Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 486 of 4199

 

ગાથા ૩૭ ] [ ૨૦પ ઉપર જોડી દે કે જે તું જ છે. જે તું નથી એ પરજ્ઞેયોથી દ્રષ્ટિ હઠાવી લે-એમ અહીં કહે છે. હવે કહે છે-વળી હું સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા છું. નિત્ય ઉપયુક્ત એટલે નિત્ય જાણવા- દેખવાના ઉપયોગવાળો, નિત્ય જ્ઞાનના ઉપયોગના વેપારવાળો છું. પરમાર્થે એક છું એટલે જ્ઞાનમાં એકરૂપ છું, જેમાં ભેદ નથી એવો એક અનાકુળ શાંતરસનો કંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનું ઢીમ હું છું. મારા આનંદ માટે નિમિત્તની અપેક્ષા મને નથી, કેમ કે નિમિત્તમાં મારો આનંદ નથી. તેવી જ રીતે મારા જ્ઞાનપ્રકાશને માટે નિમિત્તની જરૂર નથી, કેમ કે મારો જ્ઞાનપ્રકાશ એમાં નથી. ભગવાન સમોસરણમાં સાક્ષાત્ બિરાજતા હોય અને તેમની વાણી છૂટે એનું જ્ઞાન મને થાય તે મારા વડે મારાથી થાય છે અને તેનાથી હું અનાકુળ આનંદને વેદું છું. પરંતુ એ પરને લઈને મને જ્ઞાન થાય અને પરના કારણે મને આનંદ થાય એમ નથી; કારણ કે મારું જ્ઞાન અને મારો આનંદ ત્યાં પરમાં છે જ નહિ.

ભાઈ! ચૈતન્યની સ્વપરપ્રકાશક જ્ઞાનની સત્તાના સામર્થ્યને જેણે જાણ્યું નથી, જેણે અનુભવમાં તેની સત્તાનો સ્વીકાર કર્યો નથી તેને ધર્મ કયાંથી થાય? અહીં કહે છે કે પોતાથી જ નિત્યઉપયોગમય અને પરમાર્થે એક અનાકુળ એવા આત્માને પોતાની જ્ઞાન-પરિણતિમાં અનુભવતો, અનાકુળ આનંદને વેદતો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. ખરેખર એક જ્ઞાયકભાવસ્વરૂપે અનાકુળ આનંદને વેદતો હું એક છું. નિશ્ચયથી એક હોવાથી પર્યાયના ભેદો પણ મારામાં નથી.

જિનેશ્વરદેવનો માર્ગ ભાઈ! બહુ સૂક્ષ્મ અને અપૂર્વ છે. સર્પને પકડવા મોટા સાણસા હોય પણ મોતીને પકડવા એ સાણસા શું કામ આવે? (ના). તેમ ભગવાન આત્માને પકડવામાં સ્થૂળ વિકલ્પ કામ ન આવે. એ તો નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદથી પકડાય એમ છે. આવાં નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદ જેને પ્રગટ છે તે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની આત્માને એમ અનુભવે છે કે-હું તો એક છું. હું એક જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ છું અને આ શરીર, વાણી, મન, દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધાં પરજ્ઞેય છે. તે મારી ચીજ નથી કે મારામાં નથી. તે મારા કારણે નથી અને હું તેના કારણે નથી. હું જ્ઞાયક છું અને તે જ્ઞેય છે એવો માત્ર જ્ઞેયજ્ઞાયકભાવ છે.

તે જ્ઞેયજ્ઞાયકભાવમાત્રથી પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) થયું હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ભિન્નતા છે. શિખંડમાં જેમ મીઠો અને ખાટો સ્વાદ બે ભેગા હોવા છતાં પણ, મીઠો સ્વાદ ખાટાથી જુદો જણાય છે તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ભગવાન આત્માનો સ્વાદ પરના સ્વાદથી જુદો જણાય છે. આવું જાણે અને શ્રદ્ધે ત્યારે આત્માને જાણ્યો-માન્યો-અનુભવ્યો એમ કહેવાય છે. આ સમ્યગ્દર્શન અને ધર્મની રીત છે. આ મૂળ વાતને મૂકીને મહાવ્રત લીધાં, બ્રહ્મચર્ય પાળ્‌યાં, કેશલોચ