ગાથા ૩૮ ] [ ૨૨૯ આડતિયા થઈને એ જ કહે છે. ભાઈ! આ કામ તો પોતે જ કરવાનું છે. પોતે સર્વાંગ પ્રગટ થયો છે એમ કહ્યું છે ને! દેવ-ગુરુ-શાસ્ત્ર આમાં કાંઈ મદદ કરતા નથી, કેમકે જે સ્વભાવ પ્રગટ કરવો છે તેનું પોતે જ પાત્ર છે, સ્થાન છે.
આત્મા અનંત વીતરાગી શાન્તિનો સમુદ્ર છે. આચાર્ય કહે છે કે તેને તું પર્યાયમાં પ્રગટ કર. તું પોતે જ વીતરાગી પરિણતિરૂપ મોક્ષમાર્ગ પ્રગટ કર. વ્યવહારથી કે નિમિત્તથી આ મોક્ષમાર્ગનું કાર્ય થતું નથી. ત્રણ કાળમાં એનાથી ન થાય. ખરેખર તો જે મોક્ષમાર્ગ પ્રગટ થયો એ એની જન્મક્ષણ છે. સ્વભાવનો સમુદ્ર ભગવાન પોતે-એની દ્રષ્ટિ-જ્ઞાન કરીને જે ચારિત્ર પ્રગટ કર્યું એ પર્યાયની ઉત્પત્તિની જન્મક્ષણ છે, એને બીજા કશાની અપેક્ષા નથી. વસ્તુના ક્રમબદ્ધ પરિણમનમાં પર્યાયનો જ્યારે આવો ક્રમ છે ત્યારે તે કાળે પોતે જ અર્ક્તાપણું પ્રગટ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થયો છે. વસ્તુની સ્થિતિ જ આવી છે.
હવે કહે છે-કેવો છે શાંતરસ? ‘आलोकम् उच्छलति’ સમસ્ત લોકપર્યંત ઉછળી રહ્યો છે. એટલે કે ઉત્કૃષ્ટપણે, પૂર્ણસ્વરૂપપણે ઉછળી રહ્યો છે. અથવા પૂર્ણ લોકાલોકને જાણે એ રીતે ઉછળી રહ્યો છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણથી ભરેલો શાન્તરસનો સમુદ્ર છે. એને ઉપાદેય કરી એમાં એકાગ્ર થતાં વિભ્રમનો નાશ થઈને શક્તિનો જે સંગ્રહ છે તે પર્યાયમાં બહાર આવ્યો છે. પૂનમને દિવસે જેમ દરિયો ભરતીમાં પૂરો ઉછળે છે તેમ આ પૂર્ણવસ્તુ પૂર્ણપણે ઉછળી રહી છે. અહાહા! આચાર્ય કહે છે શાંતરસ જેને ઉત્કૃષ્ટપણે ઉછળી રહ્યો છે એવા ભગવાન આત્મામાં હે ભવ્ય જીવો! તમે અત્યંત નિમગ્ન થાઓ જેથી શાંતપણું એટલે ચારિત્રની શાંતિની દશા અને અનંત આનંદરૂપ સુખની દશા-એવી ઉત્કૃષ્ટદશાપણે ભગવાન આત્મા પર્યાયમાં પરિણમી જશે. અહો! શું વાણી! શું સમયસાર!
મોક્ષમાર્ગ કે કેવળજ્ઞાનપણે આત્મા પરિણમી જાય એનું નામ જીવનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થયો એમ કહીએ. શુદ્ધપણે પરિણમે એને જ જીવ કહ્યો છે. વસ્તુ તો જીવપણે (ત્રિકાળ) છે, પણ (શુદ્ધપણે) પરિણમે ત્યારે તેને જીવ કહેવામાં આવે છે. કારણપરમાત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ એનો સ્વીકાર કરે ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. નિગોદની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો, આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ તો ત્રિકાળ શુદ્ધ એકરૂપ જ છે. પરંતુ હું આવો છું એમ જેને બેસે તેને એવો છે. જેણે આવા નિજસ્વરૂપથી વિમુખ થઈને, રાગને-વિકલ્પને પોતાનો સ્વીકાર્યો છે તેને એ આત્મા છે જ નહિ (કેમકે હું આવો છું એવું એને કયાં દેખાય છે?). છતી ચીજ પણ એને અછતી છે. અછતી જે રાગાદિ ચીજ તે અજ્ઞાનીને છતી દેખાય છે. એ રાગાદિનું લક્ષ છોડીને શાંતરસનું સ્થાન સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્માનું લક્ષ કરી એમાં અત્યંત નિમગ્ન થાઓ જેથી અતીન્દ્રિય આનંદ થશે એમ આચાર્યદેવનો સંદેશ છે.