ગાથા ૩૮ ] [ ૨૨૭ વ્યય કરી, પોતે જ્ઞાનનો સમુદ્ર પર્યાયમાં પ્રગટ થયો. જેવો ભગવાન આત્માનો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ અને અતીન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ છે, તેનો આશ્રય લેતાં વિભ્રમની ચાદર નાશ થઈ ગઈ, અને પોતે પર્યાયમાં (प्र+उन्मग्नः) વિશેષે ઉછળ્યો. વસ્તુ તો વસ્તુ છે ધ્રુવ. એ કાંઈ પ્રગટ થઈ એમ નથી. પરંતુ ધ્રુવની દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો નાશ થયો અને જેવું એનું શુદ્ધ સ્વરૂપ છે એવું પર્યાયમાં વિશેષે ઉછળ્યું અર્થાત્ શાંતિ અને અતીન્દ્રિય આનંદની નિર્મળ દશા પ્રગટ થઈ. અંદર પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય ભગવાન જ્ઞાન અને આનંદથી ભરેલો છે. તેની દ્રષ્ટિ થતાં વિભ્રમનો નાશ થયો અને તે પર્યાયમાં ઉછળ્યો, વિશેષે ઉછળ્યો, વિશેષે ઉછળ્યો એટલે ઉત્કૃષ્ટપણે પરિણમ્યો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયપણે પરિણમ્યો.
અહીં જીવ અધિકાર પૂરો થાય છે ને? જેવું સ્વરૂપ છે તેવું પ્રાપ્ત થતાં અધિકાર પૂરો થાય છે. લખાણમાં પૂરો થાય છે અને ભાવમાંય. તેથી કહે છે ‘प्रोन्मग्नः’ સર્વાંગ પ્રગટ થયો. અસંખ્ય પ્રદેશે જે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનું કેવળ સ્વરૂપ છે તેમાં દ્રષ્ટિની જમાવટ કરવાથી એ પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ થયું. વ્રત પાળવાથી, દયા, દાન કરવાથી કે ઉપવાસાદિ કરવાથી ભગવાન આત્મા પ્રગટ થયો એમ નથી લીધું. એ તો બધી રાગની ક્રિયા છે. અને રાગથી આત્મા (વીતરાગતા) પ્રગટે એ માન્યતા તો વિભ્રમ છે. એ વિભ્રમને મટાડી આ ચૈતન્યનો દરિયો જે શુદ્ધચેતનાસિંધુ ભગવાન છે એમાં દ્રષ્ટિ નિમગ્ન કરતાં તેમાં અતીન્દ્રિય આનંદની ભરતી સહિત ઉછળ્યો છે.
ચૈતન્યસિંધુ એટલે ચૈતન્યનું પાત્ર. ભગવાન આત્મા ચૈતન્યનું પાત્ર છે, એટલે એ રાગનું પાત્ર નથી. કહ્યું છે ને કે-‘શુદ્ધ ચેતનાસિંધુ હમારો રૂપ હૈ.’ એ તો શુદ્ધ ચૈતન્યનું પાત્ર છે. આવા ચૈતન્યસિંધુમાં દ્રષ્ટિ કરી તેનો ઉગ્ર આશ્રય કરતાં તે સર્વાંગ પ્રગટ થયો છે તેથી હવે ‘अमी समस्ताः लोकाः’ આ સમસ્ત લોક ‘शान्तरसे समम् एव मज्जन्तु’ તેના શાન્તરસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. અહાહા! આચાર્યદેવે સાગમટે નોતરું આપ્યું છે. કહે છે કે આ ચૈતન્યસિંધુ પ્રગટ થયો છે તેથી સમસ્ત લોક એટલે લોકના બધા જીવો તેમાં નિમગ્ન થાઓ. શ્રી અધ્યાત્મ તરંગિણીમાં ‘ભવ્ય જીવો’ લીધા છે. અભવ્ય જીવો આત્મસ્વરૂપ પામી શક્તા નથી એટલે તેમાં ભવ્ય જીવો જ લીધા છે.
અહાહા! શું સંતોની કરુણાની ધારા! કહે છે કે-ભગવાન! તું આનંદનું અને શાન્તરસનું પાત્ર છે. તું પૂર્ણ પ્રભુતાનું ધામ છે. જેમાં પૂર્ણ પ્રભુતા વસેલી છે એવું તું પાત્ર એટલે સ્થાન છે. ત્યાં નજર કરીને એમાં ઠરને પ્રભુ! લોકો બિચારા બહારના ક્રિયાકાંડમાં પડીને અજ્ઞાનમાં જિંદગી કાઢે છે. વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ વગેરે ક્રિયાકાંડના વિકલ્પ છે. એ આત્માના સ્વરૂપની ચીજ નથી. છતાં એ ક્રિયાકાંડ પાછળ જીવન વેડફી નાખે છે. તે લોકના પ્રત્યેક જીવને આહ્વાન આપી કહે છે-ભગવાન! તું એકલા જ્ઞાન,