ગાથા ૩૬ ] [ ૧૯૧
જ્ઞાનદર્શનઉપયોગસ્વરૂપ છું. જેમ કર્મ ભાવકરૂપે થાય છે તો મોહ રચાય છે તેમ હું જ્ઞાનદર્શનઉપયોગસ્વભાવી તત્ત્વ છું, જેથી મારી પર્યાયમાં જ્ઞાનદર્શનશક્તિની વ્યક્તતા થાય; એ વ્યક્તતારૂપ ઉપયોગ તે મારી ચીજ છે પરંતુ મોહ એ મારી ચીજ નથી. કર્મના નિમિત્તે થતા રાગદ્વેષના પરિણામ જે ઉપયોગમાં ઝળકે છે તે હું નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવ શુદ્ધચૈતન્યઉપયોગસ્વભાવી વસ્તુનું વિકારરૂપ ભાવ્યપણે થવું અશકય છે.
હું તો ચૈતન્યશક્તિસ્વભાવવાળું તત્ત્વ છું. તેથી મારો જે વિકાસ થાય એ પણ જાણવા-દેખવાના પરિણામરૂપે જ થાય છે. ભાવકકર્મના નિમિત્તે જે વિકાર થાય એ મારો વિકાસ નહિ. પર્યાયમાં પણ વિકાર ન થાય એવું મારું સ્વરૂપ છે. શક્તિરૂપે તો આત્મા જ્ઞાયક છે જ. પરંતુ તેથી વ્યક્તતા અને પ્રગટતા થાય તે પણ જ્ઞાનદર્શનઉપયોગસ્વરૂપે જ થાય. રાગ-દ્વેષના વિકારરૂપે થવું એવી શક્તિ તો નથી પણ તેવી પર્યાયની વ્યક્તતા- પ્રગટતા થાય એ પણ નથી. અહાહા! જીવ અધિકારની છેલ્લી ગાથાઓ છે ને? તેથી જીવથી અજીવને તદ્ન જુદો પાડે છે. ચૈતન્યશક્તિની પ્રગટતાનું વિકારરૂપ થવું અશકય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગસ્વરૂપ છે, અને તેની વ્યક્તતા-પ્રગટતા જાણવા-દેખવારૂપે જ હોય છે. એની શક્તિમાંથી વિકારના પરિણામ પ્રગટે એ અશકય છે. આવો ભગવાન આત્મા જેની નિરંતર શાશ્વતી સંપદા છે તે, ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડે અર્થાત્ જાણવા-દેખવાના સ્વભાવભાવ વડે જાણે છે કે-હું એક છું. જાણવા-દેખવાના સ્વભાવે હું એક છું. જુઓ, આમાં પ્રભુત્વશક્તિ લીધી છે. આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે જે વડે તે અખંડ પ્રતાપ વડે સ્વતંત્રપણે શોભાયમાન છે. આવા આત્માની વિશ્વને પ્રકાશવામાં ચતુર, વિકાસરૂપ, નિરંતર શાશ્વતી સંપદા છે. આ બાહ્ય મકાન-કુટુંબ આદિ સંપદા આત્માની નથી, એ તો જડ છે. અહીં કહે છે કે ભગવાન આત્મા ચૈતન્યશક્તિના સ્વભાવ-સામાર્થ્ય વડે એમ જાણે છે કે પરમાર્થે હું એક છું. રાગ અને હું એમ બે થઈને એક છું એમ નહિ, પણ રાગથી ભિન્ન હું તો ચૈતન્યશક્તિમાત્ર એક છું.
તેથી જો કે મારો ચૈતન્યસ્વભાવ અને જગતનાં બીજાં દ્રવ્યો એક ક્ષેત્રે રહે છે તોપણ ભિન્નભિન્ન છે. પરસ્પર સાધારણ અવગાહનું નિવારણ કરવું અશકય હોવાથી એક જ ક્ષેત્રે હોવા છતાં આત્મા અને જડ, શિખંડની જેમ, ભિન્ન છે. શિખંડમાં જેમ ખટાશ અને મીઠાશ એક ક્ષેત્રમાં રહેલી છે છતાં ખટાશ અને મીઠાશનો સ્વાદ તદ્ન ભિન્ન છે તેમ આત્મા અને જડ એકમેક (જેવા) થઈ રહ્યા છે તોપણ સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદભેદને લીધે ભિન્ન છે. ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદરૂપ અને કર્મના ફળનો-રાગનો સ્વાદ દુઃખરૂપ છે. એમ બન્ને ભિન્નભિન્ન છે.
ભગવાન આત્મા અનાકુળ આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તેની અનાકુળ આનંદના વેદનવાળી જે પર્યાય પ્રગટ થાય છે તેનો સ્વાદ રાગના સ્વાદથી તદ્ન જુદો છે.