૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ નાથ, અખંડાનંદસ્વરૂપ ચૈતન્યનો ડુંગર છે એમાં જાય તો સાચી જાત્રા છે. એ ધર્મની રીત છે.
પ્રશ્નઃ– ‘સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં....’ એમ પાઠમાં નિમિત્ત કહ્યું છે ને?
ઉત્તરઃ– નિમિત્ત કહ્યું છે એની કોણ ના પાડે છે? પણ એનો અર્થ શું? સ્પર્શાદિ નિમિત્ત છે એટલું જ માત્ર. સ્પર્શાદિ નિમિત્તથી સંવેદન (જ્ઞાન) થાય છે એમ નથી. જ્ઞાનરૂપે પરિણમવાની મૂળશક્તિ તો મારી પોતાની છે. હું સંવેદનરૂપે પરિણમ્યો છું એ મારા શુદ્ધ ઉપાદાનથી છે, નિમિત્તથી નહિ. સ્પર્શાદિ નિમિત્તથી હું જ્ઞાનરૂપે પરિણમું છું એમ તો નથી પણ સ્પર્શાદિ નિમિત્તની હયાતી છે તેના કારણે મને જ્ઞાનરૂપ પરિણમન છે એમ પણ નથી. તથા સ્પર્શાદિનું જ્ઞાન થતાં જ્ઞાન સ્પર્શાદિરૂપ થઈ જાય છે એમ પણ નથી. સંવેદન (જ્ઞાન) તો મને મારાથી થયું છે અને એ મારું છે, સ્પર્શાદિનું નથી તેથી હું પરમાર્થે સદાય અરૂપી છું. કોઈ એમ કહે કે સંસાર અવસ્થામાં જીવ રૂપી છે. કેમકે કર્મ જે રૂપી છે એનો જીવને સંબંધ છે માટે તે રૂપી છે. પણ એ વાત બરાબર નથી. નિમિત્તની અપેક્ષાએ રૂપી કહ્યો છે (ઉપચારથી). ખરેખર તો જીવ સદાય અરૂપી જ છે.
હવે કહે છે-‘આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો.’ અહીં જ્ઞાની એમ જાણે છે કે-સર્વથી ભિન્ન એટલે રાગાદિ અને પરજ્ઞેયોથી ભિન્ન એવા નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. મારી સત્તા પ્રતાપવંત છે, સ્વતંત્રપણે શોભાયમાન છે. મારા પ્રતાપને કોઈ ખંડિત કરે અને સ્વતંત્રતાની શોભાને કોઈ લૂંટે એવી જગતમાં કોઈ ચીજ નથી. ‘આ હું પ્રતાપવંત રહ્યો’-એમાં ‘આ’ કહીને આત્મવસ્તુનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે. મારા પ્રતાપથી હું સ્વસંવેદનમાં આવ્યો છું, નિમિત્તના પ્રતાપથી કે અન્યથી નહિ.
‘એમ પ્રતાપવંત વર્તતા મને, જોકે (મારી) બહાર અનેક અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે, તોપણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી.’ અહાહા! ધર્મી જીવ એમ જાણે છે કે-હું નિજસ્વરૂપને અનુભવતો થકો સ્વતંત્રપણે શોભાયમાન છું. અને જગતના સમસ્ત પરદ્રવ્યો-પુદ્ગલાદિ પદાર્થો અને રાગાદિ આસ્રવો પોતાના સ્વરૂપની સંપદાથી પ્રગટ છે, હયાત છે. પરંતુ એ સમસ્ત પર દ્રવ્યો-અનંત પુદ્ગલ રજકણો, અનંત આત્માઓ અને રાગાદિ ભાવો મને મારાપણે ભાસતા નથી. પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ એટલે પુદ્ગલનો એક રજકણ કે રાગનો એક અંશ પણ મારો છે એમ મને ભાસતું નથી. જ્ઞાની એમ કહે છે કે-દયા, દાન, વ્રતાદિનો જે વિકલ્પ ઊઠે છે કે વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે મને મારાપણે ભાસતો નથી. અહાહા! આને આત્માને જાણ્યો કહેવાય અને આ ધર્મ છે.