૧પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ એમાં પવન પ્રેરક નિમિત્ત છે, છતાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન છે. ધજા પોતે પોતાથી જ આમતેમ ફરફર થાય છે, પવનથી નહિ, પવન તો નિમિત્તમાત્ર છે. આવું સત્ય સમજવામાં પણ વાંધા હોય તે સત્ય આચરે કયારે?
અહીં કહે છે કે એવો કોણ પુરુષ છે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય પોતાના આત્માને પરથી ભિન્ન જણાવે છે. રાગ અને શરીરથી ભિન્ન પડી જ્યારે દ્રષ્ટિ એક જ્ઞાયકમાત્રમાં પ્રસરે છે તો અવશ્ય ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કોઈ દીર્ઘસંસારી હોય તો તેની અહીં વાત નથી.
આ પ્રમાણે, જે અપ્રતિબુદ્ધે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, ” તેનું નિરાકરણ કર્યું. અજ્ઞાની જે ચીજને દેખે છે તે ચીજને પોતાની માને છે. જ્ઞાન શરીર, રાગ, આદિ જ્ઞેયને જાણે છે છતાં તે શરીરાદિ જ્ઞેય જ્ઞાનની ચીજ નથી. જ્ઞાનની ચીજ તો જ્ઞાન જ છે. આવી વાત કઠણ પડે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે. વીતરાગ ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે દિવ્યધ્વનિ દ્વારા આવો જ ઉપદેશ આપતા હતા. અને એ જ વાત સંતોએ પ્રસિદ્ધ કરી છે. અહો! એ સંતોની વાણી અમૃતની વર્ષા કરનારી છે, તેનું કર્ણરૂપી અંજલિ વડે ભવ્ય જીવો પાન કરો!