૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ અને અનંત જ્ઞાન (પ્રતિસમય) વહ્યા કરે તોપણ કદીય ખૂટે નહિ એવી (અવ્યય) શાશ્વત નિધિ છીએ. અરે! આવડો અને આવો આત્મા છે એમ એને પ્રતીતિમાં આવતું નથી. કારણ કે હું પૈસાવાળો, બંગલાવાળો, કુટુંબવાળો, રાગવાળો, પુણ્યવાળો છું એમ આત્માને પામર તરીકે માન્યો છે. પરંતુ હું તો જગતમાં એક અનંત અનંત ગુણોના સામર્થ્યથી ભરેલું મહાનિધાન આત્મા છું એમ ધર્મીને પરિણતિ પોકાર કરે છે. વસ્તુ તો વસ્તુ જ છે. પણ એને જાણે કોણ? જ્ઞાનીની પરિણતિ જાણે છે કે હું આવો મહાનિધિ છું.
‘મોહ’ પદ બદલીને માન, માયા, લોભ લેવાં. તે બધાં ભાવક કર્મનાં ભાવ્ય છે. એ બધાં જ્ઞાયકનાં સ્વરૂપ નથી. એ મારાં-જ્ઞાયકનાં નથી. શરીર, વાણી, મન અને પાંચ ઇન્દ્રિયો મારાં નથી. આમ સોળ પદ જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં, અને બીજાં પણ વિચારવાં. અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ છે તે બધાય લેવા. એ બધાય જે વિભાવભાવ છે તે હું નથી, કેમકે એ બધા ભાવક-કર્મના ભાવ છે, જ્ઞાયકના ભાવ નથી અને હું તો એક જ્ઞાયકમાત્ર જ છું.