૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
જેમ સમુદ્રની આડું કોઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય. પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો.’ તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો. એટલે કે દયા, દાન, ભક્તિના જે રાગરૂપ પરિણામ છે તેનાથી મને લાભ (ધર્મ) થશે એવા મિથ્યા ભ્રમમાં હતો. તે રાગની રુચિમાં જ રોકાઈ ગયો હતો. તેથી ભગવાન આત્મા આચ્છાદિત હતો, ઢંકાઈ ગયો હતો, ત્યારે પોતાનું સ્વરૂપ નહોતું દેખાતું. રાગની રુચિની આડમાં આનંદથી ભરેલો ભગવાન દેખાતો ન હતો. બહિર્લક્ષી વૃત્તિઓના પ્રેમમાં જ્ઞાન અને આનંદના જળથી ભરેલો ભગવાન ચૈતન્યસમુદ્ર નહોતો દેખાતો.
હવે વિભ્રમ દૂર થયો. એટલે કે દયા, દાનનો અને ભક્તિનો વિકલ્પ છે તે ગમે તેવો મંદ હો તોપણ રાગ છે, ધર્મ નથી. આત્માના સ્વરૂપની એ (રાગ) ચીજ નથી. એ રાગ બંધનું કારણ છે, હેય છે. આમ વિભ્રમ દૂર થયો ત્યારે જેવું છે તેવું યથાર્થ સ્વરૂપ પ્રગટ થયું. અતીન્દ્રિય આનંદનો નાથ પ્રગટ થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં એટલે આનંદ પ્રગટયો. તેથી ‘હવે તેના વીતરાગવિજ્ઞાનરૂપ શાંતરસમાં એકી વખતે સર્વ લોક મગ્ન થાઓ’ એમ આચાર્યદેવે પ્રેરણા કરી છે. પૂર્ણ આનંદસ્વરૂપ પોતાના ભગવાનનો જ્યાં પૂર્ણ આશ્રય કર્યો ત્યારે પર્યાયમાં પૂર્ણ આનંદ પ્રગટ થયો. ત્યારે કહે છે કે આમાં બધાય જીવો એક સાથે આવીને સ્નાન કરો અને સંસારનો મેલ ધોઈ નાખે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ જુદો છે, ભાઈ! વ્રત, તપ, ભક્તિ આદિથી ધર્મ મનાવવો એ તો રાગથી ધર્મ મનાવવો છે. પણ એ જૈનધર્મ નથી, એ તો અજૈનનો માર્ગ છે. પરની દયા પાળવાનો ભાવ છે એ રાગ છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ રાગને આત્માની હિંસાનો ભાવ કહ્યો છે. સાંભળ, પ્રભુ! (સાચું તત્ત્વ) તેં સાંભળ્યું નથી. આ પૂર્ણાનંદનો નાથ જીવતી ચૈતન્યજ્યોત છે. એવો આત્માને યથાર્થ માનવો તે (નિજ) આત્માની દયા છે. તેને (આત્માને) ઓછો, અધિક કે વિપરીત માનવો તે આત્માની હિંસા છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ તો પરમેષ્ઠી હતા. તેઓ વીતરાગ- શાંતરસમાં નિમગ્ન હતા, અને પરમ કરુણા કરીને જગતને પણ તેમાં મગ્ન થવાની તેમણે પ્રેરણા આપી છે. એમ કે અમે શાંતરસમાં નિમગ્ન છીએ તો પ્રભુ! તમે એમાં કેમ નિમગ્ન ન હો? પ્રભુ! તમે પણ આત્મા છો ને? દુનિયાના માન-અપમાનને છોડીને ભગવાન નિર્માન આત્માનું અહંપણું સ્થાપિત થતાં વીતરાગ શાંતરસ પ્રગટે છે. એ શાંતરસમાં સૌ નિમગ્ન થાઓ એવી આચાર્યે પ્રેરણા કરી છે.
અથવા એવો પણ અર્થ થાય કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન