ગાથા ૩૨ ] [ ૧૩૭ તરફનો આદર છોડી દે છે. કર્મના વિપાકનો અનાદર કરીને તે જ્ઞાની અંદર ભગવાન જ્ઞાયક ત્રિકાળીના આદરમાં-આશ્રયમાં જાય છે. તેને ભાવ્ય-ભાવકસંકરદોષ દૂર થાય છે. આ ભગવાન આત્મા પોતે સર્વજ્ઞસ્વભાવી છે તેની સ્તુતિ છે. ભાઈ! વસ્તુસ્થિતિ જ આવી છે. પોતાના ભાવમાં એનું ભાસન થવું જોઈએ. એમ ને એમ માની લે તે કામ આવે નહિ. અહો! કેવળીના અનુસારે આ અલૌકિક ટીકા છે. ‘પરમાર્થ વચનિકા’ માં શ્રી બનારસીદાસ કહે છે કે- ‘આ ચિઠ્ઠી (વચનિકા) યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચન અનુસાર છે. જે જીવ સાંભળશે, સમજશે અને શ્રદ્ધશે તેને ભાગ્ય અનુસાર કલ્યાણકારી થશે.’ જ્યારે બનારસીદાસ આમ કહે છે તો પછી સંતોની તો શું વાત?
કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. જે મુનિ મોહનો તિરસ્કાર કરીને એટલે કે ચારિત્રમોહના ઉદયને અવગણીને, તેનું અનુસરણ છોડી નિજ જ્ઞાયકભાવને અનુભવે છે તે નિશ્ચયથી જિતમોહ જિન છે. આ બીજા પ્રકારની સ્તુતિ પહેલા પ્રકારની સ્તુતિ કરતાં ઊંચી સ્તુતિ છે. ૩૧ મી ગાથામાં જઘન્ય, ૩૨ મી ગાથામાં મધ્યમ અને ૩૩ મી ગાથામાં ઉત્કૃષ્ટ સ્તુતિ કહી છે.
જેટલે અંશે પરથી હઠી સ્વ તરફ આવે છે તેટલા અંશે ભાવ્યભાવકસંકરદોષ દૂર થાય છે, ભાવ્યભાવકની એક્તા થતી હતી તે દૂર થાય છે. આ દોષ દૂર થતાં એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને તે મુનિ અનુભવે છે. અહાહા! ‘णाणसहावाधियं’ એટલે જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વભાવોથી પરમાર્થે ભિન્ન એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જિતમોહ છે. તેણે મોહને જીત્યો છે પણ હજુ ટાળ્યો નથી. મોહનો ઉપશમ કર્યો છે પણ ક્ષય કર્યો નથી. એટલો પુરુષાર્થ હજુ મંદ છે.
મુનિને અને સમકિતીને દ્રષ્ટિમાં રાગનો અભાવ છે. તેથી કર્મના ઉદ્રયે રાગ થાય છે એમ નથી. પરંતુ પર્યાયમાં રાગ થવાની લાયકાત છે તેથી ભાવક (કર્મ) તરફનું વલણ થતાં રાગરૂપ ભાવ્ય થાય છે. હવે મુનિ, ભાવક જે મોહકર્મ તેની ઉપેક્ષા કરીને-તેનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાનનો આશ્રય કરે છે તેને જિતમોહ જિન કહે છે. ભાઈ! આ એક (જ્ઞાયક) ભાવ જેને યથાર્થ બેસે એને બધા ભાવ યથાર્થ બેસી જાય. પણ જેને એક ભાવનાં ઠેકાણાં ન મળે તે નાખે કર્મ ઉપર. પણ તેથી શું થાય? (સંસાર ન મટે)
હવે કહે છેઃ-કેવો છે જ્ઞાનસ્વભાવ? ૩૧ મી ગાથામાં જે કહ્યું હતું એ જ અહીં છે. આ સમસ્ત લોક ઉપર તરતો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપરપ્રકાશક થવાનો સ્વભાવ છે. તેથી જ્ઞાનસ્વભાવ વડે તે જ્ઞેયને-લોકને જાણે છે છતાં તે જ્ઞેયથી ભિન્ન રહે છે. જ્ઞેયને