૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ આનંદ અને શાન્તિનું ધામ છે. તું એ તારા ધામમાં આવી જા ને. પુણ્ય-પાપના સ્થાનમાંથી ખસી જઈને આ આનંદધામમાં આવી જા.
ભગવાન આત્મા શાન્તરસનો સમુદ્ર ચૈતન્યસિંધુ હવે પ્રગટ થયો છે. તેથી સમસ્ત લોક તેના શાન્તરસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. આચાર્ય કહે છે કે આ સમસ્ત ભવ્ય જીવો અતીન્દ્રિય આનંદગર્ભિત શાન્તરસમાં એટલે વીતરાગ-રસમાં એકી સાથે અત્યંત મગ્ન થાઓ. એકી સાથે એટલે એક પછી એક એમ નહિ પણ બધાય સાથે અત્યંત મગ્ન થાઓ-અત્યંત મગ્ન થાઓ એટલે એવા મગ્ન થાઓ કે એમાંથી બહાર નીકળવાનું થાય જ નહિ. અહાહા! જુઓ તો ખરા, કેવી રામબાણ વાણી છે! નહિ પામી શકે; થોડાક જ પામશે એવી વાત જ અહીં લીધી નથી. પોતે પામ્યા તો બધાય જીવો પામો, બધાય જીવો શાંતરસ-વીતરાગરસમાં મગ્ન થાઓ એમ મીઠો-મધુર સંદેશ આચાર્યદેવે આપ્યો છે. અભ્યાસ નથી એટલે આકરું લાગે, પણ વસ્તુસ્વરૂપ જ આવું છે. ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવે આ રીતે જ પૂર્ણદશા પ્રગટ કરી, લોકાલોકને જાણનારું કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. એમણે ઉપદેશ પણ આ જ કર્યો છે.
પ્રશ્નઃ– સમયસાર કળશ (૪) માં આવે છે કે જિનવાણીમાં રમવું. જિનવાણી તો બે નયોના આશ્રયે છે?
ઉત્તરઃ– શ્રી સમયસાર કળશ (૪)માં આવે છે કે જિનવાણીમાં રમવું. તેનો અર્થ કોઈ એમ કરે છે કે નિશ્ચય અને વ્યવહારમાં રમવું. અરે ભાઈ! એ બેમાં ન રમાય. કળશટીકામાં તેનો એવો અર્થ કર્યો છે કે-દિવ્યધ્વનિમાં કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરવી. ભગવાને શુદ્ધ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ જીવદ્રવ્યને ઉપાદેય કહ્યું છે. આદરવા લાયક તે છે એમ કહ્યું છે. રાગમાં રમવું એમ ત્યાં કહ્યું નથી. એ તો માત્ર જાણવા યોગ્ય કહ્યો છે.
ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ અનંત ગુણોનું એક પાત્ર છે. અનંત ગુણોથી ભરપૂર ભરેલો તે ભગવાન ઉપાદેય છે-એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. તે એક આદરણીય છે, તે એક સ્વીકાર કરવા લાયક છે, તે એક સત્કાર કરવા યોગ્ય છે. પ્રભુ! તું એની પૂજા કર, એની આરતી ઉતાર. તારા નિર્મળ પરિણામની ધારાથી એક એની ભક્તિ કર, એને ભજ.
આચાર્ય કહે છે કે-સમસ્ત લોક આ શાન્તરસમાં અત્યંત અત્યંત મગ્ન થાઓ, એવા મગ્ન થાઓ કે બહાર આવવું પડે નહિ. આ તો જીવ અધિકારની છેલ્લી ગાથા છે ને! કહે છે-શરીરને ન જો, કેમકે એ તો માટી છે, હાડકાનું પિંજર છે. અંદર રાગ છે એને પણ ન જો, કેમકે આત્મા કાંઈ રાગનું પાત્ર-સ્થાન નથી. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ’ છે. નિર્મળ પર્યાય પ્રગટ કરીને એ આત્માને જો, એમાં મગ્ન થા. આવો માર્ગ છે! જિનેશ્વરદેવ દિવ્યધ્વનિમાં આ કહેતા હતા અને સંતો ભગવાનના