સાચો વ્યવહાર શું છે? તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકનાં જેટલાં જ્ઞેયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે જ્ઞેય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) જ્ઞેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.
જ્ઞેયોના આકાર એટલે જ્ઞેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે જ્ઞેયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકાર- જ્ઞાનના જ તરંગો છે. અહાહા...! જાણગ... જાણગ... જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો-પરજ્ઞેયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (-પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરજ્ઞેયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?
જુઓ, દર્પણના દ્રષ્ટાંતે આ વાત સમજીએઃ જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલાં હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
આ શું કીધું? લ્યો, ફરીથી. એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ ને બરફ છે? ના; અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણું નથી, દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે-રૂપ સ્વચ્છ દશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે, અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે.
તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં જ્ઞેયોના આકારની ઝલક આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન જ્ઞેયાકારે થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન જ્ઞેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે જ્ઞેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; જ્ઞેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
અહા! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ! તું દયા, દાન, વ્રત, તપ કરીકરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહિ. પોતાના સ્વરૂપના મહાતમ (-માહાત્મ્ય) વિના ધર્મની ક્રિયા કોઈ દિ’ થઈ શકતી નથી.
નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતા-
હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહિ, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહિ થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે? બાપુ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગના કર્તાપણામાં મંડયો રહે એ તો પાગલપણું છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! અહીં કહે છે-‘આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.’ પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞેયોનો પ્રવેશ નથી, એ તો જુદા પર છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞેય છે, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી, ને પરમાર્થે તે આત્માનું જ્ઞેય નથી.