૨૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ છે, પર છે. એ રાગાદિ ભાવથી અને પરજ્ઞેયોથી ભેદ કરીને નિર્વિકાર ઉપયોગ અંદર સ્વજ્ઞેય એક જ્ઞાયકમાત્રમાં જામી જાય છે ત્યારે ઉપયોગ આત્મારૂપ થયો એમ કહેવાય છે. ત્યારે આત્માનો ધર્મ પ્રગટ થાય છે.
પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે-શું કહે છે? કે ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ છે. જ્યારે ઉપયોગ અંદર જ્ઞાયકમાં લીન કર્યો ત્યારે શક્તિમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ થઈ ગઈ. રાગાદિ વિકાર અને પરજ્ઞેયોથી ભેદ કરીને, ઉપયોગ જ્ઞાન, દર્શન, આનંદ આદિ જે વસ્તુમાં સામર્થ્યપણે છે એમાં જામ્યો ત્યાં શક્તિમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન પર્યાયમાં થઈ ગયું. આવો વીતરાગનો માર્ગ છે, ભાઈ! એણે કોઈ દિવસ સાંભળ્યો નથી. કહે છે કે-ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે. તેને જિનેશ્વરદેવ કેવળજ્ઞાની પરમેશ્વરે આત્મા તરીકે જોયો છે. તે આત્મા રાગ અને પરજ્ઞેયોથી ભિન્ન છે. તે રાગથી ભિન્ન નિર્વિકારી છે અને પરજ્ઞેયથી ભિન્ન સ્વજ્ઞેયરૂપ છે. આ આખરની ગાથા છે ને? પર્યાયમાં થતો રાગ મારો અને પરજ્ઞેયો મારા એવી જે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ હતી તે હવે ગુલાંટ ખાય છે એમ કહે છે. શુદ્ધચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પરમાનંદનો નાથ પ્રભુ તે હું છું એમ ઉપયોગ અંતર્લીન થઈ અંદર જામતાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ-પર્યાય પ્રગટ થાય છે.
આ પ્રમાણે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ પ્રગટ કરી છે એવો ‘आत्माराम एव प्रवृत्तः’ જ્ઞાની પોતાનો આત્મારૂપી જે બાગ છે તેમાં જ પ્રવૃત્તિ કરે છે. આ ભેદથી વાત કરી છે. ખરેખર તો તે ઉપયોગ આત્મારૂપ થઈ જાય છે. રાગ, દયા, દાનના તથા હિંસાદિના પરિણામ મારા એમ જે માનતો હતો અને પરજ્ઞેયોમાં હું છું અને તે મને લાભકારી છે એવું જે માનતો હતો તે માન્યતાથી અને રાગાદિથી ભિન્ન પડી હવે ઉપયોગ આત્મામાં જાય છે, ક્રીડા કરે છે અને આત્મારૂપ થઈ જાય છે. અહાહા! આ તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જેણે જાણ્યાં છે એ વીતરાગ પરમાત્મા અરિહંતદેવની વાણી છે. ભાઈ! જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે. કહે છે કે તું આત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ છે. તેનો ઉપયોગ-વ્યાપાર રાગ અને પરજ્ઞેયમાં જાય તે વ્યભિચાર છે. અને તે ઉપયોગ પરથી ખસીને સ્વમાં જામે એ અવ્યભિચારી પરિણામ છે. આવી ઝીણી વાત છે. તે સમજે નહિ અને જાત્રા કરે, પૂજા કરે, દાન કરે અને માને ધર્મ થઈ ગયો, પણ એમાં તો ધૂળેય ધર્મ નથી. સાંભળ ને, એ તો ઝેરનું પગથિયું છે. અમૃતનું પગથિયું તો રાગ અને પરજ્ઞેયથી ભિન્ન પડી સ્વમાં એકાકાર થવું તે છે.
અરેરે! વીતરાગના માર્ગને સમજવાની દરકાર પણ કરી નહિ અને એમ ને એમ ઢોરની જેમ મજુરી કરીને, મરીને ચાલ્યો જાય છે. અહીં કહે છે કે ભગવાન આત્માનો ઉપયોગ અર્થાત્ જાણવા દેખવાનો ભાવ વિકારભાવથી ભિન્ન છે અને જેને પોતાના માનતો