ગાથા ૩૭ ] [ ૨૧૧ હતો તે પરજ્ઞેયથી પણ ભિન્ન છે. હવે તે આવો વિવેક-ભેદજ્ઞાન કરીને ગુલાંટ ખાય છે કે વિકાર અને પરજ્ઞેય તે હું નહિ, હું તો નિર્વિકારી સ્વજ્ઞેય છું. આમ ભેદજ્ઞાન કરી જ્ઞાની પોતાના આત્મારૂપી ક્રીડાવનમાં પ્રવૃત્તિ કરે છે. આ તો વ્યવહારથી ભેદ પાડીને સમજાવ્યું છે. ખરેખર તો ઉપયોગ આત્મરૂપ જ થઈ જાય છે. ઉપયોગ આત્મામાં જ ક્રીડા કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. એટલે કે જાણવા-દેખવાના સ્વરૂપમાં એકાકાર થયો તેથી હવે રાગ અને પરમાં જતો નથી. અર્થાત્ ‘રાગ અને પર મારાં છે’ એમ માન્યતા સહિત ઉપયોગ મલિન થતો નથી. આનું નામ આત્મા જાણ્યો એમ કહેવામાં આવે છે.
પોતાને જે રાગરૂપ અને પરજ્ઞેયરૂપ માને છે તથા આ સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન- દોલત, મહેલ, હજીરા ઇત્યાદિ પોતાના માને છે તેનું આખું જીવન જ મરી ગયું છે. અંદરમાં જેણે વિકારને અને પરને પોતાનાં માન્યાં છે તે આત્માના ભાન વિના મરી ગયેલો જ છે. ભગવાન આનંદનો નાથ જીવતી ચૈતન્યજ્યોતિ છે. તેના જીવને જીવિત ન રાખતાં રાગ અને પર મારાં છે એમ માનીને તેણે પોતાના જીવનની હિંસા કરી છે. આવો જિનેશ્વરદેવનો વીતરાગ માર્ગ સાંભળવા મળવો ય મુશ્કેલ છે. પછી તેની સમજણ કરી સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવાં એ તો અતિ અતિ મહામુશ્કેલ છે. આ તો જન્મ-મરણ મટાડવાનો માર્ગ છે. સો ઇન્દ્રોથી પૂજિત ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. તેને છોડીને જે બીજે જ્યાં-ત્યાં આથડે છે તે પાખંડમાં રમે છે.
સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી અર્થાત્ જ્ઞેય એવા પરદ્રવ્યોથી અને ભાવકના ભાવથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો. અહાહા! હું તો ચૈતન્યસૂર્ય ભગવાન ચૈતન્યના તેજના નૂરનું પૂર છું અને આ રાગાદિ ભાવો અને પરજ્ઞેયો મારાથી ભિન્ન છે, મારામાં નથી આવું જ્યારે ભેદજ્ઞાન કર્યું ત્યારે ઉપયોગ એક આત્મામાં જ લીન થયો અને જામી ગયો. કેમકે તેને રમવાને આત્મા સિવાય કોઈ અન્ય સ્થાન રહ્યું નહિ. આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મા આત્મામાં જ રમણતા કરે છે. અહાહા! ટૂંકામાં પણ કેટલું ભર્યું છે?