૨૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ પ્રત્યે નિર્મમ છું. આ ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પ્રતિ નિર્મમ છું. તીર્થંકર મારા નથી, દેવ મારા નથી, ગુરુ અને શાસ્ત્ર મારાં નથી. એ તો શુભભાવ હોય છે ત્યારે તેમના પ્રતિ લક્ષ જાય છે. પણ શુભભાવ કાંઈ તે પરને લઈને થાય છે તથા એ શુભભાવ થયો માટે ધર્મ છે એમ નથી. એ શુભભાવ અને બધી પરવસ્તુ પરજ્ઞેયમાં જાય છે. તે પરજ્ઞેયને હું મારા જ્ઞાનમાં રહીને, મારા અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદતો થકો, મારાથી જુદા જાણું છું. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. સમ્યગ્દ્રષ્ટિને જેવું સ્વરૂપ છે તેવી તેની પ્રતીતિ થઈ છે. જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા સિવાયના પરજ્ઞેયો તેમના બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અને હું અંતરંગતત્ત્વ છું જે મારા અનુભવમાં આનંદને જાણતો થકો પરને ભિન્ન જાણું છું. માટે હું એ સર્વ પરજ્ઞેયો પ્રતિ નિર્મમ છું- આવું જ્ઞાની જાણે છે.
જ્યારે અજ્ઞાની મારી પત્ની, મારા દીકરા, મારું મકાન-એમ માને છે. પણ ભાઈ! આ દેહ તારો નથી તો વળી મકાન આદિ તારાં કયાંથી આવ્યાં? અરે! અંદર જે રાગ છે તે પણ તારો નથી તો પછી પરચીજ તારી કયાંથી આવી? જ્ઞાની એમ જાણે છે કે હું તો જ્ઞાન-આનંદનો અનુભવનારો છું. રાગનો અનુભવનારો તે હું નહિ. અહો! શું અદ્ભુત ટીકા છે! એકલાં અમૃત રેડયાં છે! અહીં એમ કહે છે કે-ધર્મી એને કહીએ જે પોતાના જ્ઞાન-આનંદરૂપે પોતાથી જ (સ્વયમેવ) પરિણમે. એમાં પર સંબંધી જ્ઞાન આવે પણ એ પર સંબંધી જ્ઞાન કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો એ પોતાનું જ્ઞાન છે. ૪૭ શક્તિઓમાં એક સર્વજ્ઞત્વશક્તિ છે. એનું વર્ણન કરતાં ‘આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ’ એમ કહ્યું છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણે એમ નહિ. પણ સર્વનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન છે. સર્વજ્ઞતાનો સ્વભાવ પોતાનો છે અને તે આત્મજ્ઞપણું છે. તેથી જ્ઞાની કહે છે કે-હું જે અત્યારે જાણું છું એ જાણવું મારાથી મારામાં થયેલું છે, પરજ્ઞેયને લઈને થયું નથી. અને તેથી અતીન્દ્રિય આનંદને વેદતો એકલો હું પરથી ભિન્ન છું, નિર્મમ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી આત્મપદાર્થ એવો ને એવો જ સ્થિત રહે છે. એટલે જાણવાના સ્વભાવમાં જ સ્થિત રહે છે. પોતાના સ્વભાવને કોઈ પદાર્થ છોડતું નથી.
આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું. આત્મા પરજ્ઞેયોથી ભિન્ન થયો.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इति सर्वैः अन्यभावैः सह विविके सति’-આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થતાં-એટલે શું કહ્યું? કે આ આત્મા જે છે તે આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. તે પુણ્ય-પાપ તથા રાગ-દ્વેષના વિકારી ભાવથી ભિન્ન છે. હવે અનાદિથી જીવ રખડવાનું તો કરી