૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ કહે છે કે-‘આ હું નહીં અને આ હું’ એવો વિકલ્પ ઊઠે તે પહેલાં તો અંતરમાં ઢળી ગયો અને અનુભૂતિ પ્રગટ કરી લીધી. વસ્તુ તો વસ્તુ છે, પણ વસ્તુનો આશ્રય લઈ અનુભૂતિ પ્રગટ કરી લીધી. રાગ પર છે માટે ભિન્ન છે એવું લક્ષ પણ ન રહ્યું અને અનુભૂતિ પ્રગટ થઈ એને પ્રત્યાખ્યાન કહે છે. અહીં તો પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજાવવું છે ને? વાત શરૂથી અનુભૂતિથી ઉપાડી છે. જ્યારે જ્યારે આચાર્યોએ પ્રત્યાખ્યાન કે ચારિત્રની વાત કરી છે ત્યારે પહેલેથી અનુભૂતિથી જ વાત કરી છે. સમયસારમાં પાછળ ૪૯ ભંગ આવે છે તેમાં પણ અનુભવથી જ ઉપાડયું છે.
વિકલ્પથી-રાગથી કયારે શૂન્ય થવાય? કે જ્યારે અસ્તિ મહાપ્રભુ છે તેના ઉપર દ્રષ્ટિ પડે ત્યારે. નિર્વિકલ્પસ્વરૂપ અસ્તિત્વ ઉપર દ્રષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે. પોતાનું અસ્તિત્વ કેટલું, કેવું એ વાતની ખબર ન હોય તો વિકલ્પથી શૂન્ય કેમ થવાય? ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો નીચેના પગથિયા ઉપરથી પગ ઉપાડી શકાય. પણ જો ઉપર પગ મૂકયા વિના નીચેનો પગ ઉપાડે તો નીચે પડે. તેમ ભગવાન આત્મા જે મહાઅસ્તિરૂપ છે તેની ઉપર દ્રષ્ટિ પડતાં ‘આ રાગ નથી’ તેવા નાસ્તિના પણ વિકલ્પની જરૂર નથી (ત્યારે પોતે વિકલ્પથી શૂન્ય-વિકલ્પરહિત થઈ જાય છે), કેમકે સ્વયં નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે.
વસ્તુ આવી છે, ભાઈ! ગાથા ૩૮ માં આવે છે કે-પોતાના પરમેશ્વરને, મૂઠીમાં રાખેલું સુવર્ણ કોઈ ભૂલી ગયો હોય તે ફરીને યાદ કરીને સુવર્ણને દેખે એ ન્યાયે તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને તે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો. રાગ પરનો છે એ લક્ષ ત્યાં રહેતું નથી. બેપણું જ્યાં ન થાય ત્યાં એકપણામાં આવી ગયો છે. અહાહા! આ શુભભાવ છે એ મારામાં નથી એવા વિકલ્પને પણ ત્યાં અવકાશ નથી. પ્રભુ! તારી પરમેશ્વરતા એટલી મોટી છે કે એના અનુભવ માટે પરનું લક્ષ કરીને અનુભવ થાય એવો તું નથી. આ રાગ ભિન્ન છે એવું લક્ષ કરીને ભિન્ન પડે એવું નથી એમ કહે છે.
‘स्वयम् इयम्’ એમ શબ્દ પડયો છે ને? એટલે કે આ અનુભૂતિ પરના ત્યાગની અપેક્ષા વિના પોતે જ પ્રગટ થઈ ગઈ. તેને પરના ત્યાગની અપેક્ષા નથી. ગાથા ૩૪ માં એ વાત આવી ગઈ છે કે પોતાને રાગના ત્યાગનું ર્ક્તાપણું એ નામમાત્ર કથન છે, પરમાર્થ નથી. રાગના કરવાપણાની વાત તો દૂર રહી, રાગનો નાશનો ર્ક્તા પણ નામમાત્ર છે, વ્યવહારમાત્ર છે, વસ્તુમાં નથી. અહો! વસ્તુને રજુ કરનારી આચાર્યની કોઈ ગજબ શૈલી છે!
આ પરભાવના ત્યાગનું જે દ્રષ્ટાંત કહ્યું એના પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તત્કાળ થઈ ગયું. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ