ગાથા ૩૪ ] [ ૧૬૧ એમ કહ્યું છે. આત્મામાં દયા, દાનનો રાગ કે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નથી. અને તેથી રાગથી કે વ્યવહારરત્નત્રયના વિકલ્પથી જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવ પ્રાપ્ત થતો નથી, કેમકે જેનામાં જે ન હોય તેનાથી તે પ્રાપ્ત કેમ થાય?
એકલો દેખનાર અને જાણનાર એવા પોતાને પોતાથી જ જાણી, રાગથી કે વિકલ્પથી નહિ પણ સ્વચૈતન્યમાં ચૈતન્યની પરિણતિ દ્વારા પ્રવેશીને પોતાને જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છુક થયો છે. એટલે હવે તે મુનિપણાની ભાવના કરે છે.
પ્રશ્નઃ– ‘પોતાને પોતાથી જ જાણે’ એમાં એકાંત થઈ ગયું, સ્યાદ્વાદપણું તો ન રહ્યું?
ઉત્તરઃ– ‘પોતાને પોતાથી જ જાણે’ એ સમ્યક્ એકાન્ત છે. તે સમ્યક્ એકાન્ત જ અનેકાન્તનું સાચું જ્ઞાન કરે છે. પોતે પોતાથી જ જણાય અને પરથી ન જણાય એ જ અનેકાન્ત છે. અને એ જ સમ્યક્ એકાન્ત છે. ભાઈ! વીતરાગનો સ્યાદ્વાદ માર્ગ આવો છે. પોતાથી પણ જાણે અને રાગથી પણ જાણે એ તો ફુદડીવાદ છે, સ્યાદ્વાદ નહિ.
ચૈતન્યસૂર્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા પોતાના નિર્મળ પ્રકાશ દ્વારા જ પોતાને પ્રકાશે છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા જ પોતાને પોતાથી જાણે છે. તેને રાગની કે વ્યવહારની અપેક્ષા નથી. એટલે કે વ્યવહારથી નિશ્ચય જણાય નહિ. પરંતુ વ્યવહારનું લક્ષ છોડી સ્વભાવનું સીધું લક્ષ કરતાં તે પોતાથી પોતાને જાણે છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા જ્ઞાયકને જાણી પછી શ્રદ્ધાન કરવું. જુઓ અહીં પ્રથમ આત્માને જાણવો, પછી શ્રદ્ધાન કરવું એમ કહ્યું છે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધા કોની? ૧૭-૧૮ ગાથામાં પણ આ વાત આવી ગઈ છે.
હવે જેને જ્ઞાન-શ્રદ્ધાન થયાં છે તે એમાં જ આચરણ કરવા ઇચ્છુક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?’ નિજપદમાં રમે તે આત્મારામ છે. તેને પ્રત્યાખ્યાન નું શું સ્વરૂપ છે? અન્યદ્રવ્યના ત્યાગનું શું સ્વરૂપ છે? આત્મા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. ઉદયભાવરૂપ સંસારનો અંશ કે તેની ગંધ પણ એમાં નથી. આવા આત્માને જાણીને, એને પ્રતીતિમાં લઈને હવે શિષ્ય ગુરુને પૂછે છે કે-મને આત્મામાં આચરણ કેમ થાય? અન્યદ્રવ્યના અર્થાત્ રાગના ત્યાગરૂપ પચ્ચકખાણ કેવી રીતે થાય? જ્ઞાનીને ચારિત્ર કેવું હોય એની ખબર છે, છતાં વિનયપૂર્વક ગુરુને વિશેષ માટે પૂછે છે.
શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા અનંત અનંત આનંદનું ગોદ્રામ છે. સંયોગી ચીજમાં આત્મા નથી અને આત્મામાં સંયોગી ચીજ નથી. બન્ને તદ્ન ભિન્ન ભિન્ન છે. હવે અહીં કહે છે કે સંયોગી ચીજ તો દૂર રહી, પણ સંયોગીકર્મના લક્ષે થતા જે સંયોગીભાવ-પુણ્યપાપના ભાવ તેનાથી પણ આત્મા ભિન્ન છે, જુદો છે.