ગાથા ૩પ ] [ ૧૮પ નિયમસારમાં આવે છે કે-હું તે વાણીને વંદું છું કે જે બે નયોથી વસ્તુને કહે છે. (બે નયોને ગ્રહણ કરવાનું કહે છે.)
બે નયો છે, બે નયોના બે વિષયો પણ છે અને શાસ્ત્રોમાં કથન પણ બે નયથી આવે છે. પરંતુ તેમાંથી એક નય (આશ્રયની અપેક્ષા) હેય છે અને એક નય (આશ્રયની અપેક્ષા) ઉપાદેય છે. બન્ને નય પરસ્પર વિરુદ્ધ છે. દ્રવ્યનયથી પર્યાયનય અને પર્યાયનયથી દ્રવ્યનય વિરુદ્ધ છે. નિશ્ચયનયથી વ્યવહારનય અને વ્યવહારનયથી નિશ્ચયનય પરસ્પર વિરુદ્ધ છે. બેમાંથી નિશ્ચયનય એક આશ્રય કરવા યોગ્ય છે, જ્યારે વ્યવહારનય હેયપણે જાણવા લાયક છે. આ રીતે બે નય પરસ્પર વિરુદ્ધ છે છતાં વ્યવહારથી નિશ્ચય માને તો બે નય કયાં માન્યા? ભાઈ! વાદવિવાદથી પાર આવે એવું નથી. વસ્તુસ્વરૂપ જ આવું છે.
અહીં કહે છે કે વ્યવહારનયનો વિષય રાગ છે-પર્યાય છે અને અભેદ નિર્વિકલ્પ ધ્રુવ વસ્તુ છે તે નિશ્ચયનયનો વિષય છે. એમ બે નયોના બે વિષયો છે એવા વિચારમાં વિકલ્પની પ્રવૃત્તિમાં જોડાયો નહિ ત્યાં તો આ બાજુ નિશ્ચયસ્વરૂપમાં ઢળતાં જ આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો.
બીજી વાત કળશટીકામાં આવે છે કે-જે કાળે જીવના મોહરાગદ્વેષરૂપ અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે અશુદ્ધતા છૂટે અને પછી શુદ્ધતા થાય કે શુદ્ધતા થાય અને પછી અશુદ્ધતા છૂટે એમ નથી. જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન અને એક જ સ્વાદ છે.
અહાહા! આ અશુદ્ધપણું છે અને આ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એવો જે વિકલ્પ તે ઊઠે નહિ ત્યાં તો આ બાજુ અંદર શુદ્ધમાં ઢળી જાય છે અને શુદ્ધ આનંદનો અનુભવ થાય છે; એ જ કાળે અશુદ્ધ પરિણામનો વ્યય થાય છે. અશુદ્ધ પરિણામનો વ્યય અને શુદ્ધ આનંદનો અનુભવ એક જ કાળે-સમકાળે છે. આ તો ઠેઠ મૂળની વાત છે. આત્મા આનંદના સ્વાદને તત્કાળ પામ્યો એટલે કે આ રાગ પર છે અને આ (આત્મા) સ્વ છે એવી પ્રવૃત્તિ થવા પહેલાં તત્કાળ આનંદના સ્વાદને પામ્યો. અહાહા! રાગથી-વિકલ્પથી ખસીને અંદર ઢળી જવું એ જ સત્ય પુરુષાર્થ છે.
(એક પ્રકાર એવો પણ હોય છે કે) પર્યાય તરફના વિકલ્પ આદિ હોય છે. બેના ભેદનો વિકલ્પ પણ ઊઠે છે. કળશટીકામાં આ પણ કહ્યું છે કે આવું પ્રથમ વિકલ્પરૂપ ભેદજ્ઞાન આવે છે. ‘રાગ જુદો અને હું જુદો’ એ વિકલ્પ ત્યાં હોય છે. પણ અહીં તો