૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ રાગ અચેતનસ્વરૂપ, દુઃખસ્વરૂપ અને આકુળતાસ્વરૂપ છે. સારી રીતે પરીક્ષા કરીને’ એમ કહ્યું છે. એટલે ઉપર ટપકે પરીક્ષા કરીને એમ નહીં. અહો! સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું છે! દેવ કેવા, ગુરુ કેવા, શાસ્ત્ર કેવાં અને ધર્મ કેવો હોય એ સઘળું સિદ્ધ કરી બતાવ્યું છે.
‘સમસ્ત ચિહ્નોથી’ એમ કેમ લીધું? કે એકલા સ્વના જ ચિહ્નોથી પરીક્ષા કરી એમ નહિ, પણ સ્વ અને પર બન્નેનાં ચિહ્નોથી ભલી ભાંતિ પરીક્ષા કરી. માટે ‘સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને’ એમ લીધું છે. પોતે એક આત્મા અને બીજો રાગ એમ બન્નેનાં લક્ષણો-એંધાણથી પરીક્ષા કરી. પરીક્ષા શું કરી? કે હું આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત ત્રિકાળી ધ્રુવ કાયમ રહેવાવાળી ચીજ અનાકુળ આનંદસ્વરૂપ છું અને આ રાગ તો અચેતન, કૃત્રિમ, ક્ષણિક અને આકુળતામય દુઃખસ્વરૂપ છે. બન્નેનાં લક્ષણો ભિન્ન છે માટે રાગ મારો નથી. ‘જરૂર આ પરભાવો જ છે’-એમ પરીક્ષા કરીને જાણે છે. રાગ પરભાવ જ છે એટલે કથંચિત્ રાગ આત્માનો છે અને કથંચિત્ પરનો છે એમ નહીં. શરીર, મન, વાણી, પૈસા-ધૂળ, બાયડી, છોકરાં એ તો બધાં કયાંક દૂર રહી ગયાં, પણ સ્વભાવની દ્રષ્ટિમાં તો રાગ પણ પરભાવ જ છે એમ જણાય છે.
આ રાગ પરભાવ જ છે અને હું પરભાવથી ભિન્ન છું એમ કયારે જાણવામાં આવ્યું? કે જ્યારે હું એક જ્ઞાનમાત્ર જ ચૈતન્યપ્રકાશનો પુંજ છું એમ જાણવામાં આવ્યું ત્યારે. મારી સત્તા એક ચૈતન્યબિંબમય છે એવું અસ્તિથી ભાન થયું તો રાગ-પરભાવ મારામાં નથી એવું નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. એક જ્ઞાનસ્વરૂપને જાણતાં, જ્ઞાનમાં જ્ઞાન જ છે પણ એમાં રાગ નથી એમ જણાઈ જાય છે. જ્ઞાયકસ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં એમાં રાગ નથી એમ રાગની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય છે. આમ હું એક જ્ઞાનમાત્ર જ છું એમ જાણતાં પરભાવથી ભિન્ન પડી જવાય છે. પણ આ સમજવાની કોને પડી છે? આ તો જેને અંતરથી ગરજ થાય અને રખડવાનો થાક લાગે એના માટે વાત છે. જે પરિભ્રમણથી દુઃખી છે એનાં દુઃખ મટાડવાની ચીજ આ છે. આ ભગવાન આત્મા આનંદ છે અને રાગ દુઃખ જ છે, આત્મા જ્ઞાન છે અને રાગ અજ્ઞાન છે, આત્મા જીવ છે અને રાગ અજીવ છે, આત્મા ચેતનમય છે અને રાગ અચેતન પુદ્ગલમય છે-એમ લક્ષણો વડે બન્નેને ભિન્ન જાણી જ્ઞાનસ્વભાવમાં એક્તા કરી હું જ્ઞાનમાત્ર છું એમ જાણે ત્યાં જરૂર રાગાદિ પરભાવ છે એનું જ્ઞાન થઈ જાય છે.
હવે કહે છે-‘એમ જાણીને જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.’ એટલે કે રાગને પરભાવ જાણી, સ્વભાવમાં આવતાં પરભાવને તે તત્કાળ છોડી દે છે અર્થાત્ તેનો આશ્રય કરતો નથી. પ્રત્યાખ્યાનની વાત છે ને? સ્વભાવનો સ્વીકાર કરતાં રાગ છૂટી જાય છે એને રાગ છોડયો એમ કહેવામાં આવે છે. અહાહા! વીતરાગ સર્વજ્ઞ