૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ગયું. વસ્ત્રમાં મમત્વ-મારાપણું રહ્યું નહિ. એમ આ આત્મા અને રાગ જે અપરભાવ એટલે પરભાવ છે-એ બન્નેનાં લક્ષણો જુદાં છે અર્થાત્ આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને રાગ બંધ લક્ષણથી લક્ષિત છે એટલી વાત જ્યાં સાંભળી ત્યાં કહે છે કે શિષ્યને એ વાત ખ્યાલમાં આવી ગઈ કે આત્મા તો રાગરહિત છે અને જ્યાં રાગમાં જોડાયો નહિ અને અંદરમાં ગયો ત્યાં ‘अन्यदीयैः सकलभावैः विमुक्ता’ અન્ય સકળ ભાવોથી રહિત ‘स्वयम् इयम् अनुभूतिः’ પોતે જ આ અનુભૂતિ ‘झटिति आविर्बभूव’ તત્કાળ પ્રગટ થઈ ગઈ. સિદ્ધાંત સમજવા દ્રષ્ટાંત વેગથી પ્રવૃત્તિને પામે નહિ એટલે કે ઉપયોગ દ્રષ્ટાંતને સમજવામાં જોડાય તે પહેલાં જ તત્કાળ સકલ પરભાવોથી રહિત પોતે જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. અર્થાત્ બીજી રીતે કહીએ તો, “આ પરભાવના ત્યાગનાં દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે એટલે કે સમયાંતર આંતરો પડયા વિના, અત્યંત વેગથી આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. પ્રથમ મિથ્યાત્વનો વ્યય થયો અને પછી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી, પણ સ્વભાવ તરફ વળ્યો ત્યાં તો અન્યભાવોથી રહિત અનુભૂતિ થઈ ગઈ. જેમ કોઈ માણસ આવે તે જ વખતે કામ પુરું થાય. ત્યાં એમ કહેવાય કે, ‘તમે ન આવ્યા ત્યાર પહેલાં તો આ કામ થઈ ગયું.’ ખરેખર તો આવ્યો છે ને કામ થયું છે. બન્ને સાથે છે. પહેલાં પછી નથી. તેમ અહીં પણ પહેલાં-પછી નથી. પણ પહેલાં પછીની વાત કરી સમજાવેલ છે. પણ પરભાવનાં ત્યાગની દ્રષ્ટિ પહેલાં પરભાવથી રહિત અનુભૂતિ થઈ એમ નથી. પરભાવોનાં ત્યાગની દ્રષ્ટિ એટલે જ્ઞાયકસ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જ પરભાવરહિત આત્માની અનુભૂતિ થઈ ગઈ છે. બન્ને સાથે જ છે, કાળભેદ નથી. દ્રષ્ટાંતમાં પહેલાં પછી કહેવાય. પણ ત્યાં તે પ્રમાણે કાળભેદ ન સમજવો.”
દયા, દાન, વ્રત, ભક્તિ આદિ લાખ ક્રિયાઓ કરે પણ એ બધો વિકલ્પ છે, એ બંધનું લક્ષણ છે. ભગવાન આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. રાગનો વિકલ્પ આકુળતામય છે અને બંધનું લક્ષણ છે. નિરાકુળ જ્ઞાનસ્વભાવી આત્માનો એ ભાવ નથી આટલું સાંભળતાં આ રાગ પરભાવ છે એવો પર (રાગ) તરફનો વિકલ્પ ઊઠે તે પહેલાં જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈ ગયું અને નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. હું અનાકુળ ચિદ્ઘન જ્ઞાનાનંદસ્વરૂપ છું એવું જ્યાં દ્રષ્ટિમાં જોર આવ્યું ત્યાં તત્કાળ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ, ભગવાન આત્માના આનંદનો પ્રત્યક્ષ સ્વાદ આવ્યો.
આચાર્ય ભગવાન, પારકા વસ્ત્રની જેમ આ રાગાદિ પરભાવ છે એટલું જ્યાં સમજાવે ત્યાં આત્માનો નિર્ણય થઈ ગયો. અન્યભાવોથી રહિત સાક્ષાત્ અનુભૂતિ પોતે જ પ્રગટ થઈ ગઈ; દ્રષ્ટાંત સમજવાની પણ પછી એને જરૂર ન રહી.
લોકો કહે છે કે વ્યવહારથી લાભ થાય એમ કહો, કેમ કે ભગવાન જિનેન્દ્રદેવે બે નયથી વસ્તુની પ્રરૂપણા કરી છે. બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની તેમની પદ્ધતિ છે.